ગુજરાતમિત્ર : સૂરતથી પ્રગટ થતું અગ્રણી ગુજરાતી દૈનિક. તેની સ્થાપના 15 સપ્ટેમ્બર 1863ના રોજ સૂરતમાં દીનશા અરદેશર તાલિયારખાન નામના એક પ્રામાણિક અને નિર્ભીક પત્રકારે કરી હતી. પ્રારંભે ‘ગુજરાતમિત્ર’નું નામ ‘સૂરતમિત્ર’ હતું. પણ એક જ વર્ષમાં 11 સપ્ટેમ્બર 1864થી તે ‘ગુજરાતમિત્ર’ બન્યું. દર રવિવારે પ્રગટ થતું ‘ગુજરાતમિત્ર’ ત્યારે સાપ્તાહિક હતું. 1862માં ‘ખેડાવર્તમાન’ અને 1863માં ‘ગુજરાતમિત્ર’ શરૂ થતાં ગુજરાતમાં ગુજરાતી પત્રકારત્વનાં મંડાણ થયાં. અલબત્ત, તે પહેલાં 1822માં ‘મુંબઈ સમાચાર’ શરૂ થઈ ચૂક્યું હતું, પણ તે મુંબઈમાંથી. ‘ગુજરાતમિત્ર’ ત્યારનાં દેશી રજવાડાંના જુલમો સામે લડનારું પશ્ચિમ ભારતનું પ્રથમ વર્તમાનપત્ર હતું. ‘કલકત્તા રિવ્યૂ’ના ડબ્લ્યૂ. એમ. ડિગ્બીએ તેમના પત્રમાં તાલિયારખાનની ઘણી પ્રશસ્તિ કરી હતી. 1870માં તાલિયારખાને પોતાની નાદુરસ્ત તબિયતને કારણે ‘ગુજરાતમિત્ર’ના તંત્રીપદેથી રાજીનામું આપતાં પંદર સજ્જનોની બનેલી એક કંપનીએ ‘ગુજરાતમિત્ર’ ખરીદી લીધું હતું. કીકાભાઈ પ્રભુદાસ તેના નવા તંત્રી બન્યા હતા. તેમના તંત્રીપદ હેઠળ ‘ગુજરાતમિત્રે’ સુધરાઈના વેરા, મીઠાવેરો, પરવાનાવેરો વગેરે સામે ઝુંબેશ ઉપાડી હતી, જેને પરિણામે સૂરતમાં તોફાનો થયાં હતાં. ત્યારની અંગ્રેજ સરકારે ‘ગુજરાતમિત્ર’ના તંત્રીની ધરપકડ કરી તેમની સામે ફોજદારી કેસ કર્યો હતો, જે ‘સૂરત રાયટ કેસ’ તરીકે જાણીતો થયો છે. મુંબઈના વિખ્યાત ધારાશાસ્ત્રી સર ફિરોજશાહ મહેતાએ બચાવ કરતાં 1878માં ‘ગુજરાતમિત્ર’ના તંત્રીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા.
1893માં ‘ગુજરાતમિત્ર’ હોરમસજી ફરદૂનજી ડૉક્ટરે ખરીદ્યું, પણ 1894માં તેમનું અવસાન થતાં અખબાર હોરમસજી જમશેદજી સેક્રેટરીએ ખરીદી લીધું. 1907માં તેમનું અવસાન થતાં સુધી અખબાર તેમની પાસે રહ્યું. તેમના વારસોની ઇચ્છા મુજબ ‘ગુજરાતમિત્ર’નું સંચાલન ચુનીલાલ ઘેલાભાઈ શાહ અને શાવકશા અસુઆંએ પોતાને હસ્તક લીધું. 1885માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના કરનાર એ. ઓ. હ્યૂમે સૂરત આવી ત્યાંની ઍન્ડ્રૂઝ લાઇબ્રેરીમાં નાગરિકોની એક સભા યોજી હતી તેનો અહેવાલ ‘ગુજરાતમિત્ર’માં હરિલાલ હર્ષદ ધ્રુવે લખ્યો હતો. 1889માં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના લોકતાંત્રિકીકરણની માગ સૌપ્રથમ ‘ગુજરાતમિત્રે’ બુલંદ બનાવી હતી.
1898માં ઉત્તમરામ ઉમેદરામ રેશમવાળા ‘ગુજરાતમિત્ર’માં ઉપતંત્રી તરીકે જોડાયા. 1920માં ઉત્તમરામે ‘ગુજરાતમિત્ર’ પત્ર અને પ્રેસ બંને ખરીદી લીધાં. 1929માં તેમનું અવસાન થતાં તેમના મોટા પુત્ર ચંપકલાલ ‘ગુજરાતમિત્ર’ના તંત્રી બન્યા. 1936ની 19 નવેમ્બરના રોજ તેમણે ‘ગુજરાતમિત્ર’ને સાપ્તાહિકમાંથી દૈનિક અખબાર બનાવ્યું; પરંતુ 1937માં તેમનું અવસાન થતાં તંત્રી અને માલિકી પદની જવાબદારી તેમના લઘુ બંધુ પ્રવીણકાન્ત રેશમવાળાને શિરે આવી. તેમની વય ત્યારે માંડ વીસ વર્ષની હતી. તેમણે હિંમત, પુરુષાર્થ અને દીર્ઘષ્ટિથી ‘ગુજરાતમિત્ર’ને ગુજરાતનું સર્વપ્રિય, સર્વમાન્ય મુખપત્ર બનાવ્યું. બટુકભાઈ દીક્ષિતે પૂરાં પચાસ વર્ષ, એટલે કે 1979માં તેમનું અવસાન થયું ત્યાં સુધી ‘ગુજરાતમિત્ર’ને પોતાની સેવા આપી. 1941માં કંચનલાલ મામાવાળા અને પ્રીતમલાલ મજમુદાર સંપાદિત દીપોત્સવી અંકોએ ‘ગુજરાતમિત્ર’ને સાહિત્યરસિકોમાં જાણીતું કર્યું.
1977માં ભરત રેશમવાળા ‘ગુજરાતમિત્ર’ના વ્યવસ્થાપક તંત્રી બન્યા અને 1983માં તેમના પિતા પ્રવીણકાન્ત રેશમવાળાના અવસાન પછી તંત્રી તરીકેનો કાર્યભાર ભરત રેશમવાળા વહન કરે છે. ભગવતીકુમાર શર્મા હાલ તેના સહાયક તંત્રી છે.
‘ગુજરાતમિત્ર’ની પ્રતિષ્ઠા એક તટસ્થ રચનાત્મક ર્દષ્ટિબિંદુ ધરાવતા વર્તમાનપત્ર તરીકેની રહી છે. સૂરતના સર્વતોમુખી વિકાસમાં તેનું મહત્વનું યોગદાન રહ્યું છે. રેશમવાળા પરિવારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને આપેલા દાનમાંથી ‘પ્રવીણકાન્ત રેશમવાળા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જર્નાલિઝમ’ની સ્થાપના થઈ છે. ‘ગુજરાતમિત્રે’ ‘સ્વ. બટુકભાઈ દીક્ષિત વ્યાખ્યાનમાળા’નું પણ વાર્ષિક આયોજન કરેલું છે. લોકઘડતર કરતા અખબાર તરીકેની પ્રતિષ્ઠા ‘ગુજરાતમિત્રે’ પ્રાપ્ત કરી છે.
ભગવતીકુમાર શર્મા