ગૉલ્ગી, કામિલ્લો

February, 2011

ગૉલ્ગી, કામિલ્લો (જ. 7 જુલાઈ 1843, કૉર્ટોના, ઇટાલી; અ. 21 જાન્યુઆરી 1926, પાવિયા) : રામૉનઇકાકાલની સાથે ચેતાતંત્ર પરના સંશોધન માટે 1906નો નોબેલ પુરસ્કાર મેળવનાર ઇટાલિયન વિજ્ઞાની. તેઓ પાવિયામાં સ્નાતક થયા અને 7 વર્ષ પાવિયા હૉસ્પિટલમાં તબીબી સેવા આપી. ત્યારબાદ તેમણે એબિયાટે ગ્રાસો નામના નાના ગામમાં મુખ્ય તબીબ તરીકે 5 વર્ષ કામ કર્યું. 1875માં તેઓ પાવિયામાં હિસ્ટૉલૉજીના પ્રોફેસર નિમાયા. પરંતુ તે જ વર્ષે તેઓ સિયેનામાં ઍનેટૉમીના પ્રોફેસર તરીકે જોડાયા. 1881માં તે પાવિયામાં પૅથોલૉજી વિભાગના વડા બન્યા. 1873માં તેમણે ચેતાતંતુઓને અભિરંજિત કરવા સિલ્વરનાઇટ્રેટ વાપરવાનું શોધ્યું હતું. તેની મદદથી કેન્દ્રીય ચેતાતંત્રમાંના ગૉલ્ગી કોષને તેમણે ઓળખી બતાવ્યા. તેમના આ સંશોધને ચેતાતંત્રમાં ચેતાકોષ મુખ્ય કાર્યકારી એકમ છે એવી માન્યતાને બળવત્તર કરી. તેમણે 1880માં સ્નાયુબંધ(tendon)માંના ચેતાતંતુઓના છેડા દર્શાવ્યા. તેને ગૉલ્ગી ટેન્ડન્ટ સ્પિન્ડલ અથવા ગોલ્ગી ટેન્ડન ઑર્ગન કહે છે. તેમની આ શોધ તેમના હિસ્ટૉલૉજી પરના પુસ્તકમાં પ્રકાશિત થઈ છે.

કામિલ્લો ગૉલ્ગી

તેમણે 1883માં ચેતાકોષમાં આવેલા તંતુ, સૂક્ષ્મપુટિકાઓ અને કણિકાઓના સમૂહને ઓળખી બતાવ્યા. તેને ગૉલ્ગી ઍપરેટ્સ અથવા ગૉલ્ગી કૉમ્પ્લેક્સ કહે છે. આ કોષમાંની અંગિકા કોષકલાઓના ઉત્પાદનમાં મહત્ત્વનો ફાળો આપે છે.

1885–1893માં તેમણે એકાંતરે દિવસે થતો અને દર ચોથે દિવસે આવતો મલેરિયાનો તાવ વર્ણવ્યો. તે અલગ અલગ જંતુથી થાય છે તે દર્શાવ્યું. તેમણે તે જંતુનો લોહીના કોષોમાંનો જીવનકાળ પણ દર્શાવ્યો.

શિલીન નં. શુક્લ