ગીલ, શુભમનસિંહ (જ. 8 સપ્ટેમ્બર 1999 ફઝીકા જિલ્લાનું (પંજાબ) ચકજૈમલસિંહવાલા ગામ) : ભારતીય ક્રિકેટની યુવા પ્રતિભા.
ખેડૂત પિતા લખવિંદર સિંહના પુત્ર શુભમન ગીલ નાનપણથી જ ક્રિકેટમાં રુચિ ધરાવતો હતો. ત્રણ વર્ષની ઉંમરે જ્યારે બાળકો રમકડાંથી રમતાં હોય, ત્યારે ગીલ બૅટથી રમતો. તેના પિતાને લાગ્યું કે મારો પુત્ર ક્રિકેટર થવા સર્જાયો છે અને પિતાએ પુત્રના ક્રિકેટ પ્રત્યેના આકર્ષણને આગળ વધારવા તેની સાથે રમવાનું શરૂ કર્યું અને તેઓ દરરોજ 500થી વધુ દડા નાખતા. પુત્રને વધુ સારી તાલીમ મળે તે હેતુથી શુભમનના પિતા તેની માત્ર આઠ વર્ષની ઉંમરે મોહાલી રહેવા ગયા. પરિણામે પંજાબ ક્રિકેટ ઍસોસિયેશનના સ્ટેડિયમમાં તેને પદ્ધતિસરની તાલીમ મળવા લાગી.
દરમિયાન ભારતના એક સમયના ઑલરાઉન્ડર કરસન ઘાવરીની નજર આ બાર વર્ષના ગીલની રમત પર પડી. તેની રમતથી પ્રભાવિત થઈ ઘાવરીએ 19 વર્ષની નીચેની ઉંમરના ખેલાડીઓની ટીમના ફાસ્ટ બૉલરો સામે બૅટિંગ કરવા ગીલને લઈ ગયા. નેટમાં ગીલની રમત જોઈ ઘાવરી ખૂબ જ પ્રભાવિત થયા અને તેમણે પંજાબ ક્રિકેટ ઍસોસિયેશનને વિનંતી કરી કે 12 વર્ષના આ છોકરાને 14 વર્ષથી નાની ઉંમરના ખેલાડીઓની ટીમમાં રમાડો. વર્તમાન ભારતીય ટીમના ગીલ જેવા જ પ્રભાવશાળી ક્રિકેટર અભિષેક શર્મા સાથે તેને દાવની શરૂઆત કરવા મળ્યું. બંનેએ પંજાબ તરફથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી. આંતર જિલ્લા ક્રિકેટમાં 16 વર્ષથી નાની વયના ખેલાડીઓની ટીમમાં તેણે મોહાલી તરફથી રમતાં એક મૅચમાં 351 રન કર્યા; એટલું જ નહીં, તેના બીજા સાથીદાર નિર્મલસિંહ સાથે પ્રથમ વિકેટ માટે 587 રનની વિક્રમી ભાગીદારી પણ નોંધાવી. માત્ર 14 વર્ષની વયે પંજાબ તરફથી 16 વર્ષથી નાની ઉંમરના ખેલાડીઓની ટીમ તરફથી રમતાં તેણે વિજય મર્ચન્ટ ટ્રૉફીમાં બેવડી સદી નોંધાવી.
સમયની સાથે સાથે ગીલની રમતમાં પણ દૃઢતાની સાથે આક્રમકતા પણ દેખાવા લાગી. 2016-17ની સિઝનની વિજય હજારે ટ્રૉફીમાં પંજાબ તરફથી 25 ફેબ્રુઆરી, 2017ના રોજ રમી ગીલે લિસ્ટ ‘એ’માં રમવાની શરૂઆત વિદર્ભ સામે કરી. પોતાની બીજી જ મૅચમાં આસામ સામે માત્ર 129 દડામાં 121 રન કરી પોતાની કાબેલિયતનો પરિચય આપ્યો.
લિસ્ટ એ મૅચોમાં શાનદાર પ્રદર્શનના પરિણામે ગીલને 17 નવેમ્બર, 2017માં રણજી ટ્રૉફીમાં પંજાબ તરફથી બંગાળ સામે રમવાની તક મળી અને 18 વર્ષના ગીલની પ્રથમ કક્ષાની કારકિર્દીની શરૂઆત થઈ. અહીં પણ તેણે પોતાની બીજી જ પ્રથમ કક્ષાની મૅચમાં પંજાબ તરફથી રમતાં સર્વિસીસ સામે 142 દડામાં 129 રન નોંધાવ્યા. રણજી ટ્રૉફીમાં શાનદાર શરૂઆત પછી ગીલને ઑક્ટોબર, 2018માં દેવધર ટ્રૉફીમાં રમવાની તક મળી. અહીં પણ તેણે ફાઇનલ રોબીન રાઉન્ડ મૅચમાં ઇન્ડિયા ‘એ’ સામે અણનમ સદી નોંધાવી પોતાની ટીમ ઇન્ડિયા ‘સી’ને ફાઇનલમાં પહોંચાડી. ડિસેમ્બર, 2018માં તેણે તમિલનાડુ સામેની રણજી ટ્રૉફી મૅચમાં પ્રથમ કક્ષાની પોતાની પ્રથમ બેવડી સદી (268 રન) કરી. આજ વર્ષે હૈદરાબાદ સામે રમતાં ગીલે 154 દડામાં 148 રન કરી એકલા હાથે પોતાની પંજાબની ટીમને હારથી બચાવી. આ મૅચમાં હૈદરાબાદે પંજાબને 57 ઓવરમાં 338 રનનું લક્ષ્ય આપેલ. ગીલની આ રમતના કારણે પંજાબની ટીમ 8 વિકેટે 324 રન કરી શકી પરિણામે મૅચ ડ્રો રહી.
નાનપણથી જ લીડરશિપના ગુણ ધરાવતા ગીલની રમત અને તેની વ્યૂહરચના જોઈ પસંદગી સમિતિએ ઑગસ્ટ, 2019માં દુલિપ ટ્રૉફી માટે ઇન્ડિયા બ્લૂની ટીમના સુકાની તરીકે તેની નિમણૂક કરી; એટલું જ નહીં, નવેમ્બર, 2019માં તે દેવધર ટ્રૉફીમાં પણ ઇન્ડિયા ‘સી’ ટીમનો સુકાની બન્યો. ફાઇનલમાં પોતાની ટીમના સુકાની બની તેણે વિરાટ કોહલીના સૌથી યુવાવયે સુકાની બનવાનો વિક્રમ પોતાના નામે કર્યો. કોહલીએ 21 વર્ષ 124 દિવસની વયે સુકાનીપદ સંભાળ્યું હતું, જ્યારે ગીલની ઉંમર આ સમયે 10 વર્ષ 57 દિવસની હતી.
પ્રથમ કક્ષાના ક્રિકેટના તેના શાનદાર દેખાવને પરિણામે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા માટે પણ તેની પસંદગી કરવા માટે પસંદગીકારોને વધુ ચર્ચાવિચારણા માટે તેણે અવકાશ આપ્યો નહીં. ન્યૂઝીલૅન્ડના પ્રવાસે જનારી ભારતીય ટીમમાં તેની પસંદગી બાદ શ્રેણીની ચોથી વનડેમાં 31 જાન્યુઆરી, 2019ના રોજ હેમીલ્ટનના સેડોનપાર્ક સ્ટેડિયમમાં પોતાની પ્રથમ વનડે મૅચ રમ્યો. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 19 વર્ષ 334 દિવસની ઉંમરે 204 રન કરી ભારત તરફથી સૌથી નાની વયે બેવડી સદી કરનાર શુભમન ગીલે અત્યાર સુધીની તેની વનડે કારકિર્દીમાં માત્ર 55 મૅચમાં 59 રનની સરેરાશથી 2775 રન કર્યા છે, જેમાં 8 સદીઓ અને 15 અડધી સદી નોંધાવી છે. (9 માર્ચ, 2025 સુધી).
માત્ર પાંચ જ વર્ષની આ એકદિવસીય ક્રિકેટની કારકિર્દીમાં પણ તેણે બે વિશ્વવિક્રમ નોંધાવ્યા છે. માત્ર 50 દાવમાં 2500 રન કરનાર ગીલ વિશ્વમાં સૌથી ઝડપી 2500 રન કરનાર સૌથી ઝડપી ખેલાડી બન્યો છે તો વળી 2500થી વધુ વનડે રન કરનાર ગીલની 59.4ની સરેરાશથી વધુની સરેરાશથી કોઈ ખેલાડીએ રન કર્યા નથી. વધુમાં 18 જાન્યુઆરી, 2023ના રોજ હૈદરાબાદમાં ન્યૂઝીલૅન્ડ સામે ગીલે માત્ર 149 દડામાં 208 રન કરી સૌથી યુવાન વયે વનડેમાં બેવડી સદીનો વિક્રમ પણ પોતાના નામે કર્યો છે. હાલમાં વનડેમાં નંબર વનનું રેન્કિંગ ધરાવતા આ જમણેરી ખેલાડી ગીલે જૂન, 2024માં ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝમાં ભારતીય ટીમનું નેતૃત્વ પણ કર્યું છે.
વનડેમાં તેના શાનદાર દેખાવને કારણે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી ભારતીય ટેસ્ટ ટીમમાં તેની પસંદગી કરવામાં આવી. અહીં પણ તેણે પ્રથમ જ ટેસ્ટમાં વનડે સ્ટાઇલથી બૅટિંગ કરતાં પ્રથમ દાવમાં 8 ચોગ્ગાની મદદથી 65 દડામાં 45 રન અને બીજા દાવમાં 7 ચોગ્ગાની મદદથી 36 દડામાં અણનમ 35 રન કર્યા. પર્થ ખાતેની શ્રેણીની ચોથી ટેસ્ટમાં પણ તેણે કટોકટીના સમયે ઝડપી બૅટિંગ કરી 146 દડામાં 91 રન કરી ભારતને સિરીઝમાં વિજય અપાવ્યો. 9 જાન્યુઆરી, 2025 સુધીમાં ગીલે પાંચ સદી અને સાત અડધી સદીની મદદથી 32 ટેસ્ટમાં 1893 રન પણ કર્યા છે.
જાન્યુઆરી, 2018માં માત્ર 18 વર્ષની વયે ભારતમાં રમાતી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કલકત્તા નાઇટ રાઇટરની ટીમે ગીલને 1.8 કરોડ રૂપિયાની બોલી લગાવી પોતાની ટીમમાં સમાવેશ કર્યો. પોતાના પ્રથમ વર્ષમાં જ તેણે 203 રન કર્યા 2019માં પણ તેણે 296 રન કર્યા. આ વર્ષે તેણે ‘ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ’નો ઍવૉર્ડ પણ જીત્યો. 2020માં 440 રન કરી પોતાની ટીમ તરફથી સૌથી વધુ રન કરનાર ગીલે 2021માં 478 રન કર્યા. દરેક વર્ષે અગાઉના વર્ષથી વધુ રન કરનાર ગીલે 2021માં પોતાની ટીમને ફાઇનલ સુધી પહોંચાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. જોકે કમનસીબે ચેન્નાઈ સુપર કિંગ સામે કૉલકાતાની ટીમનો પરાજય થતાં રનર-અપ બની સંતોષ માનવો પડ્યો.
ચાર વર્ષ સુધી કલકત્તા નાઇટ રાઇડર સાથે રમનાર ગીલને 2022માં નવી બનેલ ટીમ ગુજરાત ટાઇટન્સે તેને 8 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સમાવ્યો. અહીં પણ તેણે પોતાની પરંપરા જાળવતાં અગાઉ કરતાં વધુ રન (483) કર્યા એટલું જ નહીં ગુજરાત ટાઇટન્સને તેણે રાજસ્થાન રૉયલ સામે ફાઇનલમાં વિજેતા બનાવી. 2023માં ઇન્ડિયન પ્રીમિયર ટીમના ઇતિહાસમાં બીજા નંબરના સૌથી વધુ 890 રન કરી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરનાર ખેલાડીને મળતી ઑરેન્જ કૅપ મેળવી; એટલું જ નહીં, હૈદરાબાદ સામે 101 અને બૅંગ્લોર સામે અણનમ 104 રન કરી આઈ.પી.એલ.માં રતત બે મૅચમાં બે સદી કરનાર ચોથો ખેલાડી બન્યો. આ સિઝનમાં તેણે કુલ ત્રણ સદી કરી સાથે સાથે સતત ત્રણ ફાઇનલ રમવાનો પણ તેને અવસર મળ્યો. આ વખતે પણ પોતાની ટીમને ચેન્નાઈ સુપર કિંગ સામે વિજેતા ન બનાવી શકતાં ગુજરાત ટાઇટન્સને રનર-અપથી સંતોષ માનવો પડ્યો. હાલ માત્ર 25 વર્ષની વય ધરાવતો ગીલ ક્રિકેટના દરેક ક્ષેત્રમાં પોતાનો પ્રભાવશાળી દેખાવ કરી રહ્યો છે.
જગદીશ શાહ