ગાયકવાડ, દત્તાજી કૃષ્ણરાવ (જ. 27 ઑક્ટોબર 1928, વડોદરા) : ભારતીય ક્રિકેટના જમણેરી બૅટ્સમૅન, જમણેરી ગોલંદાજ, ચપળ ફીલ્ડર અને ભારતીય ટીમના પૂર્વ સુકાની. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 1947–48માં વડોદરા તરફથી કાઠિયાવાડ સામે રમીને પ્રથમ કક્ષાની મૅચોમાં પ્રવેશ મેળવ્યો. કુલ 11 ટેસ્ટ મૅચો રમ્યા, જેમાં 1959ની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટશ્રેણીમાં ભારતીય ટીમના સુકાની હતા.
પ્રથમ કક્ષાની ક્રિકેટમાં કુલ 5587 રન, જેમાં રણજી ટ્રૉફીમાં 13 સદી સહિત 5૦ની સરેરાશથી 3૦૦૦ રન કર્યા, જ્યારે 11 ટેસ્ટ મૅચોમાં 18 રનની સરેરાશથી 341 રન નોંધાવ્યા. 1959–6૦માં મહારાષ્ટ્ર સામે વડોદરા તરફથી 249 (અણનમ) રનનો જુમલો એ એમનો સૌથી વધુ જુમલો છે. 1957–58થી 196૦–61 સુધી વડોદરાની રણજી ટ્રૉફી ટીમના સુકાની તરીકે કામગીરી કરી. સુકાની તરીકે પ્રથમ સીઝનમાં વડોદરાને રણજી ટ્રૉફી અપાવી. વિશેષે કરીને ઑફસાઇડ ફટકા લગાવતા હોવાથી તેમને આગળ વધીને કવર અને એક્સ્ટ્રા-કવર પર ડ્રાઇવ લગાવતા જોવા તે લહાવો ગણાતો હતો. વડોદરાના મહારાજાના એડીસી તરીકે કામગીરી કરી.
જગદીશ શાહ