ગિરિનિર્માણ, ગિરિનિર્માણ ભૂસંચલન

January, 2010

ગિરિનિર્માણ, ગિરિનિર્માણ ભૂસંચલન : લાખો વર્ષના સમયગાળા દરમિયાન થયેલી પર્વતરચના. ગિરિનિર્માણ ભૂસંચલન એ પર્વતરચનાની એવા પ્રકારની તબક્કાવાર ઘટના છે, જેમાં વિવિધતાવાળાં વિરૂપક બળોની અસર હેઠળ પર્વત-હારમાળાઓનું ઉત્થાન થાય છે અને તેના પરિણામસ્વરૂપ ઘનિષ્ઠ રીતે વિરૂપતા પામેલા જાતજાતની ગેડવાળા, સ્તરભંગ તેમજ ધસારા રચનાવાળા ખડકપટ્ટાઓની રચના થાય છે. પૃથ્વીના પટ પર જોવા મળતાં હિમાલય, આલ્પ્સ, અરવલ્લી, ઍપેલેશિયન, રૉકીઝ અને ઍન્ડીઝ પર્વત સંકુલો તેમની પ્રારંભિક સ્થિતિમાં તો ભૂસંનતિમય વિરાટ ગર્તમાં ઘણા લાંબા સમય સુધી જામતા ગયેલા જળકૃત નિક્ષેપો જ હતાં. તેમની જાડાઈ વધી જવાથી થયેલા આત્યંતિક બોજને કારણે ભૂસંચલનજન્ય ઉત્થાન થયેલાં છે અને તેમાંથી વિશાળ ભૂમિસ્વરૂપો પરિણમેલાં છે. મહાસાગર તળ ઉપર જામેલા શ્રેણીબદ્ધ સ્તરો પૈકીના નીચલા સ્તરવિભાગો પર ઊંડાણની પરિસ્થિતિ મુજબ ખડકોમાં વિકૃતિની વિવિધ કક્ષાઓ ઉદભવેલી છે. આ ઉપરાંત, દાબ અને તાપમાનના સંજોગો મુજબ અંતરિયાળના નિક્ષેપજથ્થાઓનું મૅગ્મામાં રૂપાંતર પણ થયેલું છે અને ગ્રૅનાઇટ બંધારણવાળાં અંતર્ભેદનોની રચના થયેલી છે.

ગિરિનિર્માણ ભૂસંચલનજન્ય ઘટના લાંબા ગાળાની ઘટના ગણાય છે. એટલે કે તે લાખો વર્ષોનો કાળગાળો આવરી લે છે. ભૂસંચલન દરમિયાન એક કરતાં વધુ મહત્તમ તીવ્રતાવાળા તબક્કા થતા રહે છે. મહત્તમ આંદોલનોની અગાઉ અને પછીથી પણ ગૌણ તબક્કા તો થતા જ રહે છે. જેમ કે એશિયા અને યુરોપમાં ટર્શિયરી કાળમાં થયેલી હિમાલયન અને આલ્પાઇન ગિરિનિર્માણક્રિયાનો ખરેખર પ્રારંભ જુરાસિકથી થયેલો અને હજી આજે પણ તે ચાલુ જ છે. જુદા જુદા નિષ્ણાતોનાં મંતવ્યો મુજબ, હિમાલયન અને આલ્પ્સ ગિરિનિર્માણ ભૂસંચલનના ચાર કે પાંચ તબક્કામાં થયેલું છે અને તેમના વધુ ઉત્થાન માટેના ભાવિ તબક્કાની પૂરેપૂરી શક્યતા છે.

ગિરિનિર્માણ ઘટનાઓ અને તેમના કાળગાળા

કાળ બ્રિટન વાયવ્ય યુરોપ ઉત્તર અમેરિકા આફ્રિકા દક્ષિણ અમેરિકા ઑસ્ટ્રેલિયા ભારત
પ્લાયોસીન

માયોસીન

ઓલિગોસીન

ઇયોસીન

લ્પા

સા

ડે

નિ

લ્પા

હિ

મા

પેલિયોસીન

ક્રિટેશિયસ

લારામાઇડ ઍન્ડિયન
જુરાસિક ક્રિમેરિયન (કિમેરિક) આફ્રિકન

ભૂશિરનું ગેડીકરણ

ટ્રાયસિક પર્મિયન

કાર્બોનિફેરસ

વેરીસ્કન (હર્સિનિયન) ઍપેલેશિયન
ડેવોનિયન

સાઇલ્યુરિયન

ઑર્ડોવિસિયન

કૅલિડોનિયન એકેડિયન

ટેકોનિક

ટસ્માન
કૅમ્બ્રિયન
પ્રિ

 

ક્રે

 

 

મ્બ્રિ

 

 

 

કા

 

 

ગા

 

ળો

પ્રારંભિક

કેલિડોનિયન

(ચર્નિયન ?)

વિશિતા મોઝામ્બિકિયન

દમારન

પશ્ચાત્ કટાન્ગન

એડેલેડ
ગૉથિક ગ્રેનવિલે

બેલ્ટિયન

ગ્રેટબેર સરોવર

કારાગ્વે અંકોલા

ઉબેન્ડિયન

તર્કવારન

સાતપૂડા
કારેલિયન

સ્વેકોફેનિયન

 

હડસનિયન

હ્યુરોનિયન

ટોરો
મરીઅલ્બિયન
 

સ્કોરિયન

 

સામિયન

 

નિમ્ન-લૉરેન્શિયન

(યેલોનાઇફ)

 

નૂતન સ્વાઝીલૅન્ડ

ડેહોસિયન

      અ

લ્લી

 

 

 

 

ઊર્ધ્વ ધારવાર

નિમ્ન ધારવાર

(પ્રિ-સ્કોરિયન) યુક્રેનિયન નિમ્ન સ્વાઝીલૅન્ડ

4.6 અબજ વર્ષના ભૂસ્તરીય ઇતિહાસ દરમિયાન પૃથ્વીના પટ પર આવી ઘણી નાનીમોટી ગિરિનિર્માણની ઘટનાઓ ઘટેલી છે અને ઘણા પ્રદેશો ઓછી-વધતી રચનાત્મક અસર હેઠળ આવેલા છે. પ્રત્યેક પર્વતરચનાના નિર્માણ બાદ તે ઘસારા અને ધોવાણનાં પરિબળોને પરિણામે જુદાં જુદાં ભૂમિસ્વરૂપોમાં ફેરવાતી રહી છે. ભૂસંચલનક્રિયાને કારણે પરિણમેલા આવાં બધાં જ પર્વતસંકુલોના પ્રદેશો પૃથ્વી પરના નબળા વિસ્તારો ગણાય છે, જે પૈકીના કેટલાક ભૂકંપના જોખમવાળા છે. ભારતના સંદર્ભમાં જોતાં અરવલ્લી પર્વતમાળાની ભૂસંચલન-ઘટના જૂનામાં જૂની (170 કરોડ વર્ષ જૂની) અને હિમાલય પર્વત-માળાની ભૂસંચલન-ઘટના નવામાં નવી (5 કરોડ વર્ષ પૂર્વે શરૂ થયેલી) છે. આલ્પ્સ પર્વતમાળા હિમાલયની સમકાલીન છે.

સાથેની સારણીમાં દર્શાવેલી વિવિધ ભૂસંચલન ઘટનાઓ પૈકી ભારતમાં થયેલું અરવલ્લી ગિરિનિર્માણ (પ્રિ-કૅમ્બ્રિયન કાળ), ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડમાં થયેલું કૅલિડોનિયન ગિરિનિર્માણ (સાઇલ્યુરો- ડેવોનિયનકાળ), યુરોપ-જર્મનીમાંનું હર્સિનિયન ગિરિનિર્માણ (કાર્બો-પર્મિયનકાળ) અને યુરોપ-એશિયાના વિસ્તારોને આવરી લેતું આલ્પાઇન-હિમાલયન ગિરિનિર્માણ (ટર્શિયરીકાળ) મુખ્ય ગણાય છે.

આવાં ભૂસંચલનોને કારણે મહાસાગરોને સ્થાને ભૂમિસ્વરૂપોમાં ફેરવાતી પર્વતમાળાઓનો ઉદભવ પૃથ્વી પર પર્યાવરણના અનેકવિધ ફેરફારો લાવી મૂકે છે. પરિણામે કેટલાંક જીવનસ્વરૂપો નામશેષ થઈ જાય છે, તો નવાં પણ અસ્તિત્વમાં આવે છે. આમ ઉત્ક્રાંતિને વેગ મળે છે. આ જ કારણે ભૂપૃષ્ઠની બહોળા પાયા પર થતી પુનર્ગોઠવણીને પરિણામે ક્યારેક ખંડીય કે અધ:ખંડીય ભૂમિજથ્થાઓનું ઉત્થાન (ઊર્ધ્વગમન) કે અવતલન (અધોગમન) થાય, તે પ્રકારના ભૂસંચલનને ખંડનિર્માણ ભૂસંચલન કહેવાય છે. આ પ્રકારનાં ભૂસંચલન મોટે ભાગે સમલક્ષણીય ભૂમિભાગોની રચના કરે છે. જેમાં થોડા પ્રમાણમાં પ્રાદેશિક નમન, વીંટળાવાની પ્રાદેશિક ક્રિયા કે ભંગાણની ક્રિયા થઈ શકે ખરી.

ગિરીશભાઈ પંડ્યા