ગાબૉર, ડેનિસ (જ. 5 જૂન, 19૦૦, બુડાપેસ્ટ, હંગેરી; અ. 8 ફેબ્રુઆરી, 1979, લંડન) : હંગેરીમાં જન્મેલ ઇલેક્ટ્રિકલ ઇજનેર અને 1971ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકવિજેતા. આ પારિતોષિક તેમની હોલૉગ્રાફીની શોધ માટે મળ્યું હતું; તેમાં લેન્સનો ઉપયોગ કર્યા વગર ત્રિ-પરિમાણમાં છબી મેળવી શકાય છે અને તેના ઘણા બધા ઉપયોગ છે.
1927થી બર્લિનમાં આવેલી પેઢીમાં સંશોધન ઇજનેર તરીકે કામ શરૂ કરી ગાબૉર 1933માં નાઝી જર્મનીમાંથી નાસી છૂટ્યા અને
ઇંગ્લૅન્ડની થૉમ્સન-હ્યૂસ્ટન કંપનીમાં કામ કર્યું અને સમય જતાં બ્રિટિશ નાગરિક બન્યા. 1947માં હોલૉગ્રાફીનો વિચાર કર્યો અને પ્રકાશસ્રોતનાં પ્રણાલિકાગત ગાળણ (conventional filters) વાપરી તેની મૂળભૂત તકનીક વિકસાવી; પરંતુ આવા પ્રણાલિકાગત પ્રકાશસ્રોત વડે મળતો પ્રકાશ ખૂબ જ ઓછો કે ઝાંખો (diffuse) હોવાથી હોલૉગ્રાફી વેપારી ધોરણે શક્ય બની નહિ. છેવટે 196૦માં લેસર કિરણો શોધાતાં, તેના દ્વારા પ્રકાશતરંગોની તીવ્રતામાં પ્રવર્ધન (amplification) થતું હોવાથી, હોલૉગ્રાફી શક્ય બની. 1949માં ગાબૉર લંડનની ‘ઇમ્પીરિયલ કૉલેજ ઑવ્ સાયન્સ ઍન્ડ ટૅક્નૉલૉજી’માં જોડાયા. ત્યાં 1958માં પ્રયુક્ત ઇલેક્ટ્રૉન ભૌતિકશાસ્ત્ર(applied electron physics)ના પ્રાધ્યાપક બન્યા. તેમનાં અન્ય કાર્યમાં હાઈસ્પીડ ઑસિલોસ્કોપ, સંચારવાદ (communication theory), ભૌતિક પ્રકાશવિજ્ઞાન (physical optics) અને ટેલિવિઝનનો સમાવેશ થાય છે. તેમણે 1૦૦થી અધિક પેટન્ટ મેળવ્યા હતા. 1968માં સ્ટૅમ્ફર્ડની CBS લૅબોરેટરીમાં તેમની વૈજ્ઞાનિક તરીકે નિમણૂક થઈ હતી.
એરચ મા. બલસારા