ગીતાંજલિ શ્રી (જ. 12 જૂન 1957, મેનપુરી, ઉત્તરપ્રદેશ) : બુકર પ્રાઇઝ વિજેતા લેખિકા. હિન્દી ભાષાનાં નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક. ગીતાંજલિ શ્રીનો જન્મ ઉત્તરપ્રદેશના મેનપુરીમાં થયો હતો. તેમના પિતા અનિરુદ્ધ પાંડે ઇન્ડિયન સિવિલ સર્વિસના અધિકારી હોવાથી ઉત્તરપ્રદેશના જુદાં જુદાં શહેરોમાં એમનું બાળપણ વીત્યું અને પ્રારંભિક શિક્ષણ પણ જુદાં જુદાં શહેરોમાં થયું. દિલ્હીની લેડી શ્રીરામ કૉલેજમાંથી સ્નાતક થયા બાદ દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ વિષય સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. વડોદરાસ્થિત એમ. એસ. યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું. હિન્દી ભાષાના વિખ્યાત સર્જક મુનશી પ્રેમચંદ વિશે પીએચ.ડી.નું સંશોધન કરતી વખતે હિન્દી સાહિત્ય પ્રત્યે લગાવ થયો. એ જ અરસામાં ગીતાંજલિ શ્રીએ હિન્દી ભાષામાં પ્રથમ વાર્તા લખી. તેમના પરિવારમાં સાહિત્ય-વાંચનનો માહોલ હતો. પિતા ઉચ્ચ અધિકારી હોવા ઉપરાંત અનેક પુસ્તકો વાંચતા હતા. તેમના માતા પણ હિન્દી સાહિત્ય ખૂબ વાંચતાં. માતા-પિતાનો વાંચનનો વારસો ગીતાંજલિ શ્રીને મળ્યો હતો. કિશોરાવસ્થાથી જ તેમનો હિન્દી સાહિત્ય સાથે પરિચય થયો હતો, પરંતુ પીએચ.ડી.ના અભ્યાસ વખતે શાસ્ત્રીય રીતે તેમણે હિન્દી સાહિત્યનો અભ્યાસ કર્યો હતો અને તેમના સાહિત્યસર્જન માટે એ અત્યંત મહત્વનું પરિબળ સાબિત થયું હતું. પ્રેમચંદ પરનું સંશોધન તેમને સાહિત્યસર્જન તરફ દોરી ગયું હતું.
1987માં પ્રથમ વાર્તા ‘બેલપત્ર’ સાહિત્યિક સામયિકમાં છપાઈ એના ચાર વર્ષ પછી 1991માં તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘અનુગૂંજ’ પ્રસિદ્ધ થયો. ત્યારબાદ તેમણે ‘વૈરાગ્ય’, ‘માર્ચ’, ‘મા ઔર સાકૂરા’, ‘યહાઁ હાથી રહતે થે’ જેવા વાર્તાસંગ્રહો હિન્દી સાહિત્યને આપ્યા. તેમણે પાંચ નવલકથાઓનું સર્જન કર્યું છે. 2000ના વર્ષમાં આવેલી ‘માઈ’ નવલકથાથી હિન્દી સાહિત્યમાં તેમને ઓળખ મળી. ‘માઈ’ નવલકથાનો અંગ્રેજી, સર્બિયન, કોરિયન, ફ્રેન્ચ, જર્મન જેવી ભાષાઓમાં અનુવાદ થયો હતો. એના અંગ્રેજી અનુવાદને ‘સાહિત્ય અકાદમી–દિલ્હી’નું ટ્રાન્સલેશન પ્રાઇઝ મળ્યું હતું. તેમની ‘હમારા શહર ઉસ બરસ’, ‘તિરોહિત’, ‘ખાલી જગહ’ જેવી નવલકથાઓ પણ ખૂબ વખણાઈ હતી. ગીતાંજલિ શ્રીની પાંચમી હિન્દી નવલકથા ‘રેત સમાધિ’ 2018માં પ્રસિદ્ધ થઈ હતી. અમેરિકન લેખિકા ડેઈઝી રોકવેલે ‘ટૂમ ઑફ સેન્ડ’ નામથી આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો, જેને 2022માં પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ એનાયત થયું હતું. બુકર પ્રાઇઝ મેળવનારી આ હિન્દી ભાષાની પ્રથમ નવલકથા છે. ‘રેત સમાધિ’માં 80 વર્ષની એક મહિલાના મુખ્યપાત્ર આસપાસ કથાનું કેન્દ્રબિંદુ છે. તેના સંઘર્ષમય જીવનનો ચિતાર નવલકથામાં આલેખાયો છે. એ મહિલા પાકિસ્તાન જાય છે અને ભાગલાના કારણે ભોગવેલી પીડાનો ઉકેલ લાવવા મથે છે. દીકરી, બહેન, માતા, મહિલા અને નારીવાદી હોવાનો શું અર્થ છે એ સવાલોના જવાબો શોધવાની કોશિશ નવલકથામાં થઈ છે. નવલકથામાં માર્મિક અને સંવેદનશીલ શબ્દોમાં મહિલાની મનઃસ્થિતિ વર્ણવાઈ છે.
ગીતાંજલિ શ્રીએ સાહિત્યસર્જન ઉપરાંત નોંધપાત્ર સંશોધનાત્મક લેખન પણ કર્યું છે. મુનશી પ્રેમચંદનું ચરિત્રલેખન ઉપરાંત તેમણે પ્રેમચંદના સાહિત્યસર્જન પર લખેલો વિવેચનગ્રંથ હિન્દી સાહિત્યના સંશોધકો માટે પ્રમાણભૂત ગણાય છે. બુકર પ્રાઇઝ સિવાય ઘણાં સાહિત્ય સન્માનો તેમને મળી ચૂક્યાં છે. 2000-2001માં ‘હિન્દી સાહિત્ય અકાદમી’એ ગીતાંજલિ શ્રીને શ્રેષ્ઠ સાહિત્યકાર પુરસ્કાર આપ્યો હતો. ઇન્દુ શર્મા કથા ઍવૉર્ડ, દ્વિજદેવ પુરસ્કાર જેવા હિન્દી સાહિત્યનાં પ્રતિષ્ઠિત સન્માનો તેમને મળ્યાં છે. બુકર પ્રાઇઝ મેળવ્યા પછી તેમણે સંબોધન વખતે કહ્યું હતું : મારી આ નવલકથા સિવાય હિન્દી સહિત અન્ય દક્ષિણ એશિયાની ભાષાઓમાં ખૂબ સમૃદ્ધ સાહિત્ય સર્જાયું છે. એ ભાષાઓના ઉત્તમ સર્જકો વિશે જાણીને વૈશ્વિક સાહિત્ય વધારે સમૃદ્ધ થશે.
હર્ષ મેસવાણિયા