ગુરખા : મુખ્યત્વે નેપાળમાં વસતા લોકો અને નેપાળનો શાસક વંશ. આ લોકસમુદાયમાં ગુરુંગ, લિમ્બા, માગર, રાય તથા તામાંગ નૃજાતીય જૂથોનો સમાવેશ થાય છે. મૂળ હિંદુ આનુવંશિકતા ધરાવતા આ સમુદાયના લોકો અઢારમી સદીના મધ્ય સુધી રાજસ્થાનમાં રહેતા હતા, પરંતુ મુસ્લિમ આક્રમકોએ તેમને ત્યાંથી હાંકી કાઢ્યા પછી તે હિમાલયના પ્રદેશમાં વસ્યા. 1767–68માં તેમણે નેપાળ સર કર્યું અને ત્યારથી ત્યાં તેમનું શાસન શરૂ થયું છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની અને તેમની વચ્ચે 1814માં યુદ્ધ થતાં હિમાલયના દક્ષિણ તરફના ઢાળવાળા પ્રદેશ પર કંપનીનું આધિપત્ય દાખલ થયું, છતાં કંપનીએ નેપાળને સ્વાધીન રાષ્ટ્ર તરીકે માન્યતા બક્ષી.
પર્વતીય પ્રદેશમાં વસતા આ ઠીંગણા છતાં ખડતલ અને સાહસિક લોકોએ યુદ્ધના મેદાન પર લશ્કરી સૈનિકો તરીકે સર્વત્ર પ્રશંસા પ્રાપ્ત કરી છે. 1815માં અંગ્રેજ લશ્કરમાં તેમની પ્રથમ રેજિમેન્ટ ઊભી કરવામાં આવી અને ત્યારથી એશિયામાં અંગ્રેજોની વસાહતોના સૈનિકો તરીકે ગુરખાઓનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)માં દસેદસ ગુરખા રેજિમેન્ટે પશ્ચિમના મોરચાઓ પર, મધ્યપૂર્વની યુદ્ધભૂમિ પર તથા ભારતના વાયવ્ય સરહદી પ્રાંતના પહાડી પ્રદેશોમાં શૌર્યપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં પણ ઉત્તર આફ્રિકા ઉપરાંત યુરોપમાં ઇટાલી, બ્રહ્મદેશ તથા મલાયાની યુદ્ધભૂમિ પર તેમની રેજિમેન્ટે પરાક્રમ બતાવ્યું હતું અને પ્રશંસા પ્રાપ્ત કરી હતી.
1947માં ભારતને આઝાદી મળી ત્યારે દસ ગુરખા રેજિમેન્ટમાંથી ચાર બ્રિટિશ લશ્કરને તથા બાકીની છ ભારતના લશ્કરને ફાળવવામાં આવી હતી. આજે પણ બ્રિટિશ લશ્કરમાં ગુરખા બ્રિગેડ છે, જોકે હવે ધીમે ધીમે તેની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ગુરખા સૈનિકોને ખાસ શસ્ત્ર તરીકે કૂકરી ધારણ કરવાનો વિશેષાધિકાર બક્ષવામાં આવ્યો છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે