ગુજરાત મ્યુઝિયમ સોસાયટી, સંસ્કાર-કેન્દ્ર, અમદાવાદ
February, 2011
ગુજરાત મ્યુઝિયમ સોસાયટી, સંસ્કાર-કેન્દ્ર, અમદાવાદ : મધ્યયુગીન ભારતના પહાડી, મુઘલ, સલ્તનત, રાજસ્થાની અને ગુજરાતી લઘુચિત્રો ધરાવતા વિશ્વવિખ્યાત ‘નાનાલાલ ચમનલાલ મહેતા સંગ્રહ’નું કાયમી ધોરણે પ્રદર્શન કરતું અમદાવાદ ખાતેનું મ્યુઝિયમ.
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ‘સંસ્કાર-કેન્દ્ર’માં આ મ્યુઝિયમનું ઉદઘાટન 1963માં ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. 1993માં આ મ્યુઝિયમ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા એલ. ડી. મ્યુઝિયમની બાજુમાં ખસેડવામાં આવ્યું અને આજે વર્ષે હજારો લોકો આ મ્યુઝિયમની મુલાકાત લે છે.
‘એન. સી. મહેતા ચિત્રસંગ્રહ’ એ નાનાલાલ ચીમનલાલ મહેતાએ એકઠો કરેલો દુર્લભ લઘુચિત્રોનો સંગ્રહ છે. તેમનો જન્મ 1894માં જરમઠા નામના ગામમાં (ગુજરાત) થયો હતો. રાજકોટ અને મુંબઈની વિલ્સન કૉલેજમાં પ્રારંભિક શિક્ષણ લીધા પછી તેઓ કેમ્બ્રિજમાં જોડાયા અને ત્યાંથી તેમણે અર્થશાસ્ત્રનો ‘ટ્રાઇપૉસ’ મેળવ્યો.
સન 1915માં તેઓ ઇન્ડિયન સિવિલ સર્વિસીસમાં જોડાયા અને 1944માં નિવૃત્ત થયા. આ દરમિયાન અત્યારે ઉત્તરાંચલ અને હિમાલયમાં થયેલી તેમની નિમણૂકો દરમિયાન તેમણે આશરે 800 દુર્લભ ચિત્રો ભેગાં કર્યાં, જેમાંથી સર્જાયો ‘એન. સી. મહેતા ચિત્રસંગ્રહ’.
તેઓ પોતે રસજ્ઞ કળાઇતિહાસકાર હતા. ભારતીય લઘુચિત્રકળાના ઇતિહાસની સમજ ફેલાવવામાં તેમણે લખેલા ગ્રંથોનો અમૂલ્ય ફાળો છે. તેમનું અંગ્રેજી પુસ્તક ‘સ્ટડીઝ ઇન ઇન્ડિયન પેઇન્ટિંગ્સ’ 1926માં તારાપોરવાલા પ્રકાશને પ્રગટ કર્યું એ પછી તેમનું બીજું અંગ્રેજી પુસ્તક ‘ગુજરાતી પેઇન્ટિંગ્સ ઇન ફિફ્ટીન્થ સૅન્ચુરી’ ઇન્ડિયન સોસાયટીએ 1931માં પ્રકટ કર્યું.
સન 1945માં તેમના એક લેખ ‘એ ન્યૂ ડૉક્યુમેન્ટ ઑવ્ ગુજરાતી પેઇન્ટિંગ્સ – ગુજરાતી વર્ઝન ઑવ્ ગીતગોવિંદ’ને ‘જર્નલ ઑવ્ ગુજરાત રિસર્ચ સોસાયટી’એ પ્રકટ કર્યો. છાસઠ વરસની ઉંમરે તેઓ કાશ્મીરમાં રજાઓ ગાળતા હતા ત્યારે સન 1958માં હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા. તેમના અવસાનથી તેમના ચિત્રસંગ્રહને તેમનાં પત્ની શાંતા મહેતાએ ગુજરાતી મ્યુઝિયમ સોસાયટીને દાનમાં આપ્યો અને તેમાંથી સર્જાયું આ મ્યુઝિયમ.
આ સંગ્રહનાં લઘુચિત્રો કદમાં અતિશય નાનાં હોવાથી અંગ્રેજીમાં ‘મિનિયેચર્સ’ નામે ઓળખાય છે. તેમને ભીંત પર ટીંગાડી દૂરથી નહિ, પણ એક-દોઢ ફૂટથી જોવાનાં હોય છે. મૂળમાં તે પોથીચિત્રો છે. હસ્તલિખિત પોથીમાં વચ્ચે ઉમેરવામાં આવતાં આ ચિત્રો છે. આ સંગ્રહનાં ચિત્રોમાં પ્રાચીન અને મધ્યકાલીન કાવ્યો તથા મહાકાવ્યોનાં આલેખનો, ધાર્મિક પ્રસંગો, વ્યક્તિચિત્રો અને ઋતુઓનું નિરૂપણ જોવા મળે છે.
તેરમી સદી પછી મુસ્લિમ બિરાદરોએ ભારતમાં કાગળની આયાત કરવી શરૂ કરી. આ પ્રકારના કાગળો પર આ બધાં ચિત્રો ચીતરાયાં છે. (અગાઉ તાડપત્રો પર કે ભીંતો પર જ ભારતમાં ચિત્રો ચીતરાતાં.) જમીનમાંથી મળી આવતા ખનીજ રંગોનો જ ઉપયોગ થતો. વ્યાપક બનેલી એવી માન્યતા ખોટી છે કે તેમાં વાનસ્પતિક રંગો વપરાતા.
મુઘલ સત્તા દિલ્હીમાં સ્થપાઈ તે અગાઉના સલ્તનત શૈલીનાં ઇસ્લામિક ચિત્રો મ્યુઝિયમમાં મોખરે મૂક્યાં છે. આ ચિત્રો ઈરાની મહાકાવ્ય ‘હમ્ઝાનામા’ અને ‘સિકંદરનામા’નું આલેખન કરે છે. હમ્ઝાનામા એ મોહમ્મદ પયગંબરના પરાક્રમી કાકા હમ્ઝાનું જીવનચરિત્ર છે.
તેની કથા એવી છે કે હમ્ઝા વિદેશો જીતી લઈ વિદેશી રાજકુંવરીઓ સાથે લગ્ન કરી વિદેશો પર રાજ કરે છે. સિકંદરનામામાં ગ્રીક સમ્રાટ એલેકઝાન્ડર ધ ગ્રેટની જીવનકથા છે. આ બંને કાવ્યો ભારતમાંના મુસ્લિમ સુલતાનોને ખૂબ જ પ્રિય હતાં, કારણ કે તેમને તેમાંના નાયકોમાં પોતાનું પ્રતિબિંબ દેખાતું હતું.
નવાઈની વાત તો એ છે કે ‘હમ્ઝાનામા’ની કથા અરબસ્તાન કે ઈરાનમાં કદી પણ ચીતરાઈ નથી, પણ ભારતમાં વારંવાર ચીતરાઈ છે. હમ્ઝાનામા અને સિકંદરનામાનાં આ ચિત્રો પર ઈરાન અને ઉઝબેકિસ્તાનની ચિત્રશૈલીની અસર જોવા મળે છે.
એ પછી પ્રદર્શિત છે ‘ચૌર પંચાશિકા’ ચિત્રશ્રેણી. મૂળમાં અગિયારમી સદીમાં એક કાશ્મીરી કવિ બિલ્હણે ‘ચૌર પંચાશિકા’ નામે પચાસ કંડિકાનું એક સંસ્કૃત કાવ્ય રચેલું. આ કાવ્ય કેવી રીતે તેણે રચ્યું તેની એક કથા છે.
ચંપાવતી નામની એક રાજકુંવરીનો બિલ્હણ શિક્ષક હતો. શિક્ષણના આદાનપ્રદાન દરમિયાન એ બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં. ચંપાવતીના પિતાને આની જાણ થતાં તેણે બિલ્હણને ફાંસીને માંચડે ચડાવવાનો હુકમ કર્યો.
માંચડા તરફ પ્રયાણ કરી રહેલા બિલ્હણે પેલા રાજાને પોતાની છેલ્લી ઇચ્છાની પૂર્તિ રૂપે શીઘ્રસ્ફુરિત પચાસ કાવ્યકંડિકા સંભળાવી; જેમાં ચંપાવતી માટેના અમર પ્રેમનું નિરૂપણ થયું હતું. આ પચાસ શ્લોક ‘ચૌર પંચાશિકા’ એટલે કે હૃદયના ચોરના પચાસ શ્લોક તરીકે પ્રખ્યાત થયા. પેલા રાજાએ બિલ્હણને માફ તો કર્યો જ, પણ પુત્રી ચંપાવતી પણ તેને પરણાવી દીધી.
આ કાવ્ય ભલે કાશ્મીરમાં અગિયારમી સદીમાં રચાયું, પણ આ કાવ્ય પરથી આ પચાસ ચિત્રો સોળમી સદીમાં ઉત્તર પ્રદેશમાં જૌનપુરની આસપાસ ચીતરાયાં. મૂળ પચાસ ચિત્રોમાંથી એકવીસ જ ચિત્રો મહેતાને મળી આવ્યાં; જેમાંથી એક ચિત્ર નાનાલાલ મહેતાએ બનારસના ભારત કલાભવનને અને એક ચિત્ર દિલ્હીના નૅશનલ મ્યુઝિયમને ભેટ આપીને બાકીનાં પોતાના મ્યુઝિયમ માટે રાખ્યાં.
આ ‘ચૌર પંચાશિકા’ ચિત્રશ્રેણી ભારતીય ચિત્રકળામાં અનન્ય સ્થાન ધરાવે છે અને તે ધરાવવા બદલ ગુજરાત મ્યુઝિયમ સોસાયટી પણ વિશ્વભરમાં જાણીતી છે. આ ચિત્રશ્રેણી સપાટ પૂરેલા પ્રાથમિક શ્રેણીના રંગો, બાજુમાંથી દેખાતા એકસરખા માનવચહેરા અને કોણાકાર રેખાઓને કારણે બાળસહજ અને આદિમ જુસ્સો ધરાવે છે. સોળમી સદીના ઉત્તર પ્રદેશના પુરુષોમાં પ્રવર્તમાન ઇસ્લામી પહેરવેશની ફૅશન અહીં સ્પષ્ટ છે. અડધી પાની ઢાંકતા પાયજામા અને તીણા ખૂણા ધરાવતા ઝભ્ભા બિલ્હણે પહેરેલા દેખાય છે.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનાં ‘પહાડી’ નામે ઓળખાતાં ચિત્રોનો એક મોટો સંગ્રહ આ મ્યુઝિયમ પાસે છે. તેમાં કુલુ, મંડી, બશોલી, કાંગડા, નૂર્પુર, ચંબા, ગુલેર, ગઢવાલ અને બિલાસપુરા જેવી ઉપશૈલીઓ સમાવેશ પામે છે.
બશોલી શૈલીના ભડક રંગો, હૃષ્ટપુષ્ટ માનવશરીર અને તાકી રહેલી લીંબુની ફાડ જેવી આંખો, કાંગડા શૈલીના મૃદુ અને શાંત રંગો, નાજુક પાતળા માનવદેહો તથા ઝીણી આંખોના વિરોધાભાસમાં તરત ધ્યાન ખેંચે છે. પહાડી ચિત્રોના વિષયોમાં રામાયણ, મહાભારતના પ્રસંગો, શિવપરિવાર અને ગીતગોવિંદમાંથી પસંદ કરેલા પ્રસંગો સમાવેશ પામે છે. પહાડી રાજાઓનાં વ્યક્તિચિત્રો પણ છે.
રાજસ્થાની ચિત્રોમાં મેવાડ, બુંદી, કોટા, માળવા, બિકાનેર, જોધપુર અને જયપુર ઉપશૈલીનાં ચિત્રો અહીં છે. તેમાં વિવિધ પ્રકારની નાયિકાઓના ‘નાયિકાભેદ’ નામે ઓળખાતાં ચિત્રો, બાર મહિનાઓની ઋતુઓનું નિરૂપણ કરતાં ‘બારામાસ’ ચિત્રો, વિવિધ રાગોનું નિરૂપણ કરતાં ‘રાગમાલા’ ચિત્રો સમાવેશ પામે છે. ‘રસિકપ્રિયા’ અને સૂરદાસે રચેલ કાવ્ય ‘સૂરસાગર’નું નિરૂપણ કરતાં રાજસ્થાની ચિત્રો પણ અહીં છે.
ગુજરાતી ચિત્રોમાં જયદેવના કાવ્ય ‘ગીતગોવિંદ’ને આલેખતાં સોળમી સદીનાં ચિત્રો સમાવેશ પામે છે. રતિભાવથી છલકાતાં આ ચિત્રોમાં એક આકર્ષક અણઘડ (naive) તત્ત્વ જોવા મળે છે.
શાહજહાં અને ઔરંગઝેબના સમયનાં મુઘલ ચિત્રો પણ અહીં છે. યુરોપિયન અને ઈરાની ચિત્રકલાની અસર ધરાવતાં મુઘલ ચિત્રો અન્ય ભારતીય લઘુચિત્રોથી સાવ નોખાં પડી જાય છે. શાહજહાંનું એક ઉત્તમ વ્યક્તિચિત્ર અહીં છે. મુઘલ શાહજાદા ફરુખસિયરને આલેખતા એક ચિત્રમાં એક તળાવમાંથી એકસાથે પાણી પીતા સિંહ ને ગાયની સહુપસ્થિતિ એ વાતની જાહેરાત કરતી લાગે છે કે મુઘલ રાજમાં તવંગર અને ગરીબનું સમાન સ્થાન હતું. લિંગપૂજા કરી રહેલા એક આદમીને દર્શાવતું મુઘલ ચિત્ર એ હકીકતની શાખ પૂરે છે કે મુઘલ ચિત્રકળા ઇસ્લામકેન્દ્રી નહોતી.
આ મ્યુઝિયમમાં થોડાં તાંત્રિક ચિત્રો પણ છે. હિમાચલ પ્રદેશમાં અઢારમી સદીમાં ચિતરાયેલાં આ ચિત્રોમાં દુર્ગા, કાલી અને ચામુંડા જેવાં રુદ્ર રૂપોમાં પાર્વતી ઉત્થાન પામેલા લિંગ ધરાવતા શિવના નગ્ન મડદા ઉપર ઊભી તાંડવ નૃત્ય કરતી નજરે પડે છે અને નરસંહાર કરી માનવલોહી પીતી અને માનવમાંસ ખાતી નજરે પડે છે.
પાર્વતીનો એક બીજો રુદ્ર અવતાર ‘છિન્નમસ્તા’ રાધાકૃષ્ણના ચાલી રહેલા સંભોગવિધિ પર ઊભા રહીને પોતાનું માથું કાપીને ગળામાંથી નીકળતું લોહી પોતાની સેવિકાઓ વર્ણિની અને ડાકિનીને પિવડાવતી નજરે પડે છે. અન્ય ચિત્રોમાં છિન્નમસ્તા શિવના મડદાના ઉત્થાન પામેલા લિંગને પોતાના ભગોષ્ઠમાં પરોવી પોતાનું માથું કાપતી નજરે ચઢે છે.
ઈરાનના અઢારમી સદીનાં થોડાં લઘુચિત્રો પણ અહીં છે. તેમાં રંગોની પસંદગી અત્યંત મધુર છે. આ ચિત્રોમાં ઉમર ખય્યામની રુબાઇતનું આલેખન જોવા મળે છે.
એક હજાર વરસ પુરાણું 11મી સદીનું અરબસ્તાનનું એક અરબી કુરાન પણ અહીં છે. કુફી લિપિમાં લખાયેલું આ કુરાન વેલમ એટલે કે ગાયના આંતરડાના ટુકડા પર લખવામાં આવ્યું છે.
આવો ચિત્રસંગ્રહ ગુજરાત પાસે છે તે ગુજરાતનું ગૌરવ છે.
જ. મૂ. નાણાવટી
અમિતાભ મડિયા