ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ

February, 2011

ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ : વ્યાયામ પ્રચારને વરેલી ગુજરાતની અગ્રણી સંસ્થા. 1905ની બંગભંગની ચળવળનો જે એક તણખો ગુજરાતમાં પણ પડ્યો તેણે રાષ્ટ્રીય વ્યાયામ પ્રવૃત્તિનું સ્વરૂપ લીધું અને ‘‘શરીર સેવા માટે, રાષ્ટ્ર માટે, જીવનના ઉચ્ચતમ આદર્શ માટે’’ મુદ્રાલેખ ધરાવતા ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની સૌપ્રથમ વ્યાયામ સંસ્થા ‘શ્રી લક્ષ્મીનાથ વ્યાયામશાળા’ની સ્થાપના 1 મે 1908ના રોજ રામનવમીના દિવસે વડોદરા મુકામે મહર્ષિ અરવિંદ ઘોષની પ્રેરણા નીચે છોટુભાઈ પુરાણી અને તેમના સહકાર્યકરોના પ્રયાસથી થઈ. ‘‘ગુજરાતનાં યુવાનો અને યુવતીઓ આરોગ્યવાન, બળવાન, સપ્રમાણ શરીરવાળાં, સ્વરક્ષણની કળા જાણવાવાળાં, ખડતલ, નીડર, ચારિત્રવાન તથા દેશપ્રેમી અને સેવાભાવી બને’’ એ આ મંડળનો આરંભકાળથી જ ઉદ્દેશ રહેલો છે. આ ઉદ્દેશને લક્ષમાં રાખીને મંડળે ગુજરાતમાં વ્યાયામ તથા રમતપ્રવૃત્તિનો વ્યવસ્થિત પ્રચાર અને સંગીન વિકાસ કર્યો છે. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ પુરાણી બંધુઓનું અનોખું સર્જન છે અને તેની સ્થાપના તથા પ્રગતિમાં વડીલ બંધુ છોટુભાઈ પુરાણીએ, પોતે 1950ના ડિસેમ્બરમાં દિવંગત થયા ત્યાં સુધી પ્રત્યક્ષ પ્રેરણા અને માર્ગદર્શન આપ્યાં તથા લઘુ બંધુ અંબુભાઈ પુરાણીએ, પોતે 1924માં શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી(પુદુચેરી)માં જઈને રહ્યા ત્યાં સુધી પ્રત્યક્ષ અને તે પછી 1965ના ડિસેમ્બરમાં નિર્વાણ પામ્યા ત્યાં સુધી પરોક્ષ પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહી અદભુત ફાળો આપ્યો છે.

ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળરૂપી આજના વિશાળ વડનું બીજ વડોદરામાં વવાયા પછી થોડાં વર્ષોમાં એ સંસ્થામાં તૈયાર થયેલા યુવાનોએ વ્યાયામ પ્રચારનું કાર્ય વેગથી આગળ ધપાવ્યું. એ યુવકો પૈકી ખાસ તૈયારીવાળાઓએ ઉનાળાની રજાઓમાં જુદાં જુદાં ગામોમાં જઈ અખાડા શરૂ કરવા માંડ્યા; અને વ્યાયામ પ્રચારના આવા ધગશભર્યા તથા નિ:સ્વાર્થી પ્રયાસોને પરિણામે ગુજરાતમાં ભરૂચ, જંબુસર, અમદાવાદ, નડિયાદ, આણંદ, કપડવંજ, ડાકોર, પેટલાદ, સોજિત્રા, ધર્મજ, વીરસદ, ભાદરણ, રાજપીપળા વગેરે અનેક સ્થળોએ લક્ષ્મીનાથ વ્યાયામશાળાની પદ્ધતિએ અને વ્યાયામના આધુનિક ખ્યાલથી ચાલતા અખાડાની હારમાળા સર્જાઈ ગઈ. ન્યાતજાતના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના, શુદ્ધ રાષ્ટ્રીયતાના ધોરણે યુવાનોના સર્વાંગી ઘડતરના ધ્યેયથી ચાલતી આ વ્યાયામશાળાઓએ વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન નાગરિકોનું જે ઘડતર કર્યું છે તેની પ્રતીતિ રાષ્ટ્રની સ્વાતંત્ર્યપ્રાપ્તિની લડતોમાં તથા સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં વ્યાયામશાળાની તાલીમ પામી ચૂકેલા યુવાનોની સંખ્યા જેવી તેવી નથી, તે હકીકતમાંથી મળી રહે છે અને આ જ છે મંડળની નક્કર કાર્યસિદ્ધિ.

આ એકદિલીથી કામ કરતા યુવાનોની વ્યાયામ સંસ્થાઓએ 1936માં ‘ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ’ની બંધારણીય સ્વરૂપે સ્થાપના કરી અને બધી સંસ્થાઓ તેની સાથે સંયોજિત થઈ. આ મંડળના પ્રમુખ તરીકેનું સુકાન સર્વાનુમતે છોટુભાઈ પુરાણીને સોંપવામાં આવ્યું અને તે જવાબદારી તેમણે 1950માં તેમનું નિધન થયું ત્યાં સુધી સફળતાપૂર્વક સંભાળી તથા ઉચ્ચ કક્ષાની તંદુરસ્ત પ્રણાલિકાઓ સ્થાપી મંડળની પ્રવૃત્તિઓ અનેક ક્ષેત્રે વિકસાવી. ગુજરાતમાં વ્યાયામનો પ્રચાર કરવાની તેમણે મહર્ષિ અરવિંદ સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાનું અક્ષરશ: પાલન કરી બતાવ્યું. આમાં ઇન્દુલાલ યાજ્ઞિક, શિવાભાઈ પટેલ, રાવજીભાઈ પટેલ, કે. ટી. દેસાઈ, મણિભાઈ પટેલ વગેરે સંનિષ્ઠ કાર્યકરોના સહયોગથી વ્યાયામપ્રચારનું કાર્ય ખૂબ અસરકારક અને વેગીલું બન્યું.

1942માં રાષ્ટ્રવ્યાપી આઝાદી જંગ શરૂ થયો. વ્યાયામશાળાના કાર્યકરો અને યુવક-યુવતીઓએ ‘કરેંગે યા મરેંગે’ના આખરી સંગ્રામમાં ઝંપલાવ્યું. કેટલાંય જેલમાં ગયાં, કોઈ શહીદ થયાં અને કેટલાંકે ભૂગર્ભમાં રહી કામગીરી બજાવી. મંડળના અગ્રણી કાર્યકરો છોટુભાઈ પુરાણી તથા ચંદ્રશંકર ભટ્ટને પકડવા માટે સરકારે હજારો રૂપિયાનાં ઇનામો જાહેર કર્યાં. વ્યાયામશાળાની તાલીમ પામેલા સૌએ આઝાદી જંગની નાનીમોટી ફરજો બજાવી તાલીમ સાર્થક કરી બતાવી.

1947માં ભારત સ્વતંત્ર થયું તે પછી બદલાયેલી પરિસ્થિતિ તથા બદલાયેલાં જીવનમૂલ્યોને લક્ષમાં લઈને મંડળે પોતાના બંધારણમાં જરૂરી ફેરફાર કરી જિલ્લા વ્યાયામ મંડળોને તથા રાજ્યકક્ષાનાં રમત મંડળોને સંયોજિત કરી પ્રતિનિધિત્વ આપ્યું; તેમજ વ્યાયામ પ્રત્યે વૈજ્ઞાનિક અને શૈક્ષણિક અભિગમ અપનાવી વ્યાયામશિક્ષક તૈયાર કરવા માટેની પ્રવૃત્તિ પણ હાથ ધરી. આ માટે વિલીન થયેલા રાજપીપળા સ્ટેટની મિલિટરી લાઇન્સનાં મેદાન-મકાનો કેન્દ્ર સરકાર પાસેથી ભાડે મેળવી ત્યાં 1950માં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયની સ્થાપના કરી શારીરિક શિક્ષણનો સરકારમાન્ય સર્ટિફિકેટ અભ્યાસક્રમ શરૂ કર્યો તથા 1959માં શારીરિક શિક્ષણનો સરકારમાન્ય ડિપ્લોમા અભ્યાસક્રમ શરૂ કર્યો અને ભાડેથી રાખેલાં આ મેદાન-મકાનો કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કરી ખરીદી લઈ તેમાં જરૂરી સુધારાવધારા કરી, તેનો સુસજ્જ સ્પૉર્ટ્સ સહશૈક્ષણિક સંકુલ તરીકે પ્રશંસનીય વિકાસ કર્યો છે. તે પછી 1964માં અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ અને 1985માં દ. ગુ. યુનિવર્સિટી માન્ય શારીરિક શિક્ષણની ડિગ્રી કૉલેજ પણ અત્રે શરૂ કરેલ છે. આમ રાજપીપળા જેવા નિસર્ગસુંદર નગરમાં આવેલી આ સંસ્થા પાસે 12 હેક્ટર જેટલા જમીન-વિસ્તારમાં પથરાયેલાં રમતો માટેનાં સુસજ્જ ક્રીડાંગણો, અદ્યતન સ્ટેડિયમ સાથે 400 મી.નો સિન્ડર ટ્રૅક, આકર્ષક બાલવાટિકા, શિક્ષણસંસ્થાઓ માટેનાં વિશાળ મકાનો, સુવિધાયુક્ત છાત્રાલયો, અજોડ વ્યાયામભવન, અદ્યતન મનોરંજન ખંડ, સુસજ્જ તરણકુંડ, સમૃદ્ધ પુસ્તકાલય, અરવિંદ ધ્યાનકેન્દ્ર, મલ્ટીમિડિયા સેન્ટર, ફિઝિયોથેરાપી સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, ફિટનેસ સેન્ટર, અતિથિગૃહ, ઓપન ઍર થિયેટર વગેરે જેવી અનન્ય સગવડો વિકસેલી છે.

મંડળની લોકપ્રિય પ્રવૃત્તિઓ નીચે મુજબ છે : (1) વ્યાયામ સંસ્થા સંગઠન : જિલ્લા વ્યાયામ મંડળો દ્વારા તથા અવારનવાર વ્યાયામ કાર્યકર સંમેલનો-પરિસંવાદો દ્વારા; (2) ગ્રીષ્મ વ્યાયામ વર્ગો : પ્રતિ વર્ષ ઉનાળાની રજાઓમાં ત્રણથી ચાર સપ્તાહની મુદતના, ઉત્તરોત્તર પ્રવેશ, વિનીત, વિશારદ અને રત્નકક્ષાના અભ્યાસક્રમો સાથે (1933થી ચાલુ); (3) ગુજરાત રમતોત્સવ : પ્રતિવર્ષ ડિસેમ્બરમાં (1939થી 1974 સુધી, તે પછી બંધ); (4) વ્યાયામ પ્રકાશનો : વ્યાયામ વિજ્ઞાનકોષ ગ્રંથશ્રેણીના દસ ગ્રંથો સમેત 48 જેટલાં પ્રકાશનો; તદુપરાંત ‘શારીરિક શિક્ષણ’ ત્રૈમાસિક સંપાદન (1957થી 1969 સુધી) તથા ‘વ્યાયામ’ માસિક સંપાદન (1968થી 1985 સુધી); (5) શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય : સી.પી.એડ. અભ્યાસક્રમ (1950થી ચાલુ); ડી.પી. એડ. અભ્યાસક્રમ (1959થી ચાલુ); (6) શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન : શારીરિક શિક્ષણનો ત્રિવાર્ષિક ડિગ્રી અભ્યાસક્રમ  બી. પી. ઈ. (1985થી ચાલુ), તથા શારીરિક શિક્ષણનો પોસ્ટ-ગ્રૅજ્યુએટ કૉર્સ (1993થી ચાલુ); (7) અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ (1964થી ચાલુ); પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ; આદિવાસી વ્યાયામશાળા (1980થી ચાલુ); (8) હરિ: ૐ આશ્રમ પ્રેરિત પ્રવૃત્તિઓ : (i) સેવા અને સાહસ માટે પુરાણીજી પારિતોષિક યોજના (1962થી ચાલુ), (ii) નાથાલાલ દેસાઈ મૅરેથોન દોડ સ્પર્ધા (1972થી ચાલુ), (iii) શ્રી ચૂનીલાલ મોહનભાઈ પટેલ પાવાગઢ ચઢાણ-ઉતરાણ સ્પર્ધા (1977થી ચાલુ), (iv) નરોત્તમદાસ પટેલ જલદ ચાલ સ્પર્ધા (1978થી ચાલુ), (v) અંબુભાઈ પુરાણી વ્યાયામ નિદર્શન સ્પર્ધા (1978થી ચાલુ), તથા (vi) બહેનો માટેની રમતગમત સંસ્થા ‘મહાજન શક્તિદળ’ (1964થી ચાલુ).

1950માં છોટુભાઈ પુરાણીનું નિધન થયા પછી પણ મંડળને ક્રમસર ચંદુલાલ દેસાઈ, રાવજીભાઈ પટેલ, ચંદ્રશંકર ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ તથા મુકુંદભાઈ પટેલ જેવા દક્ષ, અનુભવી અને સંનિષ્ઠ પ્રમુખોની હારમાળા સાંપડી છે, જ્યારે આ બધાની સાથે મંત્રી તરીકે સળંગ 35 વર્ષ જેટલા દીર્ઘકાળ પર્યંત સક્રિય રહી ચિનુભાઈ શાહે મંડળને કુનેહપૂર્વક પ્રવૃત્તિશીલ અને પ્રગતિશીલ રાખ્યું છે.

ચિનુભાઈ શાહ