ગૅબલ, ક્લાર્ક

February, 2011

ગૅબલ, ક્લાર્ક (જ. 1 ફેબ્રુઆરી 1901, કૅડીઝ, ઓહાયો, યુ.એસ.; અ. 16 નવેમ્બર 1960, લોસ એન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : હૉલિવુડના વિખ્યાત અમેરિકન ચલચિત્ર અભિનેતા. તેલના વ્યાપારીના આ પુત્ર શરૂઆતમાં પ્રવાસી થિયેટર ગ્રૂપમાં એક સામાન્ય સેલ્સમૅન હતા. નાટકના તખતાથી તેમની કારકિર્દી શરૂ થઈ ને તેમને ધીમે ધીમે હૉલિવુડ સુધી ખેંચી ગઈ. ત્રીસ વર્ષની ઉંમર સુધી એ સતત સંઘર્ષ કરતા રહ્યા. 1931માં તે જ્યારે વિખ્યાત ચલચિત્ર નિર્માણ સંસ્થા મેટ્રો ગોલ્ડવિન મેયર (MGM) સાથે કરારબદ્ધ થયા ત્યારે તેમની ઉંમર ત્રીસ વર્ષની હતી. શરૂઆતમાં કેટલાક ચલચિત્ર-નિર્માતાઓ તેમના કાનના આકારનો દોષ કાઢીને ક્લાર્ક ગૅબલને પડતા મૂકતા; પરંતુ બૉક્સ ઑફિસ ઉપર તેમની ફિલ્મોએ જ્યારે ટંકશાળ સર્જી ત્યારે આ કલાકારનો સિતારો બદલાઈ ગયો. તેમની મૂછોએ તો અમેરિકન લોકોને પાગલ બનાવી દીધા હતા.

ક્લાર્ક ગૅબલ દરેક પ્રકારની ફિલ્મમાં અભિનય કરતા. ‘ઇટ હૅપન્ડ વન નાઇટ’(1934)માં પત્રકારના અભિનય બદલ તેમને શ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો હતો.

ક્લાર્ક ગૅબલ

1939માં તેમણે કૅરોલ લોમ્બાર્ડ સાથે લગ્ન કર્યાં. તે તેમની ત્રીજી પત્ની હતી. ત્યારબાદ ગૅબલ વૉર સર્વિસમાં જોડાયા. થોડા સમય પછી પત્ની લોમ્બાર્ડનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું. વૉર સર્વિસ પછી ગૅબલ જ્યારે એમ.જી.એમ. સ્ટુડિયોમાં પાછા ગયા ત્યારે તેમની ઉંમર ચહેરા પર દેખાતી હતી. કૌટુંબિક સમસ્યાઓ ઉપરાંત તે દારૂના વ્યસની બન્યા હતા. 1954માં એમ.જી.એમ. કંપનીએ તેમને પડતા મૂક્યા છતાં તે હિંમત હાર્યા નહિ. સારી ફિલ્મની ઑફર તે સ્વીકારી લેતા. જ્હૉન હસ્ટને નિર્માણ કરેલી ‘ધ મિસફિટ્સ’ ફિલ્મ ગૅબલની છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમણે પ્રખ્યાત અભિનેત્રી મૅરિલિન મનરો સાથે અભિનય કર્યો હતો; પરંતુ ફિલ્મની રજૂઆત થતાં પહેલાં જ 59 વર્ષની ઉમરે તેમનું અવસાન થયેલું.

1930ના તથા 1940ના દાયકામાં જ્યારે હૉલિવુડના ભવ્ય અને આલીશાન એમ.જી.એમ. સ્ટુડિયોના તે મુખ્ય નાયક હતા ત્યારે બધા જ તેમને ‘કિંગ’ના હુલામણા નામથી સંબોધતા. તેમની ‘ગૉન વિથ ધ વિન્ડ’ ફિલ્મ આજે પણ લોકપ્રિય છે એટલું જ નહિ; પરંતુ તે બૉક્સ ઑફિસના નવા વિક્રમો સર્જે છે.

પીયૂષ વ્યાસ