ગૂડી પડવો : પુરાણની અનુશ્રુતિ અનુસાર, ચૈત્ર શુક્લ પ્રતિપદાએ બ્રહ્માએ સૃષ્ટિનો આરંભ કર્યો. જડચેતન સર્વ ભૂતો આ દિવસના સૂર્યોદયથી આરંભી કાર્યરત થયાં. કાલગણનાનો આરંભ આ દિવસથી થયો. નૂતન વર્ષનો આરંભ, ઉત્તરાયન અને વસંત ઋતુ, ચૈત્ર માસ, શુક્લ પક્ષ એ સર્વનો આરંભ આ દિવસે થયો. આ દિવસ કલ્પનો આદિ દિન ગણાય છે. આ દિવસે બ્રહ્માની પૂજા કરવાનું માહાત્મ્ય છે. મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના પ્રદેશોમાં આ દિવસે વર્ષારંભનો ઉત્સવ થાય છે. તેમાં એક વાંસની ટોચે રેશમી વસ્ત્ર બાંધી તેના ઉપર ચાંદી કે પિત્તળનો કળશ ઊંધો મૂકી તેને પુષ્પમાળા અને લીમડાનાં ડાળાંપાંદડાંની માળાથી સજાવવામાં આવે છે. આ બ્રહ્મધ્વજને મરાઠીમાં गुढी કહે છે.

ગૂડી પડવો

गुढीનું આરોપણ જે પ્રતિપદાએ થાય તે મરાઠીમાં गुढी पाडवा કહેવાય છે. ગુજરાતીમાં તે ગૂડી પડવો કહેવાય છે. આ દિવસનું બીજું પણ એક માહાત્મ્ય છે. ચૌદ વર્ષના વનવાસ પછી ભગવાન શ્રીરામ આ દિવસે અયોધ્યામાં પાછા આવ્યા. અયોધ્યાવાસીઓએ ઘર, શેરી, ચૌટાં શણગાર્યાં અને મોટો ઉત્સવ થયો. ગૂડી પડવાનો ઉત્સવ તે શ્રીરામના પ્રત્યાગમનનો પણ ઉત્સવ છે. બ્રહ્માના કલ્પના વર્ષારંભ અનુસાર ભારતમાં શાલિવાહન શકનો આરંભ પણ ચૈત્ર શુક્લ પ્રતિપદાએ થયેલો તેથી ચૈત્ર શુક્લ પ્રતિપદા શક વર્ષારંભ દિન પણ ગણાય છે. ભારતમાં કેટલાક પ્રદેશોમાં વિક્રમવર્ષ પણ ચૈત્રશુક્લ પ્રતિપદાથી આરંભાય છે. નૂતન વર્ષારંભને દિવસે અભ્યંગ સ્નાન, ઇષ્ટજનો સાથે મળી ઉત્સવમાં દિવસ પસાર કરાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે