ગૅટ (General Agreement on Tariffs and Trade – GATT) : દુનિયાના 23 દેશોએ 1947માં આંતરરાષ્ટ્રીય વેપાર અને આયાત-જકાત અંગે એક સમજૂતી કરી હતી, જે ‘ગૅટ’ના નામે પ્રસિદ્ધ છે. દુનિયામાં ભૌતિક ચીજવસ્તુઓનો જે વેપાર થાય છે તેમાં ગૅટના સભ્ય દેશોનો હિસ્સો 90 %થી અધિક હતો. આ સમજૂતીનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય વેપાર માટે એક પ્રકારની નિશ્ચિતતા પૂરી પાડવાનો અને વેપારને નિયંત્રણમુક્ત કર્યે જવાની પ્રક્રિયાને ચાલુ રાખવાનો હતો. જેથી દુનિયાના વેપારની વૃદ્ધિ દ્વારા સમજૂતીમાં સામેલ થયેલા દેશોમાં રોજગારી વધે.
વેપાર અને આયાત-જકાત અંગે કરવામાં આવેલી સમજૂતીના ત્રણ પાયાના મુદ્દાઓ છે : (1) ભેદભાવની નાબૂદી : આયાત અને નિકાસના ક્ષેત્રે ભેદભાવભરેલી નીતિ દૂર કરવા માટે ‘ખૂબ માનીતા રાષ્ટ્ર’(most favoured nation)ની જોગવાઈ રાખવામાં આવી હતી. આ જોગવાઈ પ્રમાણે કરારથી જોડાયેલો દેશ અન્ય કોઈ દેશને આયાત-જકાતની બાબતમાં જો કોઈ વિશેષ લાભ આપે તો તેટલો જ અને તેવો લાભ સમજૂતીમાં સામેલ અન્ય તમામ દેશોને વિનાશરતે તત્કાળ આપવો જોઈએ. આ જોગવાઈના કેટલાક અપવાદો રાખવામાં આવ્યા હતા, જેમકે જકાતમંડળ, મુક્તવેપાર વિસ્તાર કે સહિયારા બજાર જેવી સમજૂતીથી જોડાયેલા દેશો પરસ્પરને જે વિશેષ લાભ આપે તે ‘ગૅટ’નાં અન્ય સભ્ય રાષ્ટ્રોને આપવા બંધાયેલા નહોતા.
(2) આયાત-જકાતોમાં સ્થિરતા અને ઘટાડો : ‘ગૅટ’નો બીજો પાયાનો મુદ્દો આયાત-જકાતો જેવાં વેપારનાં નિયંત્રણો ઘટાડવાનો હતો. આ માટે સમયાંતરે સભ્ય દેશો વચ્ચે વાટાઘાટો યોજવામાં આવતી હતી. જે રાઉન્ડના નામે ઓળખાય છે. એમાં ત્રણ રાઉન્ડ વધુ જાણીતાં છે. (अ) કેનેડી-રાઉન્ડ, જે 1964થી ’67નાં વર્ષોમાં ચાલ્યું હતું અને તેમાં ઔદ્યોગિક ચીજો પરની આયાત-જકાતોમાં સરેરાશ 33 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. (ब) 1973–79નાં વર્ષોમાં ચાલેલી વાટાઘાટો ટોક્યો-રાઉન્ડના નામે ઓળખાય છે. તેમાં અમેરિકાએ પોતાની આયાત-જકાતોમાં 31 ટકાનો, યુરોપના સહિયારા બજારના દેશોએ 27 ટકાનો અને જાપાને 28 ટકાનો ઘટાડો કર્યો હતો. આયાત-જકાતમાં આ ઘટાડો આઠ વર્ષના સમયગાળામાં કરવાનો હતો. (क) આઠમું રાઉન્ડ 1986થી શરૂ થયું હતું, જે ઉરુગ્વે-રાઉન્ડ તરીકે જાણીતું થયું. એ વાટાઘાટો 1992થી ‘ગૅટ’ના તત્કાલીન ડિરેક્ટર જનરલ આર્થર ડંકેલે તૈયાર કરેલા સમાધાનકારી ખરડા પર કેન્દ્રિત થવાથી તે ડંકેલ દરખાસ્તો તરીકે પણ જાણીતું બન્યું છે. (જુઓ ડંકેલ દરખાસ્તો.) આ રીતે જકાત ઘટાડા માટે જે સમજૂતી કરવામાં આવી હોય તે પ્રથમ તબક્કે ત્રણ વર્ષ માટે અમલમાં આવતી હતી. આમાં પણ કેટલાક અપવાદો રાખવામાં આવ્યા હતા.
(3) ‘ગૅટ’નો ત્રીજો સિદ્ધાંત વાટાઘાટો દ્વારા સભ્યદેશો વચ્ચેના મતભેદો અને વિવાદો ઉકેલવાનો છે.
‘ગૅટ’ના આશ્રયે આંતરરાષ્ટ્રીય વેપાર પરનાં આયાત-જકાત સહિતનાં નિયંત્રણો ઘટાડવાના પ્રયાસોની સામે એક ટીકા સર્વસામાન્ય રીતે થતી : ઔદ્યોગિક કે વિકસિત દેશોએ તેમનાં હિતોને નજર સમક્ષ રાખીને જ વેપાર પરનાં નિયંત્રણો ઘટાડવા માટેના નિર્ણયો કર્યા છે. વિકાસશીલ દેશો તેમાં સામેલ થવા પ્રેરાય તે માટે તેમને કેટલીક વિશેષ છૂટછાટો આપવાનો દેખાવ કરવામાં આવ્યો છે. દા.ત., ઔદ્યોગિક દેશોએ વિકાસશીલ દેશોમાંથી થતી કેટલીક આયાતોને, વિકસિત દેશોની તુલનામાં પસંદગી આપી અને એ રીતે ‘ખૂબ માનીતા દેશ’ની જોગવાઈનો તેમની તરફેણમાં ભંગ કર્યો. એ જ રીતે ઔદ્યોગિક દેશોએ પરસ્પરની આયાતો પરની જકાતના દરમાં ઘટાડો કર્યો તેનો લાભ વિકાસશીલ દેશોને પણ આપવામાં આવ્યો છે અને સામે વિકાસશીલ દેશો, ઔદ્યોગિક દેશોમાંથી પોતાને ત્યાં થતી ઔદ્યોગિક ચીજો પરની આયાત-જકાત ઘટાડે એવી અપેક્ષા રાખવામાં આવી નહોતી.
વિકાસશીલ દેશો માટેના સદભાવને વ્યક્ત કરતી ઉપર રજૂ કરી છે તેવી ચેષ્ટાઓ છતાં એ એક હકીકત છે કે ‘ગૅટ’ અન્વયે થયેલી સમજૂતીઓમાં વિકસિત દેશોએ તેમનાં જ હિતોનો વિચાર કર્યો હતો. જે ઔદ્યોગિક ચીજો પરની આયાત-જકાતોમાં એ દેશોએ પારસ્પરિક ધોરણે ઘટાડો કર્યો તેમાં માંડ ચાર ટકા જેટલી ચીજોની નિકાસો વિકાસશીલ દેશોમાંથી થતી હતી. એ જ રીતે વિકાસશીલ દેશોમાંથી થતી કેટલીક ઔદ્યોગિક ચીજોની નિકાસોને કેટલાક ઔદ્યોગિક દેશોએ પસંદગીના ધોરણે પોતાને ત્યાં આયાતોની છૂટ આપી હતી; પરંતુ વિકાસશીલ દેશો માટે નિકાસના ર્દષ્ટિબિંદુથી અત્યંત મહત્વની ગણાય એવી ઔદ્યોગિક ચીજોને અપવાદ ગણીને તેમના માટે અલાયદી જોગવાઈ કરી હતી. દા.ત., કાપડ અને વસ્ત્રોની નિકાસ વિકાસશીલ દેશો માટે ખૂબ અગત્યની છે. તેને ‘ગૅટ’ સમજૂતીની બહાર રાખીને તેના માટે ‘મલ્ટી-ફાઇબર ઍરેન્જમેન્ટ’(MFA)ના નામે જાણીતી વ્યવસ્થા કરવામાં આવી હતી. એ વ્યવસ્થા હેઠળ કાપડ અને વસ્ત્રોની આયાત કરતો દેશ, તેમની નિકાસ કરતા દેશો સામે ભેદભાવ કરતાં નિયંત્રણો મૂકતો હતો. ટૂંકમાં, વિકાસશીલ દેશોમાંથી થતી જે ઔદ્યોગિક ચીજોની આયાતો વિકસિત દેશોમાં રોજગારી ઘટાડે એવી શક્યતા હોય એવી ચીજોની આયાતોને કોઈ છૂટછાટ નહિ આપવાની તકેદારી ઔદ્યોગિક રાષ્ટ્રો રાખતાં હતાં. 1995માં ઉરુગ્વે-રાઉન્ડની ફલશ્રુતિ રૂપે વિશ્વવેપાર સંગઠનના આશ્રયે વિશ્વવેપાર અંગેની સમજૂતીઓ થાય છે અને ‘ગૅટ’નું અસ્તિત્વ રહ્યું નથી.
રમેશ ભા. શાહ