ગુલાબી ઇયળ : કપાસના પાક ઉપરાંત ભીંડા, શેરિયા, હૉલીહૉક, ગુલનેરા, કાંસકી જેવા અન્ય માલવેસી કુળના છોડવા ઉપર જોવા મળતી જીવાત. આ કીટકનો રોમપક્ષ (lepidoptera) શ્રેણીનાં ગેલેચિડી કુળમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ જીવાતની નાની ઇયળ પીળાશ પડતી સફેદ અને કાળા માથાવાળી હોય છે, જ્યારે મોટી ઇયળ ગુલાબી રંગની હોય છે, તેથી તેને ગુલાબી ઇયળ તરીકે ઓળખવામાં આવે છે. ફૂદું કાળાશ પડતું, આગળની પાંખોની પાછળની ધારે અને પાછળની પાંખોની આગળની અને પાછળની બંને ધારે પીંછા જેવી રુવાંટી હોય છે. કોશેટા શરૂઆતમાં પીળા રંગના અને પછી નારંગી થઈ ઘેરા કથ્થાઈ રંગના થાય છે. ઇયળો નાની હોય છે ત્યારે જ ફૂલ કે જીંડવાંની અંદર પેસી જઈ અંદરનાં બીનો ગર્ભ ખાઈ જાય છે. પરિણામે જીંડવાં તૂટી પડે છે. ઇયળો જીંડવાંમાં દાખલ થયા પછી કાણું પાછળથી પુરાઈ જાય છે, તેથી તે જીંડવા સુકાઈ જઈ ખરી પડે ત્યારે જ ઉપદ્રવનો ખ્યાલ આવતો હોય છે. એક જીંડવામાં એકથી વધુ ઇયળો હોય છે. પરિણામે રૂ ટૂંકું, નબળું અને ઊતરતી કક્ષાનું બને છે. દેશી કપાસ કરતાં અમેરિકન કપાસને આ જીવાત વધુ નુકસાન કરે છે. ગુલાબી ઇયળની માદા ફૂલ, કળી અને જીંડવા ઉપર એકલદોકલ 100થી 200 ઈંડાં મૂકે છે. ઈંડાં અવસ્થા 4થી 25 દિવસની તથા ઇયળ અવસ્થા સામાન્ય રીતે 8થી 16 દિવસની હોય છે; પરંતુ તેમાંથી કેટલીક ઇયળો એમની એમ લાંબા સમય સુધી પડી રહે છે અને કેટલીક એવી ઇયળો હોય છે જે લગભગ અઢી વર્ષ સુધી એ જ અવસ્થામાં રહે છે. કોશેટા ઘણુંખરું જીંડવાંની અંદર નાની ઇયળના ખવાઈ ગયેલા ભાગમાં અથવા જમીનમાં બનાવે છે. તેના ઉપર રેશમી પડનું આવરણ હોય છે. આ અવસ્થા 6થી 20 દિવસમાં પૂર્ણ થતાં તેમાંથી ફૂદું બહાર નીકળે છે. આ જીવાતનો ઉપદ્રવ જીંડવાં બેસે ત્યારથી કપાસ વિણાય ત્યાં સુધી ચાલુ રહે છે. ત્યારપછી એ સંગ્રહ કરેલા બીના જથ્થામાં, જમીનમાં અથવા ખેતરમાં પડી રહેલ જીંડવામાં ઇયળ રૂપે સુષુપ્ત અવસ્થામાં પડી રહે છે; પરંતુ અનુકૂળ હવામાન થતાં તે સક્રિય થાય છે અને ફરી નવા પાકમાં ઉપદ્રવ ચાલુ કરે છે. કાબરી ઇયળ માટે ભલામણ કરેલ જંતુનાશક દવાઓ ગુલાબી ઇયળના નિયંત્રણ માટે પણ અસરકારક માલૂમ પડેલ છે. આ ઇયળ બીજ મારફતે ફેલાતી હોવાથી બી વાવતાં પહેલાં કપાસિયાને 55° તાપમાને 10 મિનિટ સુધી ગરમી આપવી જોઈએ અથવા ધૂમીકરણની માવજત આપવાથી આ જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.

પોપટભાઈ ભાલાણી

પરબતભાઈ ખીમજીભાઈ બોરડ