ગુલામ મોહમ્મદ (જ. 1904, બિકાનેર; અ. 17 માર્ચ 1968, મુંબઈ) : સુમધુર ગીતોના અમર સર્જક.
સંગીતજ્ઞોના કુટુંબમાં જન્મેલા ઉસ્તાદ ગુલામ મોહમ્મદના પિતા નબી બક્ષ, કુશળ તબલાવાદક હતા, જે નાટકોમાં સંગીત આપતા. ગુલામમાં નાનપણથી જ તબલાં પ્રત્યેનું આકર્ષણ જોઈને પિતાએ તેમને તબલાં શિખવાડ્યાં. માત્ર છ વર્ષની ઉંમરે ગુલામે ન્યૂ આલ્બર્ટ થિએટ્રિકલ કંપનીમાં બાળકલાકાર તરીકે કામ શરૂ કર્યું. ત્યારબાદ ગુલામના પિતાએ તેમને સંગીતમાં આગળ વધી શકે તે માટે બિકાનેરસ્થિત જે. બી. કંપનીમાં મોકલ્યા. ત્યાં ગુલામ સંગીતની સાથે નૃત્ય અને અભિનય શીખ્યા. ખયાલ, ધ્રુપદ વગેરે ગાતાં પણ શીખ્યા. 1924માં તેઓ મુંબઈ આવ્યા અને 8 વર્ષના સંઘર્ષ બાદ 1932માં તેમને ‘રાજા ભરથરી’માં તબલાં વગાડવાનો મોકો મળ્યો. તબલાં વગાડવાની કુશળતાએ તેમને અનેક જાહેર કાર્યક્રમોમાં માન અપાવ્યું. સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ શરૂ કરતાં પહેલાં તેમણે નૌશાદ અને અનિલ બિશ્વાસના સહયોગી તરીકે બાર વર્ષ સુધી કામ કર્યું. 1943માં ‘મેરે ખ્વાબ’ ફિલ્મથી તેમણે સંગીતકાર તરીકેની કારકિર્દી શરૂ કરી. ફિલ્મસંગીતમાં ઢોલક, ચિમટા, ડફ, મટકા, ખંજરી જેવાં અનેક વાદ્યોનો ઉપયોગ શરૂ કર્યો. 1943 પછી તેમની ઘણી ફિલ્મો રજૂ થઈ, જેવી કે ‘ટાઇગર ક્વીન’, ‘ડોલી’, ‘પરાઈ આગ’, ‘ગૃહસ્થી’, ‘કાજલ’ વગેરે. ‘બરસાત’(1949)નું ખૂબ લોકપ્રિય થયેલ ગીત ‘બરસાત મેં હમસે મિલે તુમ સજન’માં ગુલામે સંગીત તો આપ્યું જ અને સાથે શંકર જયકિશનના આગ્રહથી ઢોલક પણ વગાડ્યું. ગુલામ મોહમ્મદના વાદ્યપ્રયોગોને યાદ કરીએ તો ફિલ્મ ‘દો ગુંડે’માં આશાજીએ ગાયેલ ‘કહાં જાતે હો સૈંયા’ ગીતમાં અબ્દુલ કરીમ(ગુલામના ભાઈ)ની ‘નાલ’ (તાલ વાદ્ય) વાગે છે, તે ઉત્તમ લાગે છે. ફિલ્મ ‘પાકીઝા’ના ‘ઇન્હીં લોગોંને…’ ગીતમાં ઢોલકની કમાલ છે.

ગુલામ મોહમ્મદ
આજ ફિલ્મનું રાગ પહાડી આધારિત ‘ચલો દિલદાર ચલો’ ગીત હજુય લોકપ્રિય છે. તેમની અન્ય લોકપ્રિય રચનાઓ વિશે વાત કરીએ તો ‘દુનિયામેં કોઈ યાર વફાદાર’ (અંબર), લતાજીએ ગાયેલ ગઝલ ‘ખુશી દિલસે, હંસી હોઠોં સે’ (શીશા), ‘આસમાંવાલે તેરી દુનિયા સે’ (લૈલા-મજનૂ), ‘બનબનકે બિગડતી હૈ’ (ગુજારા) વગેરે. રાષ્ટ્રપતિનો સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલી ફિલ્મ ‘મિર્ઝા ગાલિબ’માં ગાલિબની રચનાઓ તેમણે સુરૈયાના અવાજમાં અવિસ્મરણીય બનાવી દીધી. 1960માં ફિલ્મ ‘શમા’ રજૂ થઈ, જે ગુલામની હયાતીમાં છેલ્લી ફિલ્મ રહી. આ ફિલ્મ પણ ગીત-સંગીતની દૃષ્ટિએ સફળ રહી. ફિલ્મ ‘પાકિઝા’ ગુલામ મોહમ્મદની અંતિમ ફિલ્મ હતી, જે તેમના અવસાન બાદ રજૂ થઈ. આ ફિલ્મના સંગીતને અભૂતપૂર્વ સફળતા મળી. પંડિત જવાહરલાલ નહેરુએ પણ તેમના સંગીતની પ્રશંસા કરી હતી.
1955માં તેમને ‘મિર્ઝા ગાલિબ’ ફિલ્મ માટે બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર તરીકે નૅશનલ ફિલ્મ ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1972માં તેમને HMVનો ગોલ્ડ ડિસ્ક ઍવૉર્ડ મળેલ. લાંબા અરસા બાદ 1997માં મુંબઈમાં યોજાયેલ ‘KEEP ALIVE’ સંગીત સિરીઝમાં ગુલામ મોહમ્મદને, તેમણે ફિલ્મ સંગીતમાં આપેલ યોગદાન માટે ખૂબ માનપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા. 2010માં પણ મુંબઈસ્થિત ‘MUSICOLOR’ સંગીત ગ્રૂપે ગુલામ મોહમ્મદના માનમાં અદભુત ઓડિયો-વિઝ્યુઅલ (દૃશ્ય-શ્રાવ્ય) કાર્યક્રમ ગોઠવેલ.
બીજલ બુટાલા
