ગેડીદડા : પરાપૂર્વથી ગામની ભાગોળે અથવા બે અડોઅડ ગામોની વચ્ચેના વિસ્તારમાં રમાતી આવેલી ભારતીય રમત. ગેડીદડાની રમત એ આંતરરાષ્ટ્રીય હૉકીની રમતના જેવી ભારતની રાષ્ટ્રીય લોકરમત છે. આ રમતનું પગેરું મહાભારતકાળ સુધી જાય છે. ગેડીદડાની રમતમાં દડો વજનદાર હોવાથી ખેલાડીના કાંડાને વધારે તાકાતની જરૂર પડે છે તથા રમતનાં ગેડી અને દડા જેવાં સાધનો ગામડામાં સુલભ હોવાથી આ રમત તદ્દન બિનખર્ચાળ અને સાચા અર્થમાં તળપદી બની રહે છે. આ રમતમાં દડો લૂગડાંને સખત ગૂંથીને બનાવેલો 18થી 22 સેમી. વ્યાસનો હોય છે. તથા ગેડી કાંડાની જાડાઈ જેટલી તેમજ હૉકી સ્ટિકની જેમ એક છેડેથી જરાક વળેલી હોય છે. હૉકીની રમતની જેમ આ રમતમાં દરેક પક્ષ ગેડી વડે દડાને ફટકારી પોઈ (goal) કરવા મથે છે. હૉકીની રમતને અનુલક્ષીને આ રમતના નિયમો ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળે 1936માં ઘડ્યા હતા અને તેનો સારો પ્રચાર કર્યો હતો. હાલમાં ઠેર ઠેર હૉકી અને ક્રિકેટની રમતોને ઉત્તેજન મળતાં આ રમત લગભગ મૃતપ્રાય બની ગઈ છે.
ચિનુભાઈ શાહ