ગુરુત્વ-કેન્દ્ર (centre of gravity) : પૃથ્વી ઉપર અસર કરતા એકસરખા (uniform) ગુરુત્વીય ક્ષેત્ર(uniform gravitational field)ને કારણે, પિંડ ઉપર ઉદભવતું પરિણામી બળ પિંડના જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુ.

પૃથ્વીની સપાટી ઉપર આવેલા દરેક પદાર્થ માટે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને એકસરખું (સમાંગી) ક્ષેત્ર ગણવામાં આવેલું છે. આવા ક્ષેત્રમાં કોઈ પિંડને ગમે તે સ્થિતિમાં લટકાવવામાં આવે તોપણ, પદાર્થનું સમગ્ર વજન આ નિયતબિંદુએ જ લાગતું હોય તેમ જણાય છે. આ બિંદુ દ્રવ્યમાન-કેન્દ્ર (centre of mass) તરીકે પણ ઓળખાય છે. બે પદાર્થના દ્રવ્યમાન-કેન્દ્ર માટેની વિશિષ્ટ સંજ્ઞા કેન્દ્રક (barycentre) છે. તેનું સ્થાન બંને પદાર્થકેન્દ્રને જોડતી સુરેખા ઉપર અને તેમના દ્રવ્યમાનના વ્યસ્ત ગુણોત્તર અનુસાર નિયત થાય છે, જેની આસપાસ બંને પદાર્થ પારસ્પરિક (mutual) પરિભ્રમણ કરતા હોય છે.

જો પદાર્થને અણસરખા (nonuniform) ગુરુત્વીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો તેના પ્રત્યેક ઘટક ઉપર લાગતા ગુરુત્વાકર્ષણબળથી નીપજતું પરિણામી બળ તેમજ બળયુગ્મ (couple) નક્કી થઈ શકે છે; પરંતુ આવા ક્ષેત્રમાં પદાર્થને લટકાવવાની સ્થિતિ અનુસાર આ નિયતબિંદુ બદલાતું રહે છે, જ્યારે એકસરખા બળયુગ્મનું મૂલ્ય શૂન્ય અને નિયતબિંદુનું સ્થાન અચળ હોય છે.

પ્ર. દી. અંગ્રેજી