ગીમે, મ્યુઝિયમ (Gime Museum) (સ્થાપના : 1889, પૅરિસ, ફ્રાંસ) : ફ્રાંસમાં પૅરિસ ખાતેનું ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ, મ્યાનમાર,  તિબેટ, નેપાળ, કોરિયા અને કમ્બોડિયાની પ્રાચીન કલાનું મ્યુઝિયમ.

ફ્રાંસમાં પૅરિસ ખાતે ગીમે મ્યુઝિયમ ભારતીય કળાનો ખજાનો છે. ફ્રાંસના એક ઉદ્યોગપતિ એમીલ ગીમેએ આ મ્યુઝિયમ પૅરિસમાં શરૂ કરવા માટે 1899માં દાન આપ્યું હતું. 1997માં ગીમે મ્યુઝિયમના નવીનીકરણ માટે મ્યુઝિયમને બંધ કર્યું. 2004માં એને ફરી શરૂ કરવામાં આવ્યું. ભારતીય અને એશિયાની કળાનું આ યુરોપ ખાતેનું સૌથી મોટું મ્યુઝિયમ છે. ભારતીય અને એશિયાની કળાઓ જેમ કે કાપડ, શિલ્પ અને ચિત્રનું ગીમે મ્યુઝિયમ રિસર્ચ સેન્ટર પણ છે.

ગીમે મ્યુઝિયમમાં રહેલું એક ભારતીય શિલ્પ

ગીમે મ્યુઝિયમમાં 5500 ચોરસ મીટર જેટલી ગૅલરી સ્પેસ છે. ભારતીય કળા ઉપરાંત ગીમેમાં ચીન, નેપાળ, તિબેટ, જાપાન, કોરિયા અને મધ્ય એશિયાની પ્રાચીન કળાઓની વિવિધ કૃતિઓનો પણ ખજાનો છે. ગીમે મ્યુઝિયમમાં ચોલા શૈલીમાં બનેલું તાંબાનું ભગવાન શિવનું નટરાજના સ્વરૂપમાં એક શિલ્પ 11મી સદીનું છે.

ગીમે મ્યુઝિયમ પ્રાચીન અને મધ્યયુગની ભારતીય કળાઓનો  ખજાનો છે. શિલ્પ ભારતીય કળાનાં લઘુચિત્રો, ડેકોરેટિવ ઓબ્જેક્ટ્સ, દુર્લભ હસ્તપ્રતો પણ છે. નવા ગીમે મ્યુઝિયમમાં હેન્રી અને બ્રુનો ગોડીએ પોતાની ડિઝાઇનથી તૈયાર કરેલું ઇન્ટિરિયર છે.

આ ગીમે મ્યુઝિયમ ફ્રેંચ સરકારના હેરિટેજ વિભાગનો એક ભાગ છે.

અમિતાભ મડિયા