ગૃહદેવ અથવા ગૃહદેવસ્વામી (વિક્રમની આઠમી સદી પહેલાં) : વેદના એક ભાષ્યકાર. સુપ્રસિદ્ધ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતના પ્રવર્તક રામાનુજાચાર્યે પોતાના વેદાર્થસંગ્રહમાં પૂર્વના વેદ અને વેદાન્તના આચાર્યોનાં જે નામોનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો છે તેમાં એક નામ ગૃહદેવનું આવે છે. દેવરાજ યજવાએ નિઘણ્ટુના ભાષ્યની ભૂમિકામાં વેદભાષ્યકાર તરીકે ગૃહદેવનો ઉલ્લેખ કર્યો છે. વળી નિઘણ્ટુ 1-3-14નો गरगिर: શબ્દ સમજાવતી વખતે દેવરાજ યજવા ગૃહદેવના મતનો નામથી નિર્દેશ કરે છે. ત્યાં रश्मयश्च देवा गरगिर: એ મંત્ર આવે છે તે तैतिरीय આરણ્યકમાં મળી આવે છે. આથી વિદ્વાનો અનુમાન કરે છે કે ગૃહદેવનું ભાષ્ય કદાચ તૈત્તિરીય સંહિતા ઉપર હોય. પુરુષોત્તમ પંડિત પોતાની પ્રવરમંજરીમાં કહે છે કે ગૃહદેવસ્વામીએ કદાચ આપસ્તંબ શ્રૌતસૂત્ર પર ભાષ્ય લખ્યું હશે. આ ગૃહદેવનું કોઈ ભાષ્ય મુદ્રિત સ્વરૂપે હજુ સુધી ઉપલબ્ધ થયું નથી.
ગૌતમ પટેલ