ગેલાર્ડિયા : કુળ- Compositae (Asteraceae)નો મોસમી 40­–50 સેમી. ઊંચો ફૂલછોડ. ગુ. તપ્તવર્ણા, અં. Blanket flower. ફૂલને બેસતાં 3­–4 માસ લાગે છે, પણ પછી 5–­6 માસ સુધી ફૂલોના ઢગલાથી છોડ લચી પડે છે. તે પુષ્પગુચ્છ, હાર, કટફ્લાવર કે ફૂલદાનીમાં શોભે છે. તેમાંની ઘણી જાતો હાલમાં બગીચામાં વવાય છે. જેમ કે એકલ પાંખડીવાળા પીળા કે તપખીરિયા રંગના G. picta અને G. drummondi છે. બેવડી પાંખડીઓવાળા પણ મિશ્ર રંગના G. lerneziana પીળા કે કેસરી કે લાલ રંગના હોય છે. એક વર્ષ કરતાં વધારે ટકતો આકર્ષક મોટાં ફૂલોવાળો G. grandi flora છે. ફૂલો 5–8 સેમી. સુધીનો વ્યાસ ધરાવે છે. G. pulchella વિવિધ રંગોવાળાં પુષ્પો માર્ચ–જુલાઈ માસ સુધી ફાલે છે.

મ. ઝ. શાહ