ગુપ્તે, સુભાષ પંઢરીનાથ (જ. 11 ડિસેમ્બર 1929, મુંબઈ ; અ. 31 મે 2002, ટ્રિનિડાડ, વેસ્ટ ઇન્ડિઝ) : ભારતીય ક્રિકેટ ખેલાડી, જમોડી લેગ-બ્રેક અને ગૂગલી ગોલંદાજ. તેઓ એમની કારકિર્દીની ટોચે હતા ત્યારે જગતના શ્રેષ્ઠ લેગ-બ્રેક ગોલંદાજ ગણાતા હતા. એમણે 1948–49માં મુંબઈ તરફથી ચેન્નાઈ સામે રમીને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ મેળવ્યો. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં કુલ 23.24ની સરેરાશથી 489 વિકેટો મેળવી, જેમાં 29.55ની સરેરાશથી 149 ટેસ્ટવિકેટનો પણ સમાવેશ થાય છે. 1962–63માં વિદર્ભ સામેની મૅચમાં એક દાવમાં 45 રનમાં ઝડપેલી આઠ વિકેટ અને બીજી મૅચમાં 104 રન આપીને ઝડપેલી 15 વિકેટ એ એમનો શ્રેષ્ઠ દેખાવ છે. ટેસ્ટ મૅચમાં 1951–52માં ઇંગ્લૅન્ડ સામે કૉલકાતાની મૅચમાં પ્રવેશ મેળવ્યો. વિનુ માંકડ પછી ટેસ્ટમાં એકસો વિકેટની સિદ્ધિ મેળવનાર સુભાષ ગુપ્તે બીજા ગોલંદાજ બન્યા. પ્રથમ
કક્ષાની ક્રિકેટમાં એક જ દાવની દસે વિકેટ ભારત તરફથી લેવાનું સૌપ્રથમ માન મેળવનાર પણ સુભાષ ગુપ્તે છે. 1958–59માં ઑસ્ટ્રેલિયા સામે કાનપુરમાં 102 રનમાં 9 વિકેટ લઈને જસુ પટેલ સાથે ટેસ્ટના એક દાવમાં 9 વિકેટની સિદ્ધિ મેળવનાર તરીકે સુભાષ ગુપ્તેએ નામ નોંધાવ્યું. ભારત તરફથી 36 ટેસ્ટમાં 29.55ની સરેરાશથી 149 વિકેટ મેળવી. ટેસ્ટના એક દાવમાં ત્રણ વાર સાત કે તેથી વધુ વિકેટ ઝડપનાર સુભાષ ગુપ્તેએ પોતાની બાવીસમી ટેસ્ટમાં એકસોમી વિકેટ લીધી હતી. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 34 વખત એક દાવમાં 5 કે તેથી વધુ વિકેટ ઝડપી હતી, જેમાં 12 વખત તો ટેસ્ટમાં આવી સિદ્ધિ મેળવી. 1955–56ની ન્યૂઝીલૅન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 34 ખેલાડીઓને આઉટ કર્યા હતા. 1954થી 1961 દરમિયાન ઇંગ્લૅન્ડની લીગ ક્રિકેટમાં ખેલનાર સુભાષ ગુપ્તે અવસાન સમયે વેસ્ટ ઇન્ડિઝના ટ્રિનિડાડ ટાપુમાં સ્થાયી વસવાટ કરતા હતા.
કુમારપાળ દેસાઈ