ગિફિન, રૉબર્ટ (સર) (જ. 12 એપ્રિલ 1837, સ્ટ્રેધાવન, લેન્કેશાયર; અ. 12 એપ્રિલ 1910, સ્કૉટલૅન્ડ) : વિખ્યાત બ્રિટિશ અર્થશાસ્ત્રી. માગના નિયમને અનુરૂપ ન હોય તેવી વસ્તુઓનો નિર્દેશ કરી તેની કિંમતોમાં થતા ફેરફારોની તે વસ્તુઓની માગ પર થતી અનુકૂળ અસરનું વિશ્લેષણ ગિફિનના નિરીક્ષણને આભારી છે. ફ્રેન્ચ યાંત્રિકી ગણિતજ્ઞ આંત્વાન-ઑગસ્તીન કૂર્નોની પ્રાથમિક રજૂઆતને આધારે પ્રો. આલ્ફ્રેડ માર્શલે વસ્તુની કિંમત અને તેની માગના સહસંબંધને વ્યક્ત કરતો માગનો સર્વસામાન્ય નિયમ રજૂ કર્યો. તેમાં કિંમત અને માગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય છે એમ પ્રતિપાદન કર્યું; પરંતુ આ પ્રકારના સહસંબંધને અપવાદજનક ગણાય તેવી વસ્તુઓનો સર્વપ્રથમ નિર્દેશ ગિફિને કર્યો અને તેથી જ આવી વસ્તુઓને ‘ગિફિન વસ્તુઓ’ તરીકે ઓળખવામાં આવે છે. ગિફિને દર્શાવેલ વિરોધાભાસી વલણ કે કોયડા (Giffen paradox) મુજબ કેટલીક વસ્તુઓની કિંમતમાં વધારો થાય ત્યારે તે વસ્તુઓની માગમાં વધારો થાય છે અને કિંમતમાં ઘટાડો થતાં તેમની માગમાં ઘટાડો થતો હોય છે. આ વલણ ‘નકારાત્મક આવક અસર’ તરીકે પણ ઓળખાય છે. શરૂઆતમાં માગના નિયમનું ખંડન કરતી આવી વસ્તુઓનું વિશ્લેષણ હવે માગના પ્રમાનક વિશ્લેષણનો ભાગ બની છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે