ગેલ-માન, મરે (જ. 15 સપ્ટેમ્બર 1929, ન્યૂયૉર્ક સિટી; અ. 24 મે 2019, સાન્તા ફે, ન્યૂ મેક્સિકો, યુ. એસ.) : અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને 1969ના ભૌતિકશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિક વિજેતા. ઉપ-પરમાણ્વીય કણ(subatomic particles)ના વર્ગીકરણ અને તેમની વચ્ચે થતી આંતરક્રિયા (interactions) માટેના તેમના કાર્ય માટે આ પારિતોષિક મળ્યું હતું. 15 વર્ષની વયે યેલ યુનિવર્સિટીમાં દાખલ થઈ, 1948માં ભૌતિકશાસ્ત્ર સાથે બી.એસસી.ની ઉપાધિ મેળવી અને 1951માં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી પીએચ.ડી. થયા. ઉપ-પરમાણ્વીય કણો ઉપરનું તેમનું પીએચ.ડી. માટેનું સંશોધનકાર્ય તે પછીનાં વર્ષોમાં, નોબેલ લૉરિયેટ (1963) યૂજીન પી. વિગ્નર(Eugene P. Wigner)ના કાર્ય માટે કાર્યસાધક બન્યું હતું. 1952માં ગેલ-માન શિકાગો યુનિવર્સિટીની ‘ઇન્સ્ટિટ્યૂટ ફૉર ન્યૂક્લિયર સ્ટડીઝ’માં જોડાયા. ત્યારપછીના વર્ષમાં તેમણે ‘વિચિત્રતા’ (strangeness) નામનો એક ખ્યાલ રજૂ કર્યો, જે અમુક મેસોન કણની
અગાઉ જોવા મળતી, સમસ્યારૂપ ક્ષય-ભાત(puzzling decay patterns)નો સંતોષકારક ખુલાસો દર્શાવતો, એક ક્વૉન્ટમ ગુણધર્મ છે. અગાઉ શોધાયેલા પ્રબળ આંતરક્રિયાકારક કણોનું સરળ વ્યવસ્થિત સમૂહ(families)માં વર્ગીકરણ કરવા માટે 1962માં તેમણે ઇઝરાયલી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી યુવલ નેમાન સાથે સંયુક્તપણે એક યોજના સૂચવી. ગેલ-માનના મત પ્રમાણે કોઈ ઉપ-પરમાણ્વીય કણ, પરમાણુ ન્યૂક્લિયસના ઘટકોને એકત્રિત રાખતા બળ જેવા પ્રબળ બળ દ્વારા આંતરક્રિયા અનુભવે ત્યારે ‘વિચિત્રતા’નું સંરક્ષણ થતું હોય છે; પરંતુ મંદ (weak) વિદ્યુતચુંબકીય આંતરક્રિયામાં તેમ થતું નથી. જ્ઞાન (enlightenment) અને આનંદ (bliss) માટેના બુદ્ધના આઠ સમ્યક્ માર્ગો ઉપરથી, આ યોજનાનું ‘અષ્ટાંગ માર્ગ’ (eight-fold way) નામ આપવામાં આવ્યું. તે મૅસોન તથા બેરિયોન કણ(ઉદા. પ્રોટૉન, ન્યૂટ્રૉન)ને જુદા જુદા ગુણધર્મો ઉપર આધારિત 1, 8, 10 અથવા 27ના ગુણાંકના સભ્ય-સમૂહમાં દર્શાવે છે. એક જ સમૂહ (multiplet)ના બધા જ કણને, તે જ મૂળભૂત કણની ચલિત અવસ્થા (variant states) તરીકે વિચારવામાં આવે છે. ગેલ-માને એવી અટકળ કરી કે મૂળભૂત કણ કે બંધારણ એકમો(building blocks)ના સંદર્ભમાં જ્ઞાત કણના ચોક્કસ ગુણધર્મની વધુ સમજૂતી આપવી શક્ય છે. દ્રવ્યના આ મૂળભૂત ટુકડાઓને પાછળથી તેમણે ‘ક્વાકર્સ’ કહ્યા. આવો કલ્પનાશીલ શબ્દપ્રયોગ તેમણે જેમ્સ જૉયસની નવલકથા ‘Finnegans Wake’ ઉપરથી કર્યો હતો. ગેલ-માનની ક્વાકર્સની પરિકલ્પનાની પહેલી સફળતા તે ‘ઓમેગા-માયનસ’ કણની આગાહી અને ત્યારબાદ 1964માં થયેલી તેની શોધ. છેલ્લાં વર્ષો દરમિયાન થયેલ સંશોધન દ્વારા પ્રાપ્ત થયેલી અન્ય માહિતીના પરિણામે, ક્વાર્ક્સના ખ્યાલને બહોળી સ્વીકૃતિ અને વિષય-વિસ્તરણ (elaboration) સાંપડ્યાં છે. 1955માં ગેલ-માન, પાસાડેનામાં આવેલી ‘કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી’ની ફૅકલ્ટીમાં જોડાયા અને 1967માં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના મિલિકન પ્રોફેસર તરીકે તેમની નિમણૂક થઈ. તેમણે લખેલાં પુસ્તકોમાં નેમાન સાથે લખેલું ‘ધ એટ-ફોલ્ડ વે’ (1964) અને કે. વિલ્સન સાથે લખેલું ‘બ્રોકન સ્કેલ ઑવ્ વેરિઅન્સ ઍન્ડ ધ લાઇટ કોન’ (1971) ખૂબ જાણીતાં છે.
એરચ મા. બલસારા