ગુલાબરાય (જ. 17 જાન્યુઆરી 1888 ઈટાવા; અ. 13 એપ્રિલ 1963, આગ્રા) : હિંદી સાહિત્યના કાવ્યશાસ્ત્રકાર, સમીક્ષક, નિબંધકાર, દાર્શનિક લેખક. દર્શનશાસ્ત્રમાં એમ.એ. અને પછી એલએલ.બી.ની પદવી પ્રાપ્ત કરી. આગ્રા વિશ્વવિદ્યાલયમાંથી ડિ. લિટ્ની ઉપાધિ મેળવી. જોકે આઠમી કક્ષા સુધી ફારસી ભણ્યા ત્યાર બાદ સંસ્કૃત લઈ બી.એ. થયા અને ઘેર રહીને કાવ્યશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રનો સઘન અભ્યાસ કર્યો. તેમની કાવ્યશાસ્ત્રપરક કૃતિઓમાં ‘નવરસ’, ‘સિદ્ધાંત અને અધ્યયન’, ‘કાવ્યકે રૂપ’, ‘હિન્દી નાટ્યવિમર્શ’ વગેરે મુખ્ય છે. સમીક્ષાત્મક કૃતિઓમાં ‘હિંદી સાહિત્યકા સુબોધ ઇતિહાસ’, ‘અધ્યયન ઔર આસ્વાદ’, ‘હિંદી કાવ્ય વિમર્શ’ વગેરે જાણીતી છે. નિબંધ-સંકલનમાં ‘ઠલુઆક્લબ’, ‘ફિર નિરાશા ક્યોં’, ‘મેરી અસફલતાએં’, ‘મેરે નિબંધ’, ‘કુછ ઉથલે કુછ ગહેરે’, ‘મનોવૈજ્ઞાનિક નિબંધ’, ‘રાષ્ટ્રીયતા’ વગેરે વિશેષ છે. જ્યારે દાર્શનિક ગ્રંથોમાં ‘મનકી બાતેં’, ‘તર્કશાસ્ત્ર’ (ત્રણ ભાગ), ‘કર્તવ્યશાસ્ત્ર’, ‘પાશ્ચાત્ય દર્શનોંકા ઇતિહાસ’ અને ‘બૌદ્ધ ધર્મ’ પ્રસિદ્ધ છે.

ગુલાબરાય

ગુલાબરાયની મુખ્ય વિશેષતા એમની સમન્વય શક્તિ છે. એમની કૃતિઓમાં પ્રાચીન અને નવીનનો, પૌર્વાત્ય અને પાશ્ચાત્યનો, બૌદ્ધિક અને રાગાત્મકતાનો સમન્વય સહજ રીતે થયો છે. વ્યાવહારિક આલોચના પરત્વે એ આલોચ્યના દોષોની અપેક્ષાએ ગુણોને વિશેષ મહત્ત્વ આપે છે તેને લઈને તેમની સમીક્ષામાં સૂક્ષ્મતા અનુભવાતી નથી. નિબંધકાર તરીકે તેઓ વધુ સફળ થયા છે. કોમળ હાસ્યની ધવલતા સ્નિગ્ધપણે તેમના નિબંધોમાં અનુભવાય છે. નિબંધોમાં વિષય-પ્રતિપાદન સ્વચ્છ અને સ્પષ્ટ શૈલીમાં થયું છે. અને દરેક વિચાર સહજપણે ખૂલતો જતો અનુભવાય છે. જીવનને લગતા નિબંધોમાં ધર્મ, અર્થ, કામના સુખદ સમન્વયથી રસાયેલ જીવન-દર્શન પ્રસ્ફુટ થાય છે. આ રીતે આધુનિક યુગના ઉત્કર્ષમાં ડૉક્ટર ગુલાબરાયનું મહત્ત્વનું યોગદાન છે. દ્વિવેદીયુગથી માંડીને નવ્ય કવિતા અને નવ્ય વિવેચનને ક્ષેત્રે વિકાસશીલ ચેતનાને આત્મસાત્ કરીને ધીમી ગતિએ પણ આગળ ધપાવવાને લઈને આ વયોવૃદ્ધ લેખક ઐતિહાસિક ગૌરવના અધિકારી છે.

પ્રવીણચંદ્ર પરીખ