ગિશ, લિલિયન (જ. 14 ઑક્ટોબર 1899, સ્પ્રિંગફિલ્ડ, ઓહાયો; અ. 27 ફેબ્રુઆરી 1993, મેનહટ્ટન) : મૂક ચલચિત્રોના સમયગાળાની મહત્વની અમેરિકન અભિનેત્રી. તેની કારકિર્દીનો આરંભ બાળ સિને અભિનેત્રી તરીકે થયો. યુવાન ઉંમરે તેણે તે ગાળાના મેધાવી દિગ્દર્શક ડી. ડબ્લ્યૂ. ગ્રિફિથની જાણીતી સિનેકૃતિઓ ‘બર્થ ઑવ્ એ નેશન’ (1915), ‘હાર્ટ ઑવ્ ધ વર્લ્ડ’ (1918), ‘ટ્રુ હાર્ટ સૂઝી’ (1919), ‘ઑર્ફન્સ ઑવ્ ધ સ્ટૉર્મ’(1922)માં નાયિકાના મુખ્ય પાત્રમાં અભિનય કર્યો. ‘હાર્ટ ઑવ્ ધ વર્લ્ડ’માં પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન આક્રમણકારો દ્વારા ફ્રાન્સના જીતી લેવાયેલા વિસ્તારના એક ગામડાની તત્કાલીન વ્યથા નિરૂપેલી છે.
દિગ્દર્શક ડી. ગ્રિફિથની ત્યારબાદની સિનેકૃતિ ‘બ્રોકન બ્લૉસમ્સ’- (1919)માં અભિનેત્રીની અભિનયક્ષમતાનો પૂરી રીતે ઉપયોગ કરી ગ્રિફિથે માનસિક દર્દથી પીડાતી સુકોમળ યુવતી તરીકે સબળ અભિનય કરાવ્યો. ‘વે ડાઉન ઈસ્ટ’(1920)માં પણ આ યુવાન અભિનેત્રીએ થીજીને બરફ થઈ ગયેલ નદીના સ્થળ પરના ફિલ્માંકન દરમિયાન એક વાર તો પોતાની જિંદગીને પણ જોખમમાં મૂકી હતી.
ગ્રિફિથની જાણીતી સિનેકૃતિ ‘ઇન્ટૉલરન્સ’માં તે દિગ્દર્શકની સહાયક નિર્દેશિકા પણ બની રહ્યાં તથા આંશિક રીતે સિને સંકલનના કાર્યમાં પણ દિગ્દર્શક ગ્રિફિથને સહાય કરી.
તે પછી મેટ્રો ગોલ્ડવિન મેયર કંપનીની કેટલીક ફિલ્મોમાં પોતાની કારકિર્દીનો શ્રેષ્ઠ અભિનય આપ્યો; જેમાં ‘વ્હાઇટ સિસ્ટર્સ’ (1923), ‘સ્કારલેટ લેટર્સ’ (1926); અને ‘વિન્ડ’ (1928) મુખ્ય ગણાવી શકાય.
સવાક્ ચલચિત્રોના પ્રારંભના દાયકા દરમિયાન કેટલીક જાણીતી સવાક્ ફિલ્મોમાં તેણે ફરી અભિનય આપ્યો. આ ફિલ્મો હતી પ્રસિદ્ધ નિર્માતા કિંગનિડોરની ‘ડ્યૂએલ ઇન ધ સન’ (1946), ‘નાઇટ ઑવ્ ધ હન્ટર’ (1955) અને ‘અન્ફરગિવન્સ’ (1960). તે ઉપરાંત ‘ફોલો મી બૉઇઝ’ (1966), ‘વૉર્નિંગ શૉટ’ (1967), ‘ધ કૉમેડિયન્સ’ (1967), ‘એ વેડિંગ’ (1978), ‘સ્વીટ લિબર્ટી’ (1986), ‘ધ વ્હેલ્સ ઑવ્ ઑગસ્ટ’ (1987) તેનાં નોંધપાત્ર ચિત્રો છે.
તેણે પોતાની આત્મકથા ‘મૂવીઝ, મિ. ગ્રિફિથ ઍન્ડ મી’ નામે લખેલ છે. 1970ના વર્ષમાં ગિશ લિલિયનને ‘સ્પેશિયલ ઑસ્કાર ઍવૉર્ડ’ એનાયત કરીને તેમનું યોગ્ય સન્માન કરાયું હતું.
ઉષાકાન્ત મહેતા