ગુડૂચ્યાદિ ક્વાથ : આયુર્વેદિક ઔષધ. આયુર્વેદમાં ગળો (ગડૂચી કે અમૃતા) એક ખૂબ મહત્વની ઔષધિ છે. તેના યોગથી આયુર્વેદના અનેક ગ્રંથોમાં વિવિધ ક્વાથ-ઔષધિઓનાં વિવિધ રોગલક્ષી, અનેક ભિન્ન પાઠ આપેલા છે. શારંગધર સંહિતામાં જ ગુડૂચ્યાદિ ક્વાથના નામથી ક્વાથ ઔષધોની યાદીમાં 5 જાતના અને આર્યભિષક ગ્રંથમાં ગળોના પ્રકરણમાં 8 પ્રકારના, ગુડૂચ્યાદિ ક્વાથના પાઠ આપેલ છે. તેમાંથી સૌથી વધુ પ્રમાણમાં હાલ વૈદ્યોમાં વપરાતો ‘ગુડૂચ્યાદિ ક્વાથ’ કે જેનો મૂળ પાઠ ‘વૈદ્યજીવન’ ગ્રંથનો છે અને ‘રસતંત્રસાર સિદ્ધયોગ સંગ્રહ’માં પણ તે દર્શાવેલ છે, તે અત્રે આપેલ છે.
પાક : લીમડાની ગળો, લીમડાની અંતરછાલ, પદ્મક (પદ્મકાષ્ઠ), લાલ ચંદન (રતાંજળી) અને સૂકા ધાણા. આ 5 ઔષધો સરખે ભાગે લઈ, જ્વકૂટ કરી, તેમાંથી 25 ગ્રામ ભૂકો 400 ગ્રામ પાણીમાં ઉકાળો કરી, 100 ગ્રામ શેષ રાખી, ગાળીને સવાર-સાંજ બે વાર પીવો.
લાભ : મૂળ ગ્રંથકારે આ પાઠ પિત્ત-કફજ્વર માટે લખ્યો છે; પરંતુ તે પ્રાય: બધી જાતના નવા તાવોમાં ખાસ વધુ વપરાતું ઔષધ છે. આ ઔષધથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, અંગદાહ, તાવ, પિત્તજ્વર, ઊબકા, ઊલટી, તરસ અને અરુચિ ઉપરાંત હોજરીના આંતરિક પડદાનો સોજો, અપચો, ગભરામણ સાથેનો તાવ તે પરસેવો લાવી ઉતારે છે. આ ઉપરાંત તે જંતુવિષ, ઔષધિ વિષ, જંગમ વિષ અને રોગના ચેપી જંતુનો પણ નાશ કરી દર્દીને સ્વસ્થ કરે છે. હાઇબ્લડપ્રેશર કે ઉચ્ચરક્તદબાણના દર્દીઓને તેના પ્રયોગથી વિલાયતી હાઈ.બી.પી.ની દવાઓ લેવામાં મુક્તિ મળી જાય છે અને દર્દ મૂળથી મટે છે.
મધુકાન્ત ભગવાનજી પંડ્યા
બળદેવપ્રસાદ પનારા