ગુલમેંદી : દ્વિદળી વર્ગમાં આવેલા લિથ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lagerstroemia indica Linn (હિં. બં. ફરશ, તેલિંગચિના; તે. ચિનાગોરંટા; તા. પાવાલાક-કુરિન્જી, સિનાપ્પુ; ગુ. ગુલમેંદી, લલિત, ચિનાઈ મેંદી; અં. કૉમન ક્રેપ મિર્ટલ) છે. તે સુંદર પર્ણપાતી (deciduous) ક્ષુપ કે નાનું વૃક્ષ છે. ગુલમેંદી ચીનની મૂલનિવાસી વનસ્પતિ છે અને સુંદર પુષ્પો માટે ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. તેના પાછલા ઉનાળામાં આવતાં પુષ્પોની જાપાનીઓ પ્રશંસા કરે છે. સંવર્ધિત ગુલમેંદી ક્ષુપ સ્વરૂપ ધરાવે છે. જોકે આસામનાં જંગલોમાં તે વન્ય સ્વરૂપે થાય છે અને 15 મી. સુધીની ઊંચાઈ ધરાવે છે. ગુજરાતમાં તેની જાંબલી (L. indica var. purpurea), સફેદ (L. indica var. alba) અને ગુલાબી (L. indica var. rosea) એમ ત્રણ જાતો થાય છે. મુખ્ય થડ અને તેની શાખાઓ લીસી, ભૂખરી-બદામી, રાખોડી કે લગભગ સફેદ રંગની છાલ ધરાવે છે; જે પાતળા ટુકડાઓ સ્વરૂપે ઊખડી જાય છે અને નીચેની ગુલાબી નવી છાલ દેખાય છે. પર્ણો સાદાં, એકાંતરિક કે ઉપ-સંમુખ (sub-opposite), અખંડિત ઉપવલયી (elliptic) કે પ્રતિ-અંડાકાર, 2.5–6.2 સેમી. લાંબાં, કલિકા અવસ્થામાં તાંબા જેવા રંગનાં અને પરિપક્વતાએ ઘેરા લીલા રંગનાં હોય છે. પર્ણપતન પહેલાં પાનખરમાં તેઓ પીળા-નારંગી રંગનાં બને છે. પુષ્પો તેની જાત પર આધાર રાખીને સફેદ, ગુલાબી કે લવંડર રંગનાં, કરચલીવાળાં અને 30 સેમી. જેટલાં લાંબાં, અગ્રસ્થ લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ ગોળાકાર પ્રાવર (capsule) પ્રકારનું અને બીજ સપક્ષ (winged) હોય છે.

ગુલમેંદી (Lagerstroemia indica)

તેને ખુલ્લો સૂર્યપ્રકાશ અને ભેજયુક્ત સારા નિતારવાળી તથા પીટ પંક (peat moss) કે મિશ્ર ખાતરવાળી મૃદા જરૂરી છે. તેની છાંટણી (pruning) પાછલા શિયાળામાં કરવામાં આવે છે. હિમ દ્વારા મૃત થયેલા પ્રરોહને પાછળથી કાપવાથી ચાલુ ઋતુમાં નવી વૃદ્ધિ દરમિયાન પુષ્પનિર્માણ થાય છે. તેના ખુલ્લા મૂળવાળા છોડનું સ્થાપન મુશ્કેલીભર્યું હોય છે. પાછલી પાનખર, પાછલી વસંત અને શરૂઆતના ઉનાળામાં કટકારોપણ દ્વારા તેનું પ્રસર્જન કરી શકાય છે. શિયાળામાં તેનું વ્યવસ્થિત કલાત્મક સ્વરૂપ સદાહરિત વૃક્ષોની પૃષ્ઠભૂમિ(back ground)માં અત્યંત આકર્ષક હોય છે.

તેનું કાષ્ઠ (વજન, 672 કિગ્રા./ઘન મી.) સફેદ કે બદામી અને ર્દઢ હોય છે. તેમાંથી બનાવેલા કોલસાનો ઉપયોગ જાપાનમાં લાખ ઘટ્ટ કરવામાં થાય છે. એટલાસ રેશમનો કીડો ગુલમેંદીમાંથી પોષણ મેળવે છે.

ગુલમેંદીની છાલ ઉત્તેજક અને જ્વરઘ્ન (febrifuge) હોય છે. પર્ણો અને પુષ્પો રેચક (purgative) અને વિરેચક (hydragogue) ગુણધર્મો ધરાવે છે. મૂળ સંકોચક (astringent) હોય છે અને કોગળા કરવામાં વપરાય છે. બીજ માદક (narcotic) ઘટક ધરાવે છે.

L.flos-reginae Retz. (તામન, pride of India) અને L. lanceolata wall. (નાના ભોંડારા) ઉત્તર અને મધ્ય ગુજરાતનાં પર્ણપાતી જંગલોમાં થાય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ