ગુંબજ — ઘુમ્મટ (સ્થાપત્ય) : બાંધકામના ક્ષેત્રમાં ઇમારતોની છતનો એક પ્રકાર. સાધારણ રીતે રચનાની ર્દષ્ટિએ તે ઘણું જ કૌશલ માગી લે છે. ઘુમ્મટની રચના ખાસ કરીને તેના સાદા રૂપમાં ગોળાકાર દીવાલો ઉપર કરવામાં આવે છે. જો તેને આધારિત દીવાલો સમચોરસ હોય તો નળાકાર રચનામાં ફેરવી ઘુમ્મટ માટે ગોળાકાર આધારની રચના કરવામાં આવે છે.
જ્યાં ઈંટેરી બાંધકામનો તથા પથ્થરના બાંધકામનો પ્રચાર હતો ત્યાં એક રીતે જોતાં ગુંબજ, ઘુમ્મટની રચનાની શૈલી પ્રચારમાં આવી. એક રીતે જોતાં ઘુમ્મટની રચનાની આધારભૂત શૈલી કાષ્ઠસ્થાપત્યની પ્રણાલીઓમાંથી ઉદભવેલ છે. સ્થાપત્યના ઇતિહાસમાં કાષ્ઠસ્થાપત્ય કદાચ સૌથી પ્રાચીન છે કારણ કે પથ્થર અને ઈંટોનાં બાંધકામની પ્રથાઓમાં તેની શૈલીઓના અનુકરણનાં ઉદાહરણો દરેક સંસ્કૃતિના સ્થાપત્યમાં જોવા મળે છે. પણ બૌદ્ધ ગુફાસ્થાપત્ય જે ખાસ કરીને પર્વતોમાં પથ્થર કંડારીને કરવામાં આવેલ, ત્યાં પણ કાષ્ઠસ્થાપત્યને અનુરૂપ બાંધકામનાં અંગો જોઈ શકાય છે. ઘુમ્મટની રચના દ્વારા આપણને ખરેખર સમગ્ર બાંધકામના ઇતિહાસનો ચિતાર આવે છે. સીધાસાદા નાના ઘુમ્મટોથી માંડીને બિજાપુરનો ગોળ ગુંબજ અથવા રોમના પાન્થિયૉનના ઘુમ્મટ તેમજ ફ્લૉરેન્સ કેથીડ્રલના ઘુમ્મટ સુધી આ જાતની રચના કરાઈ હશે ત્યારે માનવીય સંસ્કૃતિની બાંધકામની શૈલી માટે એક આગવી સિદ્ધિ ગણાઈ હશે જ, જે હજી સુધી મનુષ્યપ્રેરિત રચનાઓમાં તેની યાંત્રિક અને તકનીકી હરણફાળ ગણાય છે.
છતની રચના, એ માનવી માટે હંમેશ બાંધકામના ક્ષેત્રે એક મુશ્કેલ કોયડારૂપ પરિસ્થિતિ તરીકે રહેલ છે. સપાટ, ગોળાકાર, શંકુ આકાર છતની રચના દ્વારા જુદી જુદી પરિસ્થિતિમાં તે કોયડાનો ઉત્તર બાંધકામના ક્ષેત્રે શોધાયેલો છે. દરેક પ્રકારના ઇમારતી માલસામાનની પોતાની આગવી મર્યાદા હોય છે જેમાં રહીને તેનો મકાનોમાં ઉપયોગ થાય છે. ભૌમિતિક આકારો દ્વારા તેની ગોઠવણી કરવાથી ઇમારતી માલસામાનની મર્યાદામાં રહીને તેનાં વજન-ક્ષમતા તથા વિસ્તાર વધારી શકાય છે. ઈંટ, પથ્થર અને હવે કૉંક્રીટની રચનામાં ઘુમ્મટ એટલે કે ગોળાકાર છતની શૈલી આ હેતુથી પ્રચલિત થઈ છે. ઘુમ્મટની રચના ઘણી રીતે થઈ શકે છે. ઘુમ્મટની રચના પથ્થર અથવા ઈંટમાં બે રીતે થાય છે : (1) સાંધાઓ દ્વારા ગોળાઈમાં ગોઠવીને અથવા (2) પથ્થરના ઘાટ ઘડીને ગોળાઈમાં ગોઠવીને. આ બંને રચનામાં વજનક્ષમતાની દિશા ઘુમ્મટની જાડાઈને આધારે નક્કી થાય છે. ભૌમિતિક ગોળાકારને આધારે ઘુમ્મટની જાડાઈના માધ્યમ દ્વારા વજનક્ષમતાની મધ્યરેખા (ઘુમ્મટનું વજન) તેની નીચે મૂકેલા આધારોમાંથી પસાર થઈ જાય છે. આ સિદ્ધાંત અત્યંત અગત્યનો છે. જે દ્વારા ઇમારતોના વજનનું દરેક સ્તરેથી સ્થળાંતર થઈ અને છેવટે પાયામાં જાય છે.
સમયાનુરૂપ સિદ્ધિઓ સાથે તેમજ ઇમારતી માલસામાન તથા તકનીકના વિકાસ સાથે સાથે ગુંબજ બાંધવાની કળાનો પણ ખૂબ જ વિકાસ થયેલ છે અને હવે ઈંટ, પથ્થર, કૉંક્રીટ અને લોખંડ દ્વારા આની અનેક જાતની રચનાઓ શક્ય બની છે. આ દરેક રચના દ્વારા ઇજનેરી વિજ્ઞાનમાં તકનીકી જ્ઞાનનું જે વિસ્તરણ થતું જાય છે તેને અનુરૂપ ભૌમિતિક સિદ્ધાંતો તથા ઇજનેરી કૌશલની વિશેષતા બહાર આવતી જાય છે. ઐતિહાસિક ઉદાહરણોની સરખામણીમાં ગુંબજના બાંધકામ માટે હવે તેના વિસ્તારની સીમા વધતી જાય છે તેમ તેમ માલસામાનનો ઉપયોગ ઘટતો જાય છે અને તેથી પહેલાંની સરખામણીમાં ઓછા માલસામાનથી વધારે વિસ્તાર સંકલિત કરી શકાય છે. લોખંડના ઉપયોગથી અને ઇજનેરી જ્ઞાનના વિકાસથી ઇમારતી માળખાં સચોટ રીતે નિર્મિત કરી શકાય છે. આર. બી. ફુલરના ભૂગણિતીય ગુંબજો આ સદીનું મહત્વનું પ્રદાન છે.
બાંધકામનો ઇતિહાસ એક રીતે ઇમારતી તકનીકી અને કૌશલના ઇતિહાસ સાથે જોડાયેલ છે અને છત બાંધવાની કળા એ એક બાંધકામની કળાનું અગત્યનું પાસું છે. સ્થાપત્ય શૈલીઓનો ઇતિહાસ પણ ગુંબજના બાંધકામની કળા સાથે સંકળાયેલ છે.
રવીન્દ્ર વસાવડા