ગૅબોં (Gabon) : મધ્ય આફ્રિકાનો પ્રજાસત્તાક દેશ. દેશનું અધિકૃત નામ રિપબ્લિકન ગેબોનેઇઝ છે. નવ પ્રાંતોના બનેલા આ દેશનો કુલ વિસ્તાર 2,67,677 ચોકિમી. છે. તેની વસ્તી વિશે જુદા જુદા અંદાજો મળે છે. રાષ્ટ્રસંઘની 2007ની ગણતરી મુજબ ગૅબોંની કુલ વસ્તી 13,31,000 છે. મધ્ય આફ્રિકામાં ઓછામાં ઓછી વસ્તી ધરાવતો હોવા છતાં જંગલ તથા ખનિજસંપત્તિની ર્દષ્ટિએ તે સૌથી વધારે સમૃદ્ધ છે. તેની વાયવ્યમાં વિષુવવૃત્તીય ગીની, ઉત્તરમાં કૅમેરૂન, અગ્નિમાં કૉંગો તથા પશ્ચિમમાં આટલાન્ટિક મહાસાગર આવેલાં છે. લીબરવિલ તેનું પાટનગર તથા સૌથી મોટું નગર છે. અન્ય મોટાં નગરોમાં પોર્ટ-જેન્ટિલ, લૅમ્બરેની, મોઆન્ડા તથા મોઉનાના ગણાય છે. શાંતિ માટેના 1975ના નોબેલ પારિતોષિક વિજેતા આલ્બર્ટ શ્વાઇત્સરની કર્મભૂમિ તરીકે લૅમ્બરેનીનું નગર વિશ્વવિખ્યાત બન્યું છે. તે વિસ્તારની મુખ્ય નદી ઓગૂનો 90 ટકા ભાગ ગૅબોંમાં આવેલો છે અને તે દેશના પૂર્વ તરફના  જેટલા ભાગને આવરી લે છે, અને 354 કિમી.નો વિસ્તાર નૌકાવહન માટે અનુકૂળ છે. ઊંચામાં ઊંચું શિખર મોન્ટ ઇબોન્ડજી છે (1,575 મી.).

પ્રાકૃતિક રચના, આબોહવા તથા જમીનના ઉપયોગની ર્દષ્ટિએ આ દેશ ચાર વિષમ રીતે વહેંચાયેલા પેટાવિભાગો (zones) ધરાવે છે. વિષુવવૃત્તીય પ્રદેશોમાં ઉષ્ણ અને ભેજવાળી આબોહવા છે. વાર્ષિક સરેરાશ વરસાદ 120થી 150 મિમી. હોય છે, જે ઑક્ટોબરથી મેના ગાળામાં પડે છે. દેશના 2/3 જેટલા વિસ્તારમાં ગીચ વિષુવવૃત્તીય વરસાદી જંગલો આવેલાં છે, જેમાં 3,000 જાતની વનસ્પતિ અને વિવિધ પ્રકારનું પ્રાણીજીવન સાંપડે છે.

મૅંગેનીઝ ખનિજના જથ્થાની બાબતમાં તે વિશ્વમાં ચોથો ક્રમ ધરાવે છે. તેના 20,00,00,000 મેટ્રિક ટન જથ્થા ઉપરાંત ત્યાં 85,00,00,000 મે. ટન કાચું લોખંડ, 48,00,00,000 ટન ખનિજ તેલ, 14,00,00,00,000 ઘન મીટર પ્રાકૃતિક ગૅસ તથા યુરેનિયમનો મોટો જથ્થો છે. ગૅબોંની સમૃદ્ધિમાં તેનાં ખનિજો તથા જંગલપેદાશોનો ફાળો ઘણો મોટો છે.

વસ્તીના લગભગ 50 ટકા લોકો ખેતી સાથે સંકળાયેલા છે. મોટા ભાગની ખેતી નિભાવ પૂરતી છે. મકાઈ, કેળાં, કઠોળ, મગફળી, કોકો અને કૉફી મુખ્ય પેદાશો છે. 1980માં દેશની કાચી રાષ્ટ્રીય પેદાશ (GNP) 2,56,80,00,000 અમેરિકન ડૉલર જેટલી તથા માથાદીઠ આવક (PCI) 2,334 અમેરિકન ડૉલર જેટલી હતી. આફ્રિકા ખંડના ઉષ્ણકટિબંધીય દેશોમાં માથાદીઠ આવકમાં આ દેશ સૌથી મોખરે છે. 1960 સુધી ત્યાંના અર્થતંત્રમાં અને ખાસ કરીને દેશની નિકાસોમાં જંગલપેદાશો પર આધારિત વ્યવસાયોનું પ્રભુત્વ વધારે હતું અને ઉદ્યોગોનો ફાળો માત્ર 10 ટકા હતો. નિકાસ વેપારમાં ઇમારતી લાકડું, કોકો, કૉફી, પામ ઑઇલ, ખનિજ તેલ, યુરેનિયમ અને મૅંગેનીઝ મુખ્ય છે. કુલ કાચી રાષ્ટ્રીય પેદાશમાં ખનિજ તેલનો ફાળો 60 ટકા અને નિકાસોમાં લગભગ 66 ટકા જેટલો હોય છે. આર્થિક વિકાસની પ્રક્રિયાનું સંચાલન મહદ્અંશે રાજ્યના નેજા હેઠળ થાય છે. સરકાર દ્વારા વિદેશી મૂડીરોકાણને ઉત્તેજન આપવામાં આવે છે.

દેશમાં 1,500 કિમી. જેટલી રેલવે તથા 182 કિમી. જેટલા રસ્તાઓ છે. મુખ્ય ભાષા ફ્રેંચ છે તથા આઠ સ્થાનિક ભાષાઓ બોલાય છે. 40 ટકા લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. બાકી મુસ્લિમ તથા સ્થાનિક ધર્મોના અનુયાયીઓ છે.

દેશની કુલ વસ્તીના 32 % શહેરોમાં અને 68 % ગામડાંમાં વસે છે. વસ્તીની ગીચતા 5.3 પ્રતિ ચોકિમી. છે. સરેરાશ આયુ 44 વર્ષ તથા સાક્ષરતાનું પ્રમાણ 25 % છે. ઉચ્ચ શિક્ષણની એકમાત્ર સંસ્થા ઓમર બોન્ગો યુનિવર્સિટી છે, જેની સાથે પાંચ સંસ્થાઓ સંલગ્ન છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માગતા મોટા ભાગના વિદ્યાર્થીઓ ફ્રાન્સ જવાનું પસંદ કરે છે.

ઈ.સ. 1472માં પોર્ટુગલના વેપારીઓ ત્યાં આવ્યા અને ત્યારપછી ફ્રાન્સ, ડચ અને ઇંગ્લૅન્ડના વેપારીઓએ ત્યાં વેપારી થાણાં ઊભાં કર્યાં. અઢારમી સદીમાં અને ઓગણીસમી સદીના મોટા ભાગના ગાળામાં ત્યાં વ્યાપક પ્રમાણમાં ગુલામોનો વેપાર થતો. 1843–86 દરમિયાન આ પ્રદેશ પર ફ્રેંચ નૌકાઅધિકારીઓનું શાસન હતું. 1886માં ગૅબોં અને કૉંગોને ભેગાં કરી ફ્રેંચ કૉંગોની સ્થાપના થઈ. 1958માં ફ્રાન્સના નેજા હેઠળ તેને સ્વાયત્ત પ્રજાસત્તાકનો દરજ્જો આપવામાં આવ્યો. 17 ઑગસ્ટ 1960ને રોજ તેનો સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઉદય થયો. 1961માં બંધારણની રચના થઈ. ગૅબોં એકપક્ષીય રાજ્યસતા પર આધારિત પ્રજાસત્તાક છે. 1961માં ઘડવામાં આવેલા રાજ્યબંધારણ મુજબ વહીવટી સત્તા પ્રમુખના હાથમાં કેન્દ્રિત થયેલી છે. તે પાંચ વર્ષની મુદત માટે ચૂંટાતા તેમજ વધુ એક મુદત માટે ફરી ચૂંટાય તેવી જોગવાઈ બંધારણમાં છે.

માર્ચ 1997માં બંધારણના મહત્વનાં ક્ષેત્રોમાં સુધારા સૂચવતો ખરડો રજૂ થયો જે જુલાઈ 2003માં માન્ય રાખવામાં આવ્યો. આ અંગે લોકપૃચ્છા-રેફરન્ડમ યોજાયેલું જેમાં 96 ટકા મત સુધારાની તરફેણમાં પડતા આ સુધારો લોકોએ સ્વીકાર્યો હતો. આ નવા સુધારા અનુસાર પ્રમુખના હોદ્દાની મુદત 5 વર્ષની હતી તે 7 વર્ષની કરવામાં આવી. પ્રજાસત્તાક માટે ઉપપ્રમુખનો નવો હોદ્દો ઊભો કરવામાં આવ્યો. સેનેટને સંસદના ઉપલાગૃહ તરીકે સ્થાપિત કરવામાં આવી. આ ગૃહ 91ની સભ્યસંખ્યા ધરાવે છે. જ્યારે નૅશનલ એસેમ્બલી નીચલું ગૃહ બન્યું તેની સભ્યસંખ્યા 120ની છે. 2006માં છેલ્લી સંસદીય ચૂંટણીઓ યોજાઈ હતી. આર્થિક ભાવવધારાને પહોંચી વળવા ચીને જાન્યુઆરી 2007માં કૃષિતજ્જ્ઞો મોકલીને વધુ ખાદ્યાન્નની પેદાશની બાબતમાં તેને મદદ કરી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે