ગિલ્બર્ટ (ગિલબર્ડ), વિલિયમ (જ. 24 મે 1544, કૉલચેસ્ટર, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 10 ડિસેમ્બર 1603, કૉલચેસ્ટર) : ચુંબકશાસ્ત્ર- (magnetism)માં સંશોધનની પહેલ કરનાર અંગ્રેજ તબીબ. કૉલચેસ્ટરના વિલિયમ તરીકે પણ ઓળખાય છે. રાણી ઇલિઝાબેથ પહેલાંના શાસનકાળમાં ખૂબ વિખ્યાત વિજ્ઞાની તરીકે જાણીતા હતા. તબીબી શિક્ષણ લીધા પછી લંડનમાં ઠરીઠામ થઈ, ગિલબર્ટે 1573માં તબીબી વ્યવસાય શરૂ કર્યો. ચુંબકીય પદાર્થો તેમજ વૈદ્યુત આકર્ષણ વિશેના તેમના સંશોધનનો સંપૂર્ણ અહેવાલ ‘દ મૅગ્નેત’ (1600) નામના તેમના મુખ્ય સંશોધનલેખમાં જોવા મળે છે. વર્ષો સુધી કરેલા પ્રયોગો ઉપરથી તેમણે એવો નિષ્કર્ષ તારવ્યો કે સમક્ષિતિજ સમતલમાં ફરતી કંપાસ સોય, ઉત્તર-દક્ષિણ ચીંધે છે, જ્યારે ઊર્ધ્વ સમતલમાં પરિભ્રમણ
કરતી સોય ઊભી રહેવાને બદલે ઢળતી રહે છે (dips down). કારણ કે પૃથ્વી એક મોટી ચુંબકપટ્ટી(bar magnet)ની જેમ વર્તે છે. વૈદ્યુત આકર્ષણ, વૈદ્યુત બળ અને ચુંબકીય ધ્રુવ જેવા શબ્દોનો પ્રયોગ કરનાર તે પ્રથમ હતા. વળી પદાર્થનું વૈદ્યુતક (electrics) તરીકે એટલે કે સ્પાર, કાચ, અંબર અને અવૈદ્યુતક (nonelectrics) તરીકે વર્ગીકરણ કરનાર પણ તે સૌપ્રથમ હતા. આ કારણે તેમને ઘણી વાર વૈદ્યુત અભ્યાસના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વના બંધારણ અંગે તે આધુનિક ખ્યાલ ધરાવતા હતા અને પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે તેવા કોપરનિકસના મત સાથે સંમત હતા. વળી તેમણે સ્થાપિત કર્યું કે સ્થિર તારા(fixed stars)નું પૃથ્વીથી અંતર હંમેશાં સરખું રહેતું નથી અને ગ્રહો એક પ્રકારના ચુંબકત્વને કારણે તેમની કક્ષામાં ઘૂમતા હોય છે તેમ પણ તેમનું માનવું હતું.
1601માં ગિલ્બર્ટની નિમણૂક રાણી ઇલિઝાબેથ પહેલાંના તબીબ તરીકે થઈ હતી અને તેના અવસાન બાદ 1603માં તે રાજા જેમ્સ પહેલાના તબીબ તરીકે નિયુક્ત થયા હતા.
તેમના ભાઈ દ્વારા સંપાદિત મરણોત્તર પ્રકાશન ‘એ ન્યૂ ફિલૉસૉફી ઑવ્ અવર સબલ્યૂનર વર્લ્ડ’ (1651) હતું.
એરચ મા. બલસારા