ગૉડફાધર, ધ : રાજકીય, સામાજિક અને નૈતિક વ્યવસ્થા પર આકરા પ્રહાર કરતી બહુચર્ચિત લોકપ્રિય અમેરિકન ફિલ્મ. પૅરેમાઉન્ટ પિક્ચર્સ દ્વારા પ્રથમ 1972માં નિર્મિત તથા ફ્રાન્સિસ ફૉર્ડ કોપોલા દ્વારા દિગ્દર્શિત આ ચલચિત્રની કથાના કેન્દ્રસ્થાને બે હરીફ માફિયા ટોળીઓ છે. આમાં કાર્લિયન કુટુંબના વડા તરીકે ડૉન વિટો છે. જે લોકો કે સંસ્થાઓને રાજકીય કે સામાજિક અન્યાય થયો હોય તે ડૉન વિટોનો સંપર્ક સાધે. કાર્લિયન કુટુંબ ધાકધમકી, આતંક અને પિસ્તોલની અણીએ એમને ન્યાય અપાવે. ડૉન વિટો તેના સૌથી નાના પુત્ર માઇકેલને કુટુંબના આ ધંધાથી દૂર રાખે છે. એક વાર હરીફ ટોળી દ્વારા ડૉન વિટો ઘાયલ થાય છે અને તેમાં તેનું અવસાન થાય છે. વેરની વસૂલાતમાં લાશોના ઢગલા ખડકાય છે. કથાના અંતે કુટુંબના આ ધંધાથી વિરક્ત રહેલો માઇકેલ તેના પિતાના સ્થાને ટોળીનો વડો બને છે.

પચાસ લાખ ડૉલર કરતાં પણ વધુ ખર્ચે તૈયાર થયેલા આ ચલચિત્રનું મોટા ભાગનું ચિત્રાંકન અમેરિકાના નગર ન્યૂયૉર્ક ખાતે તથા ઇટાલીના ટાપુ સિસિલી પર કરવામાં આવ્યું હતું. માર્ચ, 1972માં તે રૂપેરી પડદા પર પ્રદર્શિત થયા પછી ચલચિત્રક્ષેત્રે તેણે આવકનો વિશ્વવિક્રમ સર્જ્યો હતો. આ ચલચિત્રને 1972ના વર્ષનું સર્વશ્રેષ્ઠ કથાચિત્ર, નાયકની ભૂમિકા ભજવનાર માર્લૉન બ્રાન્ડોને શ્રેષ્ઠ અભિનેતા તથા ફ્રાન્સિસ કોપોલા અને મારિયો પુઝોને શ્રેષ્ઠ પટકથાના ઑસ્કાર ઍવૉર્ડ એનાયત થયા હતા. ઉપરાંત, ડિરેક્ટર્સ ગિલ્ડ ઑવ્ અમેરિકાએ કોપોલાને શ્રેષ્ઠ દિગ્દર્શકના ઍવૉર્ડથી અને સહાયક અભિનેતા રૉબર્ટ ડુવાલને ન્યૂયૉર્ક ફિલ્મ ક્રિટિક્સ ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.

‘ધ ગૉડફાધર’ ચલચિત્રનું એક ર્દશ્ય

1974માં આ ચલચિત્રનો બીજો ભાગ બનાવવામાં આવ્યો, જેનું ચિત્રાંકન માત્ર નવ મહિનાના ટૂંકા ગાળામાં પૂરું કરવામાં આવ્યું હતું. ચલચિત્રના પહેલા ભાગ કરતાં બીજો ભાગ વધુ ચડિયાતો પુરવાર થયો હતો. વિવેચકોએ એકીઅવાજે તેનાં ભરપૂર વખાણ કર્યાં. ફિલ્મને કુલ છ ઑસ્કાર પારિતોષિકો મળ્યાં હતાં. ફિલ્મને 1974ના વર્ષના સર્વશ્રેષ્ઠ કથાચિત્ર તરીકે, ફ્રાન્સિસ કોપોલાને શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે, રૉબર્ટ નિરોને શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે, ફ્રાન્સિસ કોપોલા અને મારિયો પુઝોને શ્રેષ્ઠ પટકથાના લેખક તરીકે, નિનો રોટાને શ્રેષ્ઠ સંગીત માટે તથા એન્જેલો ગ્રેહામને શ્રેષ્ઠ કલાનિર્દેશન માટે ઉપરાંત, ડિરેક્ટર્સ ગિલ્ડ ઑવ્ અમેરિકા તરફથી કોપોલાને શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઍવૉર્ડ પણ એનાયત થયો હતો.

1990માં આ ચલચિત્રનો ત્રીજો ભાગ બનાવવામાં આવ્યો હતો; પરંતુ તેને ઝાઝી સફળતા મળી નહોતી.

પીયૂષ વ્યાસ