ગુજરાતનાં સાહિત્યિક પારિતોષિકો અને ચંદ્રકો
February, 2011
ગુજરાતનાં સાહિત્યિક પારિતોષિકો અને ચંદ્રકો : ગુજરાતમાં સાહિત્યસર્જનના ક્ષેત્રે અપાતા વિવિધ પુરસ્કારો. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભાની કદર કરવાની વૃત્તિ સંસ્કારી પ્રજામાં વિકસેલી છે. વિવિધ કલાઓ, સાહિત્ય, શિક્ષણ, સેવા, રમતગમત, શૌર્ય-સાહસ વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર વ્યક્તિ કે સંસ્થાની વિશિષ્ટ શક્તિને પ્રમાણીને એનું પોષણ, સંવર્ધન અને પ્રોત્સાહન કરવામાં આવે છે.
ગુજરાતમાં નર્મદ-દલપતયુગમાં બુદ્ધિવર્ધક સભા, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હાલની ગુજરાત વિદ્યાસભા), ફાર્બસ સભા જેવી સંસ્થાઓએ સાહિત્ય અને શિક્ષણના વિકાસ માટે પારિતોષિકો આપેલાં છે. એ પછી ક્રમે ક્રમે વિષય, સાહિત્યસ્વરૂપ, લેખકનું પ્રદાન જેવાં વિવિધ ર્દષ્ટિબિંદુઓ કેન્દ્રમાં રાખીને પારિતોષિકો આપવાની પ્રવૃત્તિ વિશેષ વિકસેલી છે.
રણજિતરામ ચંદ્રક : ગુજરાત સાહિત્ય સભા (અમદાવાદ) દ્વારા 1928માં શરૂ થયેલો ‘રણજિતરામ ચંદ્રક’ દર વર્ષે સાહિત્ય-સંસ્કારસેવકોને અર્પણ થાય છે. એમાં મૂર્ધન્ય સાહિત્યકારો (કવિઓ, નવલકથાકારો, નાટ્યકારો, હાસ્યકારો, બાલસાહિત્યના લેખકો, વિવેચકો, સંશોધકો વગેરે); સંગીતકારો, ચિત્રકારો, અભિનયકાર અને નાટ્યદિગ્દર્શકો, પુરાતત્ત્વવિદો અને ઇતિહાસકારો, પત્રકારો વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આ ચંદ્રકની વિશિષ્ટ પ્રતિષ્ઠા છે.
નર્મદ ચંદ્રક : નર્મદ સાહિત્ય સભા (સૂરત) તરફથી પાંચ વર્ષના નિશ્ચિત સમયગાળામાં પ્રગટ થયેલી કાવ્ય, નાટક, નિબંધ, જીવનચરિત્ર-આત્મકથા અને સંશોધનની શ્રેષ્ઠ કૃતિને માટે આ ચંદ્રક અપાય છે. નિશ્ચિત કરેલા સમયગાળામાં નિશ્ચિત કરેલા સાહિત્યસ્વરૂપને વારાફરતી પસંદ કરવામાં આવે છે. 1940–44ના સમયગાળાથી આરંભી 2004–2008ના સમયગાળા સુધીમાં વિવિધ સાહિત્યપ્રકારો અને સંશોધનક્ષેત્રે ઉત્કૃષ્ટ કૃતિ પ્રગટ કરનાર એકસઠ જેટલા સારસ્વતોને અત્યાર સુધીમાં આ ચંદ્રક અર્પણ થયો છે.
કુમાર ચંદ્રક : 1944થી 1983 સુધી અને પુન: 2003થી અદ્યાપિપર્યન્ત સુધી નિયમિતપણે ‘કુમાર’ સામયિકમાં તે તે વર્ષ દરમિયાન પ્રગટ થયેલી કાવ્ય, નાટક, વાર્તા કે નિબંધ સ્વરૂપની શ્રેષ્ઠ કૃતિને ‘કુમાર ચંદ્રક’ એનાયત થયેલો છે. પિસ્તાળીસ લેખકોને અત્યાર સુધીમાં આ ચંદ્રક મળ્યો છે.
અન્ય : થોડાંક વર્ષોથી ગુજરાત સાહિત્ય અકાદમીએ ક્ધૌયાલાલ મુનશીની જન્મશતાબ્દી નિમિત્તે નવલકથાક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા સાહિત્યકારને ‘મુનશી સુવર્ણચંદ્રક’ આપવાનું આરંભ્યું છે. મૂર્ધન્ય નવલકથાકારોને આ ચંદ્રકનું પ્રદાન થયું છે. ગુજરાત સાહિત્ય સભાએ પણ ‘ધનજી કાનજી સુવર્ણચંદ્રક’ 1986થી સર્જકની વિશિષ્ટ સાહિત્યસેવા માટે આપવાનું શરૂ કર્યું છે, જે નિયમિત અપાય છે.
પારિતોષિકો : ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી સાહિત્યના વિવિધ વિષયો અને વિવિધ સાહિત્યપ્રકારો માટે છેલ્લાં ત્રીસેક વર્ષથી વિવિધ દાતાઓ દ્વારા મળેલાં દાનમાંથી દર વરસે કે બે વરસે નીચે કૌંસમાં દર્શાવેલી વ્યક્તિઓનાં નામ સાથે જોડાયેલાં 26 જેટલાં પારિતોષિકો અપાય છે અને એ સંખ્યા વરસે વરસે વધતી રહી છે. એક કે બે વર્ષના ગાળામાં પ્રગટ થયેલી શ્રેષ્ઠ સાહિત્યકૃતિ (ઉમા-સ્નેહરશ્મિ), શ્રેષ્ઠ એકાંકીસંગ્રહ (બટુભાઈ ઉમરવાડિયા), પ્રથમ સર્જનાત્મક કૃતિ (તખ્તસિંહ પરમાર), સૉનેટમાળા-ખંડકાવ્ય-દીર્ઘકાવ્ય (ઉશનસ્), ગઝલ (દિલીપ મહેતા), કાવ્ય-નાટક-વાર્તા વગેરે (મહેન્દ્ર ભગત), નવલિકા (રમણલાલ પાઠક), લલિત નિબંધ તથા પીએચ.ડી.નો મહાનિબંધ — બંને માટે (ઉપેન્દ્ર પંડ્યા), હાસ્યકૃતિ (જ્યોતીન્દ્ર દવે), જીવનચરિત્ર-નિબંધ-પ્રવાસ-સંસ્મરણ (કાકા કાલેલકર), સાહિત્યશાસ્ત્ર (રામપ્રસાદ બક્ષી), સાહિત્યવિવેચન (રમણલાલ જોશી), ભક્તિ-અધ્યાત્મવિષયક કૃતિ (શ્રી અરવિંદ), અનુવાદ (ગોપાળરાવ વિદ્વાંસ તથા સુરેશા મજમુદાર), મહિલા-લેખક (ભગિની નિવેદિતા), બાલસાહિત્ય (નટવરલાલ માલવી) તથા કિશોર સાહિત્ય (એનીબહેન સરૈયા) — આ બંને પ્રકાર માટે (રમણલાલ સોની), વિજ્ઞાન (બી. એન. માંકડ), સામાજિક તત્વજ્ઞાન (હરિલાલ દેસાઈ), સમાજશાસ્ત્ર (ભાસ્કરરાવ વિદ્વાંસ), માનવતાલક્ષી કૃતિ (સદવિચાર પરિવાર), શિક્ષણ (પ્ર. ત્રિવેદી), સમાજશિક્ષણ-ચિંતન (પરમાનંદ કાપડિયા) ઉપરાંત શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ, શ્રેષ્ઠ નવલકથા, ગામજીવન આધારિત નવલકથા, વ્યાકરણવિષયક પુસ્તક, ગીતસંગ્રહ, ચિંતનાત્મક પુસ્તક, ભાષાવિજ્ઞાન, લોકસાહિત્યવિષયક ગ્રંથ, અર્થશાસ્ત્ર, વાણિજ્ય-ઉદ્યોગ અને માનવીય સંબંધવિષયક પુસ્તક, શ્રેષ્ઠ ચર્ચાપત્રને, ‘પરબ’માં વર્ષ દરમિયાન પ્રગટ થતાં કાવ્યો–નવલિકાઓ–નિબંધોલેખોમાંથી શ્રેષ્ઠ રચનાને માટે. આ પારિતોષિકો દર બે વરસે પરિષદના જ્ઞાનસત્રમાં આપવામાં આવે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા 1998થી સચ્ચિદાનંદ સન્માન પારિતોષિક પણ આપવામાં આવે છે.
દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી ભારતીય ભાષાઓની તે તે વર્ષની ઉત્તમ સાહિત્યકૃતિઓને પારિતોષિકો અપાય છે. (ગુજરાતી ભાષાની ઉત્તમ રચનાને પણ 1955થી દર વરસે અકાદમી પારિતોષિક મળે છે,) સાહિત્ય અકાદમીએ ઈ. સ. 2000થી મધ્યકાલીન સાહિત્ય-સંપાદન ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર, ભારતીય ભાષા-બોલીના એક-એક (કુલ બે) વિદ્વાનને ‘ભાષા-સન્માન’ ઍવૉર્ડ આપવાનો શરૂ કર્યો છે. એનો પ્રથમ પુરસ્કાર ગુજરાતીમાં ચિમનલાલ ત્રિવેદીને મળ્યો હતો. તેમ ગુજરાત રાજ્યની ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પણ 1979થી (અગાઉ ગુજરાત રાજ્યની ભાષાનિયામકની કચેરી દ્વારા) વર્ષ દરમિયાન પ્રગટ થયેલા વિવિધ વિષયો અને સાહિત્યપ્રકારોનાં વિશિષ્ટ ગુણવત્તાવાળાં પુસ્તકોને વિભાગવાર બે પારિતોષિકો અપાય છે. પ્રૌઢ વિભાગમાં કાવ્ય, એકાંકી, દીર્ઘ નાટક, નવલકથા, ટૂંકી વાર્તા, જીવનચરિત્ર-આત્મચરિત્ર (સ્મરણચિત્ર, ડાયરી, રેખાચિત્ર સહિત), લલિતનિબંધ, હાસ્યનિબંધ, લલિતેતર ચિંતનાત્મક નિબંધ, માનવવિદ્યા (તત્વજ્ઞાન, ઇતિહાસ – સામાજિક શાસ્ત્રો), સાહિત્યવિવેચન – ભાષાવ્યાકરણ – સંશોધન, વિજ્ઞાનવિષયક કૃતિઓ, લોકવિદ્યા, પ્રવાસસાહિત્ય, અનુવાદ, સાહિત્યિક સંપાદન, સમૂહ માધ્યમ જેવા પ્રકારો – વિષયોમાં પ્રથમ અને દ્વિતીય પારિતોષિકો આપવામાં આવે છે. ઉપરાંત બાલવિભાગમાં પણ કાવ્ય (બાલકાવ્યો), વાર્તા, જીવનચરિત્ર, બાળનાટક અને સામાન્ય જ્ઞાનની કૃતિઓને પણ પારિતોષિકો અપાય છે. એક લેખકને વધુમાં વધુ (કુલ) પાંચ પારિતોષિકો મળી શકે છે, વધુ નહિ – જેથી નવોદિતોને પણ પારિતોષિકો મેળવવાની તક રહે છે. અકાદમીએ ક્રમે ક્રમે સાહિત્યપ્રકારો અને વિષયોમાં ઉમેરો કર્યો છે અને એ રીતે પારિતોષિકોની સંખ્યા વધતી રહી છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા નરસિંહ મહેતા ઍવૉર્ડ અપાય છે અને ગૌરવ પુરસ્કાર પણ અપાય છે. મોરારિ બાપુના ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ ઉત્તમ કવિતા માટે નરસિંહ મહેતા ઍવૉર્ડ એનાયત થાય છે.
ઘણાં વર્ષો પૂર્વે 1944–45–46માં ત્રણ સર્જકોને મહિડા પારિતોષિક અપાયું હતું. મહાકવિ ન્હાનાલાલ ટ્રસ્ટ તરફથી પણ 1968થી વર્ષના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ માટે 1981 સુધી ન્હાનાલાલ પારિતોષિક અપાતું હતું. ડૉ. જયન્ત પાઠક કવિતા પુરસ્કાર 1982થી ઉત્તમ કાવ્યસંગ્રહ માટે અપાય છે. ‘કવિલોક’ (દ્વૈમાસિક) વર્ષ દરમિયાન એ સામયિકમાં પ્રગટ થતાં કાવ્યોમાંથી શ્રેષ્ઠ કૃતિને બ. ક. ઠાકોર અને અન્ય પારિતોષિકો આપે છે. ‘કવિતા’ દ્વૈમાસિક પણ એ રીતે પ્રત્યેક અંકની શ્રેષ્ઠ રચનાને પારિતોષિક આપે છે.
લોકસાહિત્યના સંશોધનક્ષેત્રે ઉત્તમ કામગીરી માટે ‘સાહિત્ય સંગમ’ સંસ્થા મેઘાણી ચંદ્રક એનાયત કરે છે તેમજ વિવિધ સાહિત્યકારોનાં નામો સાથે જોડાયેલા પુરસ્કારો પણ આપે છે. ભૂજની ડૉ. જયંત ખત્રી સ્મારક સાહિત્ય સભા ખત્રી બકુલેશ ઍવૉર્ડ અને ગઝલ સંગ્રહ માટે કલાપી ઍવૉર્ડ આપે છે. પ્રેમાનંદ સાહિત્ય સભા તરફથી પણ દર વર્ષે ‘પ્રેમાનંદ ચંદ્રક’ અપાય છે. નડિયાદમાં ગોવર્ધનરામની સ્મૃતિમાં પણ શ્રેષ્ઠ નવલકથાના પ્રકાશન માટે પારિતોષિકો અપાયાં છે.
તાજેતરમાં ‘દર્શક ફાઉન્ડેશન’ની સ્થાપના થઈ છે અને એના તરફથી સ્થાપિત કરાયેલા ત્રણ ઍવૉર્ડમાંથી એક લાખ રૂપિયાનો ઍવૉર્ડ (પુરસ્કાર) શ્રેષ્ઠ સાહિત્યકૃતિને આપવાની જાહેરાત કરીને એનો પ્રથમ પુરસ્કાર નારાયણ દેસાઈ લિખિત મહાદેવભાઈની જીવનકથા ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ને 1993માં અર્પણ કરાયો છે.
ગુજરાત સાહિત્ય અકાદમી દર વરસે એક મૂર્ધન્ય સાહિત્યકારનું રોકડ પુરસ્કાર આપીને સન્માન કરે છે. ઉપરાંત સાહિત્ય-શિક્ષણક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનારને એક લાખ રૂપિયાનો પુરસ્કાર આપવાનો આરંભ થયો છે. ‘સ્નેહરશ્મિ’ અને ‘દર્શક’ને આ પુરસ્કારો પ્રાપ્ત થયા છે.
અનંતરાય મ. રાવળ સ્મારક સમિતિ દ્વારા અપાતો વિવેચન ઍવૉર્ડ ઈ. સ. 1992થી દર વર્ષે વિવેચન-સંશોધનક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનારને અપાય છે.
ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડ 1968માં ‘નિશીથ’ માટે ઉમાશંકર જોશીને કન્નડ સાહિત્યકાર કે. વી. પુટપ્પા સાથે ભાગીદારીમાં એનાયત થયો હતો. 1985નો ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડ ‘માનવીની ભવાઈ’ માટે પન્નાલાલ પટેલને અને એ પછી કવિ રાજેન્દ્ર શાહને એમના કાવ્યસર્જન માટે 2001નો જ્ઞાનપીઠ ઍવૉર્ડ અપાયો હતો. ઉપરાંત ભારતીય જ્ઞાનપીઠનો 1987નો મૂર્તિદેવી ઍવૉર્ડ દર્શકને ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ માટે ત્યારબાદ ઈ. સ. 2004માં આ પુરસ્કાર ‘મારું જીવન એ જ મારી વાણી’ માટે નારાયણ દેસાઈને અપાયો હતો.
ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલ વલી ગુજરાતી ગઝલકેન્દ્ર દ્વારા ગઝલક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર ગઝલકારને પ્રતિવર્ષ વલી ગુજરાતી ઍવૉર્ડ આપવામાં આવે છે.
હ્યુમન સોસાયટી ઑવ્ ઇન્ડિયા (નડિયાદ) દ્વારા વિવિધ સાહિત્ય સ્વરૂપને અનુલક્ષી ઍવૉર્ડ અપાય છે.
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ‘આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી ચંદ્રક’ ઈ. સ. 2011થી દર બે વર્ષે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તથા અને ક્ષેત્રોમાં સંશોધન કરનારને આપવાનું આયોજન થયું છે. આમાં રૂ. 51000નો પુરસ્કારરાશિ અને રજતચંદ્રક અર્પણ થશે.
આ રીતે ગુજરાતમાં ઉત્તમ સાહિત્યકૃતિઓને તેમ ઉત્તમ સાહિત્યકારોને વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક ચંદ્રકો, પારિતોષિકો, પુરસ્કારો, ઍવૉર્ડ અપાય છે અને એ માટે પ્રજાની તથા રાજ્યની સંસ્કારજીવનની સંભાળ લેવાની કામગીરી પ્રશસ્ય રહી છે.
ચિમનલાલ ત્રિવેદી