ગુલામ અલી (જ. 5 ડિસેમ્બર 1940, કલેકી, જિલ્લો સિયાલકોટ, પંજાબ) : પતિયાળા ઘરાનાના વિખ્યાત પાકિસ્તાની ગઝલગાયક. તેઓ વિખ્યાત શાસ્ત્રીય ગાયક બડે ગુલામ અલીના શિષ્ય છે જેમના નામ પરથી પિતાએ પોતાના પુત્રનું નામ પાડ્યું હતું. તેમનો જન્મ સંગીતને વરેલા પરિવારમાં થયો છે. તેમના પિતા કંઠ્ય સંગીત ઉપરાંત સારંગીના વાદક હતા. પિતાના પ્રોત્સાહનથી ગુલામ અલી નાનપણથી સંગીત
તરફ વળ્યા. પંદર વર્ષની ઉંમરે તેમણે લાહોર ખાતે પતિયાળા ઘરાનાના વિખ્યાત બડે ગુલામ અલી પાસેથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી, જોકે ઉસ્તાદ બડે ગુલામ અલીની વ્યસ્તતાને કારણે ગુલામ અલીને સંગીતની વાસ્તવિક, રોજબરોજની તાલીમ બડે ગુલામ અલીખાં સાહેબના ત્રણ ભાઈઓ – ઉસ્તાદ બરકત અલીખાં, ઉસ્તાદ મુબારક અલીખાં અને ઉસ્તાદ અનામત અલીખાં સાહેબ પાસેથી મળી હતી. ઠૂમરી ઉપરાંત જુદા જુદા શાસ્ત્રીય રાગોની ઘનિષ્ઠ તાલીમ તેમને નાનપણથી જ મળતી રહી. તેથી જ તેમની ગઝલ-રચનાઓ પણ શાસ્ત્રીય રાગ પર આધારિત હોય છે. 1960માં ગુલામ અલીએ લાહોરના આકાશવાણી કેન્દ્ર પર ગાવાની શરૂઆત કરી. તેઓની ગઝલ-રચનાઓમાં ઘરાના ગાયકીનું વિશેષ મિશ્રણ જોવા મળે છે. પંજાબી ગીતો ગાવામાં પણ તેઓ માહેર છે. ગઝલો ઉપરાંત તેમણે ગાયેલાં પંજાબી ગીતો પણ ખૂબ લોકપ્રિયતા ધરાવે છે. પરિણામે ભારત અને પાકિસ્તાન આ બંને દેશોમાં તેમને લોકપ્રિયતા સાંપડી છે. બી. આર. ચોપડા દ્વારા સર્જિત ‘નિકાહ’ ચલચિત્રમાં તેમણે ગાયેલ ‘ચુપકે ચુપકે રાત દિન આંસુ બહાના યાદ હૈ’ ગઝલથી ચલચિત્ર ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને તે ક્ષેત્રમાં ત્વરિત ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી. તેમણે ગાયેલા નેપાળી ભાષાનાં ગીતો પણ તે ભાષાના જાણકારોમાં વિશેષ લોકપ્રિય બન્યાં છે. ઘેરા પણ કર્ણમધુર અવાજ માટે તે વિશેષ જાણીતા છે.
આગ્રાના તાજમહેલ ખાતે આયોજિત તેમનો સંગીત-જલસો યાદગાર બન્યો છે. તેવી જ રીતે વર્ષ 2001માં દિલ્હીના ઇન્ડિયા ગેટ પર આયોજિત ‘સ્વર ઉત્સવ’ નામ ધરાવતો તેમનો ગઝલકાર્યક્રમ પણ ખૂબ લોકપ્રિય બન્યો હતો. તેમની ગઝલગાયકીની કૅસેટ્સ અને સી.ડી.ની સંખ્યા ખૂબ મોટી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે