ગુલેરી, ચન્દ્રધર શર્મા (જ. 7 જુલાઈ 1883, અજમેર; અ. 12 સપ્ટેમ્બર 1922, કાશી) : હિંદીના વિદ્વાન, સર્જક-સંશોધક. 1904–16 સુધી તેઓ અજમેરની મેયો કૉલેજમાં અધ્યાપક હતા તથા 1916–1920 નોબલ્સ એજ્યુકેશનના વહીવટદાર તથા સંસ્કૃત અને ધર્મ વિભાગના ડીન રહ્યા. એમણે વાર્તાઓ, નિબંધ, વિવેચન તથા ભાષાશાસ્ત્ર એમ વિવિધ ક્ષેત્રનું ખેડાણ કર્યું છે. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા અને નૉર્થબુક સુવર્ણચંદ્રક મેળવ્યો. ઓરિએન્ટલ લર્નિંગ ઍન્ડ થિયૉલૉજી કૉલેજમાં આચાર્ય રહ્યા.
એમની ત્રણ વાર્તાઓ પ્રગટ થઈ છે. પહેલી વાર્તા ‘સુખમય જીવન’ 1911માં ‘ભારતમિત્ર’ સામયિકમાં પ્રગટ થઈ હતી. બીજી વાર્તા ‘ઉસને કહા થા’ 1915માં ‘સરસ્વતી’ સામયિકમાં છપાઈ. એ વાર્તા વિષય તથા શૈલીની ર્દષ્ટિએ હિંદી વાર્તા-સાહિત્યમાં માર્ગસૂચક સ્તંભ જેવી મનાય છે. એમાં પ્રેમના ઉદાત્ત તથા સૂક્ષ્મ સ્વરૂપનું નિરૂપણ છે. ત્રીજી વાર્તા ‘બુદ્ધુકા કાંટા’ (1917) છે. તેઓ પ્રાચીન ઇતિહાસ અને પુરાતત્વના પ્રખર વિદ્વાન હતા. તેઓ ખ્યાતનામ ભાષાશાસ્ત્રી હતા. તેમણે 100 નિબંધો તથા ભારતવિદ્યા પર 20 સંશોધન પેપરો આપ્યા છે. હિંદી અને સંસ્કૃતમાં 25થી વધુ કાવ્યો તેમણે લખ્યાં છે. જયપુરની વેધશાળા પર અંગ્રેજીમાં પુસ્તક લખ્યું છે. અલ્લાહાબાદના હિંદી સાહિત્ય સંમેલન દ્વારા તેમને ‘ઇતિહાસ દિબાકર’ અને ‘સાહિત્ય વાચસ્પતિ’નો ઇલકાબ મળ્યો હતો. તેમને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશની સારી જાણકારી હતી.
એમના બે નિબંધસંગ્રહો ‘કછુઆ ધરમ’ તથા ‘મોરેસિ મોહિ કુઠાઉં’માં વિવિધ વિષયો પર લખાયેલા નિબંધો એમની મૌલિક ચિંતનધારાનું નિદર્શન કરે છે. ‘જયસિંહ કાવ્ય’ તથા ‘પૃથ્વીરાજ વિજય’ એ સંશોધન-વિવેચનના ગ્રંથો એમને સારા વિવેચક તરીકે યશ અપાવે એવા છે. ‘પુરાની હિંદી’માં એમની ભાષાવિજ્ઞાનની ઊંડી સૂઝનો પરિચય મળે છે.
એમણે ‘સમાલોચક’ માસિક પણ ચલાવેલું. 1920માં નાગરી પ્રચારિણી સભાના વ્યાકરણ સંશોધન સમિતિના તે અધ્યક્ષ હતા.
ગીતા જૈન