ગેરીલા યુદ્ધપદ્ધતિ : પ્રણાલીગત સામસામેના યુદ્ધને બદલે સૈનિકોનાં નાનાં જૂથો દ્વારા શત્રુ પક્ષ પર અણધાર્યા છાપામાર હુમલાની પદ્ધતિ. સ્પૅનિશ શબ્દ ‘ગૅરિઆ’ (guerria = લડાઈ) પરથી ‘ગેરીલા’ એવો શબ્દપ્રયોગ રૂઢ બન્યો છે, જેનો અર્થ ‘નાની લડાઈઓની યુદ્ધપદ્ધતિ’ એવો થાય છે. 1808–14ના પેનિન્સ્યુલર યુદ્ધ દરમિયાન ‘ગેરીલા’ શબ્દ પ્રચલિત થયો અને વિશ્વના જુદા જુદા દેશોમાં ક્રાંતિકારીઓએ જુલમી શાસકો સામેના પ્રજાકીય સંઘર્ષમાં પણ ગેરીલા પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કર્યો છે. ચીનમાં ગેરીલા યુદ્ધના પ્રણેતા માઓ ત્સે-તુંગના મંતવ્ય મુજબ ગેરીલા યુદ્ધ જુલમગાર અને જુલમનો ભોગ બનનાર પ્રજા વચ્ચેના અનિવાર્ય સંઘર્ષનું પરિણામ હોય છે. ચીન પર જ્યારે જાપાનનો વિસ્તારવાદ લાદવામાં આવ્યો અને તે દ્વારા જ્યારે જાપાની શાસકોએ ચીની પ્રજા પર નૃશંસ જુલમગાર લાદવાની શરૂઆત કરી ત્યારે તેના જવાબમાં માઓ ત્સે-તુંગે જાપાની લશ્કર સામે ગેરીલા યુદ્ધતંત્રનો ઉપયોગ કરવા માટે ચીની પ્રજાને સજ્જ કરી હતી અને ચીનની ઐતિહાસિક લાંબી કૂચ (long march) દરમિયાન પોતાની માતૃભૂમિ પર ગેરવાજબી કબજો કરનાર જાપાની લશ્કરનાં દળોને હંફાવવા માટે તેનો અસરકારક અમલ કર્યો હતો.
દેશનું લશ્કર વિદેશી આક્રમકો સામે નાકામયાબ સાબિત થાય, તેની સામે શરણાગતિ સ્વીકારે અથવા તેમાં ભળી જાય ત્યારે વિદેશી આક્રમકોનો સામનો કરવાનો ર્દઢ નિશ્ચય ધરાવતા નાગરિકો માતૃભૂમિની આઝાદી માટે સંઘર્ષ ચાલુ રાખવા ગેરીલા સંગઠનો ઊભાં કરતા હોય છે. કેટલીક વાર દેશમાં આંતરિક સત્તાપલટો કરવા માટે લોકશાહી માર્ગો નાકામયાબ નીવડે ત્યારે પણ ગેરીલા સંગઠનો સક્રિય બનતાં હોય છે. દા.ત., ઝારશાહી સામેના સંઘર્ષમાં રશિયામાં બૉલ્શેવિક ક્રાંતિ દરમિયાન તેના નેતા લેનિને આવાં સંગઠનો ઊભાં કર્યાં હતાં.
ગેરીલા ટુકડીઓમાં જોડાયેલા સૈનિકો યુવાન વયના, ચપળ, ચાલાક, ખડતલ, શિસ્તબદ્ધ, સમાન ધ્યેયને એકનિષ્ઠપણે વરેલા, ઝનૂની, સાહસિક અને મરણિયા પ્રયાસ કરવા કટિબદ્ધ થયેલા હોય છે. તેમને ગેરીલા યુદ્ધતંત્રની વિધિસરની તાલીમ આપવામાં આવતી હોય છે તથા તે યુદ્ધતંત્રમાં અસરકારક નીવડે તેવાં શસ્ત્રો તેમને પૂરાં પાડવામાં આવે છે.
ગેરીલા યુદ્ધતંત્રની વિશિષ્ટ ખાસિયતો છે : જે રાષ્ટ્ર પાસે પૂરતા પ્રમાણમાં લશ્કરી સાધનો ન હોય તે રાષ્ટ્ર પણ શક્તિશાળી આક્રમણખોર રાષ્ટ્ર સામે ગેરીલા યુદ્ધપદ્ધતિ અખત્યાર કરીને રાષ્ટ્ર તરીકે પોતાની ચેતનાને જીવંત રાખી શકે છે. આક્રમણખોર ભલે અંદરના વિસ્તાર સુધી ઘૂસી ગયેલો હોય છતાં તેને હંફાવવા માટે આ યુદ્ધનીતિનો અસરકારક ઉપયોગ થઈ શકે છે. શત્રુની આગેકૂચ અટકાવી શકાય છે અને તેની સામે પોતાનો બચાવ પણ કરી શકાય છે.
ગેરીલા ટુકડીઓ રચવાની અલગ અલગ પદ્ધતિઓ હોય છે : (1) લોકસમુદાયમાંથી ખાસ પસંદગી પામેલા ગેરીલાઓ, (2) લશ્કરના સૈનિકોમાંથી ચોક્કસ હેતુ પૂરતા, કામચલાઉ ધોરણે પસંદ કરેલા ગેરીલાઓ, (3) લશ્કરમાંથી કાયમી ધોરણે અલાયદા પાડેલા ગેરીલાઓની ટુકડીઓ, (4) લોકસમુદાયમાંથી પસંદ કરેલા ગેરીલાઓ અને લશ્કરમાંથી અલાયદા પાડેલા ગેરીલાઓની સંયુક્ત ટુકડીઓ, (5) સ્થાનિક અર્ધલશ્કરી દળો, પોલીસ, ગૃહરક્ષક દળો વગેરેમાંથી લશ્કરી મિજાજ ધરાવતા લોકોની ગેરીલા ટુકડીઓ, (6) ઝનૂની જૂથોમાંથી ખાસ પસંદ કરાયેલાઓની મરણિયા ટુકડીઓ, (7) શત્રુનાં સ્થાન અને શક્તિના અંદાજને આધારે તેને હંફાવવા માટે બનાવેલી ગેરીલા ટુકડીઓ.
લશ્કરની ટુકડીઓની શૃંખલાની જેમ ગેરીલા ટુકડીઓ પણ શ્રેણીબદ્ધ ગોઠવાયેલી હોય છે. દા.ત., નાનામાં નાના ઘટક સેક્શનથી માંડીને મોટામાં મોટા ઘટક ડિવિઝન કે બિગ્રેડ સુધીના ઘટકો જેમાં દરેકનું પોતાનું સંખ્યા અને શસ્ત્રો દર્શાવતું બંધારણ હોય છે.
સંગઠનની ર્દષ્ટિએ ગેરીલા અને લશ્કર વચ્ચે મૂળભૂત તફાવત એ કે ગેરીલાઓ સ્વયંસેવી સૈનિકો હોય છે અને તે સર્વસામાન્ય લોકોની સહાનુભૂતિ અને સહકાર પર આધાર રાખે છે. અન્ય બધી રીતે તે લશ્કર સાથે સામ્ય ધરાવે છે.
ઓગણીસમી સદીમાં મેક્સિકોમાં ખેડૂતોએ ગેરીલા યુદ્ધપદ્ધતિ દ્વારા ફ્રાન્સના વસાહતીઓને હરાવ્યા હતા. તે સિવાય 1920માં બ્રાઝિલમાં અને 1960માં ગ્વાટેમાલામાં ગેરીલા યુદ્ધો લડાયાં હતાં. 1959માં ફિડલ કાસ્ટ્રોના નેતૃત્વ હેઠળ ક્યૂબાની ક્રાંતિને જે સફળતા મળી તેનાથી વિસ્તારવાદને અટકાવવા માટે ગેરીલા પદ્ધતિને બળ મળ્યું છે. 1960ની આસપાસ લૅટિન અમેરિકામાં જે ગેરીલા યુદ્ધો લડાયાં તેમાં ગેરીલાના રોમાંચક વલણ અને લશ્કરી પગલાને ન્યાયી ઠરાવવામાં તેના પ્રથમ ચરણમાં રાજકીય ઉદ્યુક્તીકરણનું કાર્ય જરૂરી છે, તે વીસરાઈ જવાથી તેમાં સફળતા મળી ન હતી. ગેરીલાવાદે લૅટિન અમેરિકાના કર્મશીલોમાં ગણનાપાત્ર વગ ઊભી કરી છે. 1960ના ગાળામાં વેનેઝુએલા, ગ્વાટેમાલા, બ્રાઝિલ અને ઉરૂગ્વેમાં શહેરી ગેરીલાઓની ટુકડીઓ ઊભી કરવામાં આવી હતી. ક્યૂબાની ક્રાંતિની સફળતાએ આ યુદ્ધપદ્ધતિને વિશ્વપ્રસિદ્ધિ બક્ષી હતી.
ગેરીલા આધારિત લશ્કરી વ્યૂહરચનાએ આધુનિક લશ્કરી વિજ્ઞાનમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેનું મહત્ત્વ પશ્ચિમી સત્તાઓની વર્તમાન વ્યૂહરચના અને સજ્જતામાં દેખાઈ આવે છે. યુદ્ધની તકનીકની ર્દષ્ટિએ ઝડપી લશ્કરી હેરફેર અને ઓછામાં ઓછી ખુવારી દ્વારા ગેરીલાએ પ્રણાલીગત લશ્કરની સામે માત્ર સમાંતર સંરક્ષણ હરોળ ઊભી કરી છે એટલું જ નહિ; પરંતુ તેની સામે તે મોટા પડકારરૂપ બનેલ છે.
ભારતમાં ગેરીલા યુદ્ધનીતિથી જ છત્રપતિ શિવાજીના સૈનિકોએ મોગલ સમ્રાટ ઔરંગઝેબના લશ્કરને 27 વર્ષ સુધી હંફાવ્યું હતું. તે પરથી ગેરીલા યુદ્ધપદ્ધતિ એટલે મરાઠાઓની યુદ્ધપદ્ધતિ એવું સમીકરણ ભારતમાં થયું હતું. ભારતમાં ગેરીલા પદ્ધતિ દ્વારા લડાયેલાં યુદ્ધોના કેટલાક દાખલા નોંધપાત્ર છે : (1) ચૌદમી સદીમાં મેવાડના રાણા હમીરે સતત પચીસ વર્ષ સુધી આ યુદ્ધનીતિનો ઉપયોગ કરી મેવાડને મુક્ત રાખ્યું હતું. (2) મહારાણા પ્રતાપે ચૌદ વર્ષ સુધી સમ્રાટ અકબરના લશ્કર સામે આ યુદ્ધનીતિનો ઉપયોગ કર્યો હતો. (3) રાઠોડ વીર દુર્ગાદાસ અને મહારાજા અજિતસિંગે આ જ યુદ્ધતંત્રનો ઉપયોગ કર્યો હતો. (4) ગુરુ ગોવિંદસિંહના અવસાન પછી પંજાબમાં લગભગ 95 વર્ષ સુધી શીખોએ મોગલો સામે આ જ યુદ્ધપદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.
વિશ્વના અન્ય દેશોમાં પણ અલગ અલગ સમયે આ યુદ્ધનીતિ અખત્યાર કરવામાં આવી હતી. (1) અમેરિકાના મૂળ રહેવાસી રેડ ઇન્ડિયનોએ યુરોપથી કાયમી વસવાટ માટે આવતા લોકોના પ્રવાહને રોકવા આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હોય તેમ લાગે છે. (2) નેપોલિયન બોનાપાર્ટે સ્પેન પર વિજય મેળવ્યા પછી ફ્રેન્ચ શાસકોની સામે સ્પેનની જનતાએ આ પદ્ધતિ દ્વારા સંઘર્ષ કર્યો હતો. (3) બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન જર્મની અને જાપાનનાં આક્રમણોનો સામનો કરવા માટે સોવિયેટ સંઘ, યુગોસ્લાવિયા અને ફ્રાન્સ જેવા દેશોમાં ખુલ્લાં યુદ્ધોની સાથોસાથ ગેરીલા યુદ્ધપદ્ધતિ પણ અખત્યાર થઈ હતી. ‘પાર્ટિઝન વૉરફૅર’ નામથી ઓળખાયેલી આ યુદ્ધનીતિએ જર્મનીના સૈન્યને હંફાવ્યું હતું. (4) ચીનમાં માઓ ત્સે-તુંગના નેતૃત્વ હેઠળ 1927ના વર્ષથી સામ્યવાદીઓએ જનરલ ચાંગ કાઈ-શેકના નેજા હેઠળના કોમિન્ટાંગ સામે આ યુદ્ધકળાનો આશ્રય લીધો હતો. (5) વિયેટનામમાં હો ચી મિનના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રવાદી સૈનિકોએ 1946–54 દરમિયાન ફ્રાન્સની સામે અને ત્યારપછી 1972 સુધી અમેરિકાના લશ્કર સામે આ યુદ્ધવિદ્યાનો સફળતાથી ઉપયોગ કર્યો હતો. (6) ક્યૂબામાં ફિડલ કાસ્ટ્રોના નેતૃત્વ હેઠળના સૈનિકોએ ત્યાંના સરમુખત્યાર બાટિસ્ટાની સામે 1955માં ગેરીલા યુદ્ધપદ્ધતિનો અમલ કર્યો હતો. (7) અલ્જિરિયામાંથી ફ્રેન્ચ સંસ્થાનવાદને હાંકી કાઢવા માટે ત્યાંના ક્રાંતિકારીઓએ આ જ પદ્ધતિનો અમલ કર્યો હતો. (8) પૂર્વ પાકિસ્તાનને પાકિસ્તાનના કબજામાંથી છોડાવી બાંગ્લાદેશનું સ્વતંત્ર રાજ્ય પ્રસ્થાપિત કરવા માટે ‘મુક્તિવાહિની’ નામથી ઓળખાતી લોકસેનાએ 1970–71 દરમિયાન ગેરીલા પદ્ધતિનો સફળતાથી ઉપયોગ કર્યો હતો. (9) શ્રીલંકામાં તામિલ વ્યાઘ્રો આ જ પદ્ધતિ દ્વારા ત્યાંના લશ્કરને હંફાવી રહ્યા હતા. (10) ભારતનાં ઈશાન રાજ્યોમાં નક્સલવાદીઓ, અસમમાં ઉલ્ફા ઉગ્રવાદીઓ તથા આંધ્રમાં ‘રેડ આર્મી’ અને ‘પીપલ્સ વૉર ગ્રૂપ’ આ જ પદ્ધતિને વરેલાં સંગઠનો છે.
સરમણ ઝાલા