ગિરિ, રામચંદ્ર (જ. 1905, તુરા, ગારો હિલ્સ) : નેપાળી સાહિત્યકાર. તેમના ‘સમાજદર્પણ’ નામના મહાકાવ્યને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ નાના હતા ત્યારથી જ આઝાદીના આંદોલનમાં જોડાયા હતા. રાષ્ટ્રીય નવચેતનાના પગલે શાળાકીય અભ્યાસ છોડી દઈ તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં આવી વસ્યા હતા. અહીં તેઓ સંસ્કૃત તથા કાંતણ શીખ્યા. આસામ પાછા ફરીને તેમણે નેપાળી સમાજમાં સામાજિક સેવાકાર્ય ઉપાડી લીધું; એવા જ કાર્ય માટે તેઓ મ્યાનમાર પણ ગયા. પાછળથી તેમણે મૅટ્રિક્યુલેશન તથા વિનયનમાં ઇન્ટરમિડિયેટ સુધીનો અભ્યાસ કર્યો. 1933થી નિવૃત્તિ (1968) સુધી તેમણે દાર્જિલિંગ ખાતેની સરકારી શાળામાં શિક્ષણકાર્ય કર્યું.
તેમણે 1926થી પોતાના કવિજીવનનો પ્રારંભ કર્યો અને ‘કરુણ ક્રન્દન’ નામનો પ્રથમ સંગ્રહ પ્રગટ કર્યો છે. તેમના અન્ય સંગ્રહોમાં ‘ભાવના’, ‘દેશભક્તિ’ તથા ‘નેપાળી ભાષા’નો સમાવેશ થાય છે. દાર્જિલિંગ ખાતેની નેપાળ અકાદમીએ ભાનુભક્ત પુરસ્કાર જેવા બહુમાનથી તેમનું સન્માન કર્યું છે.
‘સમાજદર્પણ’ 104 શ્લોકોના 8 સર્ગોવાળું મહાકાવ્ય છે. તેમાં સમકાલીન મધ્યમવર્ગીય પરિવારના ચઢાવ-ઉતારનું યથાર્થ નિરૂપણ છે. સામાજિક પ્રતિબદ્ધતા, વર્ણનશૈલીની સુંદરતા તથા પ્રવાહી છંદોમયતા જેવી વિશેષતાઓને કારણે તે નેપાળી સાહિત્યમાં મહત્વની કૃતિ લેખાય છે.
મહેશ ચોકસી