ગૅરંટી (કરારપાલન) : બે વ્યક્તિઓ વચ્ચે થયેલ આર્થિક વ્યવહારના કરારમાં જવાબદાર વ્યક્તિ દ્વારા કરારભંગ, વચનભંગ કે ફરજભંગની કસૂર થાય તો તે કરાર, વચન કે ફરજનું પાલન કરવા-કરાવવાની બાંયધરી કે જામીનગીરી અંગેનો કરાર. તારણ વિનાનું ધિરાણ આપતી વેળાએ બૅંકો સામાન્ય રીતે જે પ્રથા અપનાવે છે તેમાંની એક ત્રાહિત પક્ષની ગૅરંટી અથવા જામીનગીરી દ્વારા ધિરાણ આપવાની પ્રથા છે (બીજી બે પ્રથાઓ તે ધિરાણની માગણી કરનાર અરજદારની અંગત શાખ-બાંયધરી અને ગ્રાહકની લેણી હૂંડી વટાવીને ધિરાણ પૂરું પાડવાની પ્રથા). કેટલીક વાર સમર્થક તારણ વિનાનું ધિરાણ આપતી વેળાએ અરજદારની અંગત શાખ-બાંયધરી અપૂરતી જણાય ત્યારે પણ બકો ત્રાહિત વ્યક્તિની જામીનગીરી મેળવીને ધિરાણ મંજૂર કરતી હોય છે.
જામીનગીરીનો કરાર લેખિત સ્વરૂપમાં હોય તે ધિરાણ આપતી સંસ્થા માટે વધુ હિતકારક ગણાય છે; તેમ છતાં તે મૌખિક, વ્યક્ત અથવા ગર્ભિત પણ હોઈ શકે છે.
આ કરારના ત્રણ પક્ષકારો હોય છે : (1) મુખ્ય કરજદાર (principal debtor) એટલે કે કરાર મુજબ ધિરાણની રકમની ચુકવણી કરવાની પ્રાથમિક જવાબદારી વહન કરનાર વ્યક્તિ, (2) લેણદાર (creditor) એટલે કે ધિરાણ આપનાર વ્યક્તિ કે સંસ્થા, (3) જામીન અથવા હામીદાર એટલે કે ત્રાહિત વ્યક્તિએ કરારપાલનની જામીનગીરી આપી હોય તે અંગેની ગૌણ (secondary) જવાબદારી વહન કરનાર વ્યક્તિ. પ્રધાન દેણદાર ધિરાણ અંગેના મુખ્ય કરારની શરતોનું પરિપાલન ન કરે ત્યારે તે કરારનું પાલન કરવા-કરાવવાની જવાબદારી જામીનને વહન કરવાની હોય છે અને દેણદાર કસૂર કરે ત્યારે તેની સામે કોઈ કાર્યવાહી કર્યા વિના પણ મુખ્ય કરારના પરિપાલન માટે લેણદાર જામીન સામે કાર્યવાહી કરવાનો હક લેણદાર ધરાવે છે. જામીનની જાણ અને સંમતિ વગર મુખ્ય કરારની શરતોમાં ફેરફાર કરવામાં આવે ત્યારે મુખ્ય કરારના પરિપાલનની જવાબદારીમાંથી તે આપોઆપ મુક્ત થયેલો ગણાય છે. આમ દેવાદાર અને લેણદાર વચ્ચેનો મુખ્ય કરાર જ્યાં સુધી અમલમાં રહે ત્યાં સુધી જામીનની જવાબદારી કરજદારની જવાબદારી જેટલી જ અને જેવી જ રહે છે અને તેથી જામીનગીરીના કરારને કારણે જામીન સામે લેણદારને અમુક હક પ્રાપ્ત થતા હોય છે. તેવી જ રીતે જામીન જ્યારે મુખ્ય કરજદાર વતી મુખ્ય કરારની શરતોનું પરિપાલન કરે ત્યારે તેને પણ પ્રધાન કરજદાર સામે કેટલાક હક પ્રાપ્ત થતા હોય છે. દા. ત., મુખ્ય કરારના પરિપાલન માટે તેને જો કોઈ ખર્ચ કરવો પડે તો તે ખર્ચની રકમ કરજદાર પાસેથી યથાસમયે વસૂલ કરવાનો હક જામીનને પ્રાપ્ત થાય છે. જે કરારમાં એક કરતાં વધુ જામીનો હોય છે તે કરારના પરિપાલનની જવાબદારી બધા જામીનોમાં સરખે ભાગે વહેંચાઈ જાય છે.
કરજદાર અને લેણદાર વચ્ચેના કોઈ એક અલાયદા, વિશિષ્ટ કે નિર્દિષ્ટ કરાર માટે જ જે જામીનગીરી આપવામાં આવે છે તેને વિશિષ્ટ જામીનગીરી (specific guarantee) કહેવામાં આવે છે; પરંતુ કરજદાર અને લેણદાર વચ્ચેના અનેક વ્યવહારોની શૃંખલાને આવરી લેતી જામીનગીરીને અવિરત જામીનગીરી (continuing guarantee) કહેવામાં આવે છે.
જામીનગીરીનો કરાર ક્ષતિપૂર્તિ કે નુકસાન વળતરના કરાર કરતાં ભિન્ન હોય છે. ક્ષતિપૂર્તિના કરાર દ્વારા કોઈ એક પક્ષ બીજા પક્ષને થતા નુકસાન સામે વળતર ચૂકવવા સંમત થવાનો કરાર છે. દા. ત., આગનો વીમો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે