ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) : ગુજરાત સરકારની વિવિધ રાજ્ય સેવા માટે અધિકારીઓની પસંદગી કરનારું તંત્ર. કલ્યાણ રાજ્યની વિભાવના અને સમાજવાદી વિચારસરણીની સરકારો દ્વારા થતા અમલને પરિણામે વહીવટી માળખામાં ધરખમ વધારો થાય છે. વહીવટ માટે કાર્યક્ષમ અને નિષ્ઠાવાન અધિકારીઓની જરૂરિયાત રહે છે. તેમની પસંદગીમાં લાગવગ, ભ્રષ્ટાચાર કે સગાવાદને સ્થાન ન મળે અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી થાય તે માટે લોકશાહી શાસનપ્રથામાં જાહેર સેવા આયોગની જોગવાઈ કરવામાં આવે છે. તેની પાછળનો એક ઉદ્દેશ બધા જ નાગરિકોને સમાન તક પ્રાપ્ત થાય તે પણ રહ્યો છે.
આવા જાહેર સેવા આયોગની સ્થાપના ભારતીય સંસદના કાયદા દ્વારા, કારોબારીના આદેશ દ્વારા અથવા બંધારણીય જોગવાઈ દ્વારા કરવામાં આવે છે. ભારતમાં એની સ્થાપના બંધારણીય જોગવાઈ દ્વારા કરવામાં આવી છે. ભારતીય સંવિધાનની કલમ 315 હેઠળ આવા આયોગો કેન્દ્ર સરકારની કક્ષાએ અને ઘટક રાજ્ય સરકારોની કક્ષાએ સ્થાપવાની જોગવાઈ છે. 26 જાન્યુઆરી 1950ના દિને બંધારણનો અમલ શરૂ થતાં કેન્દ્રમાં અને રાજ્યોમાં આવા આયોગો સ્થાપવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્યની પહેલી મે 1960ના દિને સ્થાપના થઈ ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ અસ્તિત્વમાં આવેલ છે. બંધારણની કલમ 316 હેઠળ આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. જોકે તેમાં એવી જોગવાઈ છે કે આયોગના સભ્યોમાંથી લગભગ અડધા જેટલા સભ્યો ભારત સરકાર કે રાજ્ય સરકાર હેઠળ 10 વર્ષ સુધી હોદ્દો સંભાળ્યો હોય તેવા હશે. હાલમાં તેની સંખ્યા પાંચ સભ્યોની છે. તેમનાં પગાર, પેન્શન અને સેવાની અન્ય શરતો સરકારના અધિનિયમ પ્રમાણે હોય છે. તેમના હોદ્દાની મુદત છ વર્ષની કે સભ્ય 62 વર્ષની ઉંમર પ્રાપ્ત કરે ત્યાં સુધીની હોય છે. કલમ 317 હેઠળ આયોગના અધ્યક્ષ અથવા સભ્યને ગેરવર્તણૂક માટે હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે. આયોગના સચિવાલય માટે અધિકારીઓની નિમણૂક કરવાની જોગવાઈ પણ છે.
બંધારણની કલમ 320 હેઠળની જોગવાઈ મુજબ (1) કેન્દ્ર અને રાજ્ય જાહેર સેવા આયોગની જાહેર સેવાઓમાં નિમણૂક કરવા માટે પરીક્ષાઓ લેવી, (2) બે કે તેથી વધુ રાજ્યો વિનંતી કરે તો કેન્દ્રીય જાહેર સેવા આયોગ ખાસ લાયકાતો ધરાવતી જગ્યાઓ ઉપર નિમણૂક કરવા માટે રાજ્યોને મદદ કરશે, (3) કેન્દ્ર અને રાજ્ય જાહેર સેવા આયોગને (i) સનદી જગ્યાઓ અને સનદી સેવામાં ભરતી માટેની પદ્ધતિ બાબતમાં, (ii) બઢતી અને બદલીમાં અનુસરવાના સિદ્ધાંતોની બાબતમાં, (iii) શિસ્તની બાબતમાં, (iv) સનદી કાર્ય કરતાં થયેલા કાનૂની ખર્ચની બાબતમાં, (v) સેવા દરમિયાન થયેલ ઈજાની બાબતમાં પેન્શન આપવા અંગે, સલાહ આપવાની સત્તા આપવામાં આવેલ છે.
આયોગનાં કાર્યો ઉપર બે મર્યાદાઓ છે : (1) બંધારણની કલમ 16 (4) અને 335માં જણાવેલ અનામત જગ્યાઓ, (2) કલમ 320 (3) હેઠળ આયોગના અધિકારક્ષેત્રની બહાર રાખવામાં આવેલ જગ્યાઓ. સંવિધાનની કલમ 321 હેઠળ આયોગનું કાર્યક્ષેત્ર વધારવાની જોગવાઈ છે. ગુજરાતમાં આ જોગવાઈ હેઠળ આયોગનું કાર્યક્ષેત્ર વધારવામાં આવેલ નથી.
ભરતીની પ્રક્રિયા ભરતી અંગેના નિયમો ઘડવાથી શરૂ થાય છે. કારોબારી આવા નિયમો ઘડે છે. તેમાં પસંદગીની પદ્ધતિ, પગારધોરણ, લાયકાતો અને અનુભવ વગેરે હોય છે. જે તે ખાતા પાસેથી માગણી પત્ર આવતાં આયોગ તેની જાહેરાત કરે છે. જાહેર સેવામાં ઉમેદવારી માટે અમુક લાયકાતો જરૂરી બને છે. લાયકાત ધરાવનારા ઉમેદવારો આયોગને અરજી કરે છે અને આયોગ આવેલી અરજીઓનું પૃથક્કરણ કરી પસંદગીની કાર્યવહી શરૂ કરે છે. પસંદગીની બે રીતો છે : (1) સીધી ભરતી અને (2) સેવાની અંદરથી પસંદગી. ગુજરાત જાહેર સેવા આયોગમાં (i) સ્પર્ધાત્મક પરીક્ષાઓના આધારે, (ii) પ્રત્યક્ષ પસંદગીના આધારે, (iii) બઢતી દ્વારા અથવા (iv) બદલી દ્વારા નિમણૂક માટેની જોગવાઈ છે. હાલમાં આયોગ અમુક જગ્યાઓ માટે લગભગ 10 સ્પર્ધાત્મક પરીક્ષાઓ લે છે. અમુક ખાસ ટૅકનિકલ જગ્યાઓ કે ખાસ લાયકાત કે અનુભવની જરૂરિયાતવાળી જગ્યાઓ પસંદગીથી ભરવામાં આવે છે. આયોગ સરકારી અધિકારીઓની ખાતાકીય પરીક્ષાઓ લે છે. આ સાથે બઢતી દ્વારા પણ ભરતી કરવામાં આવે છે. બઢતીમાં સામાન્ય રીતે સેવાકાળ અને લાયકાતનાં ધોરણો અનુસરવામાં આવે છે. પણ અમુક ઉચ્ચ હોદ્દા માટે કેવળ લાયકાતને પ્રાથમિકતા આપવામાં આવે છે. ગુજરાતમાં જાહેર સેવા આયોગ સાથે મસલત કરીને બઢતી માટેની પસંદગીયાદી તૈયાર કરવામાં આવે છે. આવી પસંદગીયાદી તૈયાર કરવા માટે ખાતાકીય સમિતિઓની રચના કરવામાં આવે છે. પસંદગીયાદી તૈયાર કરતી વખતે ખાનગી અહેવાલોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ સાથે અમુક જગ્યાઓ બદલીથી ભરવામાં આવે છે. જો બદલી અધિકારીની બઢતી સાથે સંબંધિત હોય તો સરકારને આયોગ સાથે ચર્ચાવિચારણા કરવાની રહે છે.
શિસ્તના પ્રશ્નોમાં સરકારને જાહેર સેવા આયોગ સાથે ચર્ચાવિચારણા કરવાની રહે છે. ગુજરાતમાં શિસ્તની બાબતો માટે ગુજરાત સનદી સેવા (વર્તણૂક) નિયમો, 1971 અને ગુજરાત સનદી સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1971 ઘડવામાં આવેલા છે. આ સંદર્ભમાં જો કોઈ મોટો ગુનો હોય તો તેમાં આયોગ સાથે સરકારને ચર્ચાવિચારણા કરવી પડે છે.
જાહેર ભરતી એ બધી જ રાજકીય પ્રથાની આધારશિલા હોઈ કાર્યક્ષમ અને લાયકાત ધરાવતા અધિકારીઓની નિમણૂક થાય તે આવશ્યક છે. આ માટે આયોગના સભ્યોની પસંદગી, તેમના હોદ્દાની મુદત, તેમના પગાર તેમજ પરીક્ષાઓની વિશ્વસનીયતા જેવી બાબતો ધ્યાન ખેંચે તેવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ મુખ્યત્વે બે પદ્ધતિ દ્વારા નવા કર્મચારીઓની ભરતી કરે છે. તેમાંની એક પદ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતીની છે અને બીજી પદ્ધતિ સીધી પસંદગી દ્વારા ભરતીની છે. આ ભરતી માટે સૌપ્રથમ ગુજરાત સરકાર નવી ભરતી માટેનું માગણીપત્રક જાહેર સેવા આયોગને મોકલે છે. તે મળ્યા બાદ આયોગ અંગ્રેજી અને ગુજરાતી વર્તમાનપત્રોમાં જાહેરાત આપી અરજીપત્રકો મંગાવે છે. ત્યારબાદ સામાન્ય રીતે માન્ય અરજીપત્રકો પાઠવેલા ઉમેદવારોની પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષા લેવાય છે. તેમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસી તેમને જે તે હોદ્દાની નિમણૂક આપવામાં આવે છે.
આવી જ રીતે સીધી પસંદગી દ્વારા જે ઉમેદવારોની ભરતી કરવાની થાય તેમને પણ નિશ્ચિત થયેલી પદ્ધતિ દ્વારા યોગ્ય કાર્યવહી બાદ નિમણૂક આપવામાં આવતી હોય છે.
આ અંગે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જેવી કક્ષાના ઉમેદવારોને વિશેષ છૂટછાટો આપવામાં આવે છે.
જાહેર સેવા આયોગની પરીક્ષાનાં ધોરણો ઊંચાં હોય છે તેથી તેમાં વ્યાપક ઉમેદવારી છતાં પરીક્ષાના પરિણામની ટકાવારી સીમિત રહે છે.
હસમુખ અમીન