ગામ્બિયા : ગામ્બિયા નદીના બંને કાંઠે સપાટ સાંકડી પટ્ટીરૂપે આવેલો સૌથી નાનો પશ્ચિમ આફ્રિકી દેશ. ભૌગોલિક સ્થાન : 13° 30´ ઉ. અ. અને 15° 30´ પૂ. રે.. તેની ત્રણ બાજુએ સેનેગલનો પ્રદેશ અને
પશ્ચિમે આટલાન્ટિક મહાસાગર છે. મહાસાગરથી અંદરના ભાગ સુધી વિસ્તરેલી પટ્ટી 320 કિમી. લાંબી છે. કિનારા નજીક વધુમાં વધુ પહોળાઈ 50 કિમી. છે, જ્યારે સરેરાશ પહોળાઈ 25 કિમી. છે. એલિફન્ટા ટાપુ અંદરના ભાગમાં 130 કિમી. દૂર છે. નદીનાં પૂરથી ક્ષાર ધોવાઈ જાય છે અને પૂર સાથે ઘસડાઈ આવેલ કાંપથી જમીનની ફળદ્રૂપતા વધે છે.
ગામ્બિયા નદી 1125 કિમી. લાંબી છે. ગિનીના ફૂટાજલોન નજીકથી નીકળી સેન્ટ મેરી ભૂશિર પાસે આટલાન્ટિક મહાસાગરને મળે છે. મુખ પાસે વહાણો અને સ્ટીમરો અવરોધ વિના પ્રવેશે છે. બાંજૂલ પાસે 4 કિમી. પહોળો નદીનો પટ છે. મુખ પાસે તેની પહોળાઈ 16 કિમી. છે. નદી ઉપરનું બારું કુદરતી છે.
આબોહવા ઉષ્ણ કટિબંધના ઊંચા ઘાસના મેદાન જેવી ગરમ છે. કિનારાના વિસ્તારમાં તાપમાન 18° સે.થી 32° સે. રહે છે. સહરા તરફથી વાતા પવનને લીધે વધુમાં વધુ તાપમાન 38° સે. રહે છે.
મોટા ભાગનાં જંગલો ખેતી માટે કપાઈ ગયાં છે. સવાના કે સુદાન પ્રકારના કુદરતી પ્રદેશ માફક ઊંચું ઘાસ અને છૂટાંછવાયાં વૃક્ષો જોવા મળે છે. સરકારે વનીકરણનો કાર્યક્રમ અપનાવ્યો છે. દીપડા સિવાય હિંસક પશુઓ અહીં નથી; પણ વાંદરા, બબૂન, ચિમ્પાન્ઝી, જંગલી ભૂંડ, વિવિધ પ્રકારનાં હરણો, હિપોપૉટેમસ અને કળણવાળા ભાગમાં મગરની વસ્તી છે. ઘેટાં, બકરાં, ડુક્કર અને મરઘાં પાલતુ પ્રાણી છે. નદી અને સમુદ્રમાંથી માછલી સારા પ્રમાણમાં પકડાય છે. ડાંગર, બાજરી, જુવાર, મગફળી, કસાવા, શાકભાજી મુખ્ય પાક છે. પપૈયાં, કેળાં તથા લીંબુ વગેરેની સારી પેદાશ છે. દેશની નિકાસમાં મગફળીનો 90% હિસ્સો છે.
લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. ખાદ્ય ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, પ્રવાસન ઉદ્યોગ વગેરે વિકસી રહ્યા છે. કેઓલિન અને ઇલ્મેનાઇટ સિવાય બીજાં કોઈ ખનિજો નીકળતાં નથી. નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન યુરોપના પ્રવાસીઓ આવે છે.
1958 પહેલાં નદીના જળમાર્ગનો ઉપયોગ થતો અને 1958 પછી ગામ્બિયાના મધ્યભાગને સેનેગલ સાથે જોડતો ધોરી માર્ગ બંધાયો હતો. ત્યાર બાદ રાજધાની બાંજૂલથી માનસાકોનોકો અને બાસેને જોડતા રસ્તા બંધાયા હતા.
ગામ્બિયાનું ક્ષેત્રફળ 10,689 ચોકિમી. છે. 2022 મુજબ તેની વસ્તી આશરે 25 લાખ છે.
મુખ્ય શહેર બાંજૂલ ઉપરાંત બાસે અને કુન્ટૌર નાનાં શહેરો છે. તે સિવાય કોઈ પણ ગામની વસ્તી 5000થી વધુ નથી. કુલ વસ્તી પૈકી મેન્ડિગો જાતિની વસ્તી 46% છે. 80% લોકો મુસ્લિમ ધર્મ પાળે છે. બાકીના લોકો ખ્રિસ્તી અને પ્રાચીન ધર્મ પાળે છે. અંગ્રેજી, મન્ડિન્ગો અને વોલોફ ભાષાનો લોકો ઉપયોગ કરે છે.
શિવપ્રસાદ રાજગોર