ગૉજ : એક પ્રકારનું ખડકદ્રવ્ય. ભૂસંચલનક્રિયા દરમિયાન ખડકોમાં ઉદભવતા સ્તરભંગને કારણે સ્તર ખસતાં ઘર્ષણ ઉત્પન્ન થાય છે, પરિણામે ખડકની દીવાલો કચરાઈને, દળાઈને, શેકાઈને, સૂક્ષ્મદાણાદાર ખડકદ્રવ્ય ઉત્પન્ન કરે છે. સંજોગ-ભેદે તે ખડક જેવું સખત કે માટી જેવું નરમ, છૂટું હોઈ શકે છે. સ્તરભંગ વખતે પરિણમતા સ્તરભંગ-બ્રેક્સિયા સાથે પણ તે ઘણી વાર સંકળાયેલું મળી આવે છે. રાજસ્થાનમાં આબુરોડ નજીકની અરવલ્લી હારમાળાના ખડકોમાં મળી આવતા કુઇ-ચિત્રાસણી સ્તરભંગમાં તે આછા કાળા રંગના સખત ખડકદ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે. આ ઉપરાંત ખનિજ-શિરાઓની બાજુની દીવાલોમાં પણ ક્યારેક આ પ્રકારનું દ્રવ્ય ઉત્પન્ન થયેલું મળી આવે છે, જે આર્થિક રીતે ઉપયોગી શિરાને ખોદી કાઢવામાં સરળતા કરી આપે છે.
ગિરીશભાઈ પંડ્યા