ગિલગિટ : કાશ્મીર રાજ્યનો પણ હાલ પાકિસ્તાન હસ્તકનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 35° 55´ અને 74° 18´ પૂ. રે.. તે કહેવાતા આઝાદ કાશ્મીરનો ભાગ છે. તેના ગિલગિટ એજન્સી અને ગિલગિટનું દેશી રાજ્ય (વજીરાત) એવા બે ભાગ છે. એજન્સીનો વિસ્તાર 39,326 ચોકિમી. છે. વસ્તી આશરે 2.1 મિલિયન (2023).
ગિલગિટની દક્ષિણે સિંધુ નદી અને પાકિસ્તાન, જ્યારે ઉત્તર તરફ ભૂતપૂર્વ સોવિયેટ રાજ્યનો રશિયન તુર્કસ્તાન (તુર્કમેનિયા), પૂર્વ તરફ ચીનનો સિક્યાંગ પ્રાંત અને તિબેટ અને પશ્ચિમે અફઘાનિસ્તાન છે. આ પ્રદેશનું મુખ્ય શહેર ગિલગિટ હુંઝા અને ગિલગિટ નદીના સંગમ ઉપર આવેલું છે. તે 4540 મી. ઊંચા બાલુસર ઘાટ દ્વારા શ્રીનગર સાથે અને સિંધુ નદીના માર્ગ દ્વારા પાકિસ્તાન સાથે જોડાયેલું છે. પાકિસ્તાન રેલવેનું હસન અબદલ સ્ટેશન 400 કિમી. દૂર છે.
સિંધુ, ગિલગિટ, હુંઝા વગેરે નદીઓની ખીણ સિવાયનો પ્રદેશ પહાડી છે. 5490થી 7930 મી. ઊંચાં 32 શિખરો છે. હવામાન સૂકું અને આરોગ્યપ્રદ છે. શિયાળો સખત છે. વરસાદ થોડો પડે છે પણ ઉનાળામાં બરફ પીગળતાં ખેતી માટેનું પાણી મળે છે.
2100થી 4400 મીટરની ઊંચાઈએ જુનિપર, ફર, સિલ્વરબર્થ, પૉપ્લર, સીડાર, પાઇન વગેરે વૃક્ષો છે. તેથી વધારે ઊંચાઈએ ઘાસનાં મેદાનો છે. જેમાં આઇલેક્સ, મારખોર(જંગલી બકરો), બરફમાં વસતું ઔંસ (જંગલી બિલાડો), જંગલી કૂતરો, રીંછ વગેરે પ્રાણીઓ અને ગ્રે પોટ્રિજ, બરફવાસી કૂકડો, જંગલી બતકો વગેરે પક્ષીઓ ઘણી સંખ્યામાં જોવા મળે છે. ઘાસનાં મેદાનોમાં જંગલી ઘેટાં, બકરાં વગેરે છે.
લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. ઘઉં, જવ, મકાઈ, રાઈ તથા બરછટ અનાજ ઉપરાંત પીચ, નાસપાતી, અખરોટ, દાડમ, જરદાળુ વગેરે ફળો થાય છે. નદી તથા બરફના ઓગળેલા પાણીથી ખેતી થાય છે. નદીની રેતમાંથી સોનું મળે છે. લોકો ઊનનાં કપડાં વણે છે.
દાર્દ જાતિના લોકો પૈશાચી ભાષા બોલે છે. અગાઉ ગિલગિટ બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. આ પ્રદેશનો શ્રીબાદલ છેલ્લો હિંદુ રાજા હતો. ત્યારબાદ અહીં મુસ્લિમ શાસન સ્થપાયું હતું. લોકો હાલ ઇસ્લામ ધર્મ પાળે છે. ગિલગિટ નદી ઉપરનો કિલ્લો અને ઝૂલતો પુલ જોવાલાયક છે.
1842થી પાંચ વરસ સુધી તે શીખ રાજ્ય નીચે હતું. 1846થી ડોગરા જાતિના રાજા ગુલાબસિંહે તે કબજે કરેલું. 1934માં રશિયાના ભયના કારણે ગિલગિટ એજન્સીનો આદિવાસી વિસ્તાર ભારતમાંની અંગ્રેજ સરકારે કાશ્મીર રાજ્ય પાસેથી ભાડાપટ્ટે લઈને અહીં લશ્કરી થાણું સ્થાપ્યું હતું. પાંચ રાજ્યોની સરહદ અહીં ભેગી થતી હોવાથી તેની વ્યૂહાત્મક અગત્ય ઘણી છે. આ પ્રદેશનો ચીનની સરહદ નજીકનો કારાકોરમ ઘાટ નજીકનો પ્રદેશ પાકિસ્તાને ચીનને આપ્યો છે.
શિવપ્રસાદ રાજગોર