ગુણસુંદરી : જાણીતું સામાજિક ગુજરાતી ચલચિત્ર. મૂક ગુજરાતી ચલચિત્રોના ગાળા દરમિયાન (1924) નિર્માણ પામેલ આ ચલચિત્ર સવાક્ ફિલ્મકાળમાં બે વાર (1934 અને 1948) નિર્માણ પામ્યું હતું.
મૂક ફિલ્મોના સમયગાળા દરમિયાન માત્ર પૌરાણિક ફિલ્મો જ સફળ નીવડી શકે તેવી માન્યતા ર્દઢ થવા લાગી હતી. તત્કાલીન મુંબઈના ચલચિત્ર ઉદ્યોગમાં પંકાઈ ચૂકેલા યુવા સિને દિગ્દર્શક ચંદુલાલ શાહે એક સામાજિક અભિવ્યક્તિ જેવી સિનેકૃતિ સર્જી તે મૂક ‘ગુણસુંદરી’. 22 દિવસની રેકૉર્ડ અવધિમાં તેમણે તત્કાલીન આંતરરાષ્ટ્રીય ધોરણે સ્વીકૃતિ પામે તેવી ‘ગુણસુંદરી’ ફિલ્મ પૂરી કરી ને ઇમ્પીરિયલ થિયેટરને સોંપી દીધી.
સંયુક્ત કુટુંબ-વ્યવસ્થામાં રહી સામાજિક સંઘર્ષ કરતી પતિનિષ્ઠ પત્નીની મનોવેદનાને આ ચલચિત્રમાં વાચા આપી હતી.
કુટુંબની મર્યાદામાં રહી પત્ની આધુનિક રીતભાતને અપનાવી વિમાર્ગે ગયેલા પતિને પાછો પોતાની તરફ વાળવામાં સફળ થાય છે અને હવે તે સાચા અર્થમાં પતિની સખી અને જીવનસંગિની બની રહે છે. પત્નીના આ વર્તાવ માટે જવાબદાર નણંદ અને માર્ક્સવાદી વલણ ધરાવતા પતિના નાના ભાઈનું પાત્ર અહીં સામાજિક પરિવર્તનનાં ઉદ્દીપક અને દ્યોતક બને છે.
આ ચલચિત્રમાં ગૌહરબાનુના અભિનય સાથે પટકથા લેખક-દિગ્દર્શક ચંદુલાલ શાહની કલ્પનાશીલતા તથા દિગ્દર્શક તરીકેની તેમની ક્ષમતાએ પણ ભાગ ભજવ્યો હતો.
સને 1934માં શાહે પોતાની ‘રણજિત ફિલ્મ કંપની’ના નેજા હેઠળ સવાક્ હિંદી ફિલ્મ રૂપે ‘ગુણસુંદરી’નું પુનર્નિર્માણ કર્યું. તેમાં પણ નાયિકાની ભૂમિકા ગૌહરબાનુએ અદા કરી હતી. તે સમયે પણ આ ચિત્રે ચૌદ અઠવાડિયાં સુધી પ્રદર્શન પામીને લોકપ્રિયતાનો નવો વિક્રમ સ્થાપિત કર્યો હતો.
‘ગુણસુંદરી’નું ત્રીજું પુનર્નિર્માણ ‘અજિત પિક્ચર્સ’ના નેજા તળે રતિભાઈ પુનાતરના દિગ્દર્શન વડે 1948માં થવા પામ્યું હતું. ચંદુલાલ શાહના ભાણેજ રતિભાઈ પુનાતર રણજિત સ્ટુડિયોમાં મૅનેજર હતા. એક દિવસ ગુજરાતી અભિનેતા મનહર દેસાઈ અને મરાઠીભાષી ગુજરાતી અભિનેતા બાબુ રાજેએ રતિભાઈ પુનાતર સમક્ષ ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવું જોઈએ એવો પ્રસ્તાવ મૂક્યો. ગૌહરબાનુએ આ યુવાનોને સફળતાની શ્રદ્ધા અને ‘ગુણસુંદરી’નું પુનર્નિર્માણ હાથ ધરવા સૂચવ્યું.
રણજિતના યુવાવૃંદે ઉત્સાહમાં આવી જઈ આ સૂચન હર્ષભેર વધાવી લીધું. થોડા સુધારાવધારા સાથે ‘ગુણસુંદરી’ની પટકથા ફરી લખવામાં આવી. અભિનયવૃંદમાં મનહર દેસાઈ અને બાબુ રાજે, નાયિકા ‘ગુણસુંદરી’ના પાત્રમાં નિરૂપા રૉય, ગીતલેખન-સંગીત નિર્દેશન અવિનાશ વ્યાસ, છાયાંકન કવાત્રા, કલાનિર્દેશન એસ. એ. વાહબને સોંપવામાં આવ્યાં. આશરે પાંત્રીસ દિવસમાં ઝડપભેર તેનું શૂટિંગ આટોપી લેવામાં આવ્યું અને તુરત જ મુંબઈ ખાતેના ‘સ્વસ્તિક’ સિનેમાગૃહમાં તેની રજતજયંતી ઊજવાઈ. તેણે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી. ગુજરાતમાં પણ આ કૃતિ સફળ થઈ.
ઉષાકાન્ત મહેતા