ગિરનારા, દયાશંકર વસનજી (જ. 1864, જૂનાગઢ; અ. 27 નવેમ્બર 1909, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિના અભિનેતા. માતાનું નામ વ્રજકુંવર હતું. એમના ઘરનું વાતાવરણ ધાર્મિક હતું. તે પાંચ વર્ષની નાની વયે હલકદાર કંઠે ભજનો ગાતા. સાત વર્ષની વયે શાળાપ્રવેશના પ્રથમ દિને એમણે સુરદાસનું પદ ‘પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો’ આંસુ સાથે ગાયેલું. શિક્ષકે એમને ખૂબ બિરદાવેલા. અગિયાર વર્ષની વયે એમણે ચાર ધોરણ પૂરાં કર્યાં. મોસાળમાં રહેતા દયાશંકરે કુટુંબને આર્થિક રીતે મદદ કરવા જૂનાગઢ રાજ્યના વિભાગીય પોલીસવડાની કચેરીમાં ગુજરાતીમાં હેવાલ લખવાનું કામ સ્વીકાર્યું. દયાશંકર સવારે વહેલા ઊઠી યજમાનવૃત્તિ કરવા જાય, પછી પોલીસ કચેરીએ કામ કરે અને રાત્રે ‘રામભાઉ’ નાટક મંડળમાં નટ તરીકે બાળભૂમિકા ભજવે. રંગભૂમિ ઉપરનું તેમનું આ પહેલું પગરણ હતું. 1875માં જૂનાગઢના નવાબ ખાનબહાદુર બહાદુરખાનજીએ તેમનો અભિનય જોઈ ઇનામ પણ આપેલું.
વધુ કમાણી માટે તે પોતાની માતા તથા મામા સાથે મુંબઈ ગયેલા. અહીં ‘નીતિદર્શક’ નાટક સમાજમાં રૂપિયા આઠના પગારે નોકરી મળી. ‘કામસેન રસિકા’ નાટકમાં તે મુખ્ય નાયિકા રસિકાનો અભિનય કરતા ત્યારે તેમનો રૂપાળો દેખાવ જોઈ પ્રેક્ષકો આફરીન થઈ જતા. આ કંપનીમાં એમને રૂપિયા 120 સુધીનો પગાર તેમજ દાદાભાઈ થૂથી જેવા કુશળ દિગ્દર્શકની તાલીમ મળ્યાં.
શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળીની સ્થાપના 1889ની અક્ષય તૃતીયાના દિને થઈ. આ મંડળીના તે પ્રથમ સ્થાપક, ભાગીદાર, મૅનેજર, દિગ્દર્શક અને સારા નટ હતા. ‘કરણઘેલો’ નાટકમાં તેમણે માધવમંત્રીના પાઠમાં ગાયેલું ગીત : ‘અજબ પ્રાંત ગુજરાત, વાત શાહ શી રીતે વર્ણાય’ (રાગ ધન્યાશ્રી) ઘણું વખણાયેલું, 1900માં ‘વિક્રમચરિત્ર’ નાટકમાં વિક્રમરાજાની ભૂમિકા કુશળતાપૂર્વક ભજવેલી. એમનો જાજરમાન દેખાવ રંગમંચ પર પ્રભાવ ઊભો કરતો. બાપુલાલ, જયશંકર તેમજ મોહન લાલા જેવા નટોને આગળ વધવામાં પ્રેરણા આપનાર આ તે ઉદારદિલ કલાકાર હતા.
દિનકર ભોજક