ગિબન, એડવર્ડ (જ. 27 એપ્રિલ 1737, પટની, લંડન; અ. 16 જાન્યુઆરી 1794, લંડન) : અઢારમી સદીના સુપ્રસિદ્ધ અંગ્રેજ ઇતિહાસકાર. ઑક્સફર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીજીવન બાદ તેમણે બે વર્ષ (1763-1765) યુરોપનું પરિભ્રમણ કર્યું. રોમન સામ્રાજ્યના અવશેષો વચ્ચે ફરતાં તેમને ઇતિહાસ લખવાની પ્રેરણા થઈ. ગ્રીક, રોમન, પૌરત્સ્ય, ઈરાની, બાઇઝેન્ટાઇન, મુસ્લિમ વગેરે સંસ્કૃતિઓના વિશદ અભ્યાસના પરિપાક રૂપે તેમણે પોતાનો અજોડ ગ્રંથ ‘ધ ડિક્લાઇન ઍન્ડ ફૉલ ઑવ્ રોમન એમ્પાયર’ (રોમન સામ્રાજ્યનું પતન અને વિનાશ) વિશ્વને આપ્યો. છ પુસ્તકોમાં લખાયેલ આ મહાગ્રંથમાં પહેલી સદીથી માંડીને પૂર્વીય રોમન સામ્રાજ્યના પતન (1453) સુધીનો 13 સદીનો વિસ્તૃત અને ક્રમબદ્ધ ઇતિહાસ છે. ગિબને આ ગ્રંથ લખવામાં સંબંધિત પૂર્વકાલીન, સમકાલીન તથા અનુકાલીન દસ્તાવેજોની યથાર્થતાની પૂરેપૂરી ચકાસણી કરેલી હોવાથી ગ્રંથ આધારભૂત અને વાસ્તવિક બન્યો છે.

એડવર્ડ ગિબન

ગિબને પોતાના ગ્રંથમાં રોમન સામ્રાજ્યના પતનના લગભગ પ્રત્યેક પરિબળ અને પાસાની સર્વગ્રાહી અને વિશદ ચર્ચા કરેલી છે; ગ્રંથમાં રાજકીય તથા વહીવટી બાબતોનું વિવરણ વિશેષ છે અને આર્થિક, સામાજિક તેમજ સાંસ્કૃતિક બાબતોનું વિવેચન અપવાદરૂપ જ છે, તોપણ આ વિવરણ લગભગ પૂરેપૂરું વાસ્તવિક છે. ગિબને પોતાના ગ્રંથમાં ખ્રિસ્તી ધર્મસંપ્રદાયના ઉદભવ, વિકાસ તથા તેનાં સેવાકાર્યોની ઐતિહાસિક ર્દષ્ટિએ કરેલી વિસ્તૃત વિવેચના અને ખ્રિસ્તી ચર્ચ તેમજ ધર્મે રોમના સામ્રાજ્યના પતનમાં ભજવેલા ભાગની કડક ટીકા કરેલી છે. કૅથલિક તથા પ્રૉટેસ્ટન્ટ વચ્ચેના આંતરકલહને ગિબને મુસ્લિમોએ ખ્રિસ્તી ધર્મ પર ગુજારેલા ત્રાસ કરતાં પણ મોટી આપત્તિ તરીકે વર્ણવેલ છે. ગિબનના ગ્રંથનું ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, સ્પૅનિશ વગેરે ભાષાઓમાં અવતરણ થયેલું છે.

રમણલાલ ક. ધારૈયા