ગેઝ, આન્ડ્રિયા (Ghez, Andrea) (જ. 16 જૂન 1965, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : આપણી આકાશગંગાના કેન્દ્રમાં અત્યંત દળદાર તથા સઘન વસ્તુ(પદાર્થ)ની શોધ માટે 2020નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર મહિલા વિજ્ઞાની. પુરસ્કારનો અર્ધભાગ આન્ડ્રિયા ગેઝ તથા રાઈનહાર્ડ ગેન્ઝેલને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. બીજો અર્ધભાગ રૉજર પેનરોઝને પ્રાપ્ત થયો હતો.

ગેઝ, આન્ડ્રિયા
આન્ડ્રિયા ગેઝ અમેરિકન ખગોળશાસ્ત્રી છે. તેમના પિતા યહૂદી મૂળના હતા અને માતા આઇરિશ કૅથલિક હતાં. શાળાકીય શિક્ષણ તેમણે શિગાકોમાંથી પ્રાપ્ત કર્યું. તે જ અરસામાં અપોલો અવકાશયાન દ્વારા મનુષ્યના ચંદ્ર પર સફળ ઉતરાણની મહત્વની ઘટનાથી તેઓ ઘણાં પ્રભાવિત થયાં અને તેમને પ્રથમ મહિલા અવકાશયાત્રી બનવાની મહેચ્છા જાગી. તેમનાં માતાએ આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે સહકાર આપ્યો. તેમણે 1987માં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને 1992માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી તે જ વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1994માં તેમણે યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, લૉસ ઍન્જેલિસમાં ભૌતિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રના સહઅધ્યાપક તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું.
આન્ડ્રિયા ગેઝે ખગોળશાસ્ત્રમાં કારકિર્દીની શરૂઆત યુગ્મ તારાઓ (binary stars)ના અભ્યાસ દ્વારા કરી. તે માટે તેમણે અવરક્ત પ્રતિબિંબ (infrared speckle imaging)ની તકનીકનો ઉપયોગ કર્યો. 1995માં તેમણે તથા તેમના સહ-કાર્યકર્તાઓએ હવાઈની કેક વેધશાળામાં આપણી આકાશગંગા(Milky Way)ના કેન્દ્રમાં રહેલા તારાઓનો અભ્યાસ શરૂ કર્યો. તેમને જણાયું કે કેન્દ્રમાં અત્યંત ઉજ્જ્વળ રેડિયો-તરંગોનો સ્રોત ‘સૅજિટેરિયસ A’ રહેલો છે, જેનું દળ સૂર્ય કરતાં 40 લાખગણું વધારે છે અને કદમાં ઘણો જ નાનો છે. તે અત્યંત દળદાર બ્લૅક હોલ (શ્યામ ગર્ત) તરીકે ઓળખાયો.
આન્ડ્રિયા ગેઝ ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનારાં ચોથાં મહિલા છે. અનેક પુરસ્કારો અને ઇનામો તેમને અર્પિત થયાં છે. 2019માં યુનિવર્સિટી ઑવ્ ઑક્સફર્ડે તેમને ડૉક્ટર ઑવ્ સાયન્સની માનાર્હ પદવીથી સન્માનિતક કર્યાં. તે જ વર્ષમાં તેમને ફેલો ઑવ્ અમેરિકન ફિઝિકલ સોસાયટી તરીકેનું બહુમાન મળ્યું. હાલમાં તેઓ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, લૉસ ઍન્જેલિસમાં સંશોધનકાર્યમાં કાર્યરત છે.
પૂરવી ઝવેરી