ગિબ્સન રણ : ઑસ્ટ્રેલિયા ખંડનો મરુભૂમિવાળો પશ્ચિમ ભાગ. ભૌગોલિક સ્થાન : 24° 30´ દ. અ. અને 126° 00´ પૂ. રે.. વિસ્તાર : 2,20,000 ચોકિમી.. તે ઉચ્ચસમભૂમિ અને રણપ્રદેશોથી છવાયેલો છે. અતિપ્રાચીન અવિચળ ભૂમિભાગ (shield) ધરાવતો અર્ધ ઉપરાંતનો પશ્ચિમ ભાગ કવાર્ટ્ઝાઇટ ખડકોનો બનેલો છે. પશુપાલન અને ખેતીની સુવિધા ધરાવતા આ ભૂમિભાગમાં ત્રણ મોટા મરુભૂમિના વિસ્તારો પણ આવેલા છે, જેમાં ગ્રેટ સૅન્ડીરણ, ગિબ્સન રણ અને ગ્રેટ વિક્ટોરિયા રણનો સમાવેશ થાય છે. ગિબ્સન રણની મધ્યમાંથી મકરવૃત્ત પસાર થાય છે. ગિબ્સન રણમાં માનવવસ્તીનું પ્રમાણ તેમજ શહેરોનું પ્રમાણ બિલકુલ નથી. અહીં સુવર્ણક્ષેત્રોનું સંશોધનકાર્ય હાથ ધરાયું છે.
મહેશ ત્રિવેદી