ગાણપત્ય સંપ્રદાય : પ્રાચીન કાળથી વૈદિક લોકોમાં ચાલતી ગણપતિ-ઉપાસના. વેદોમાં બ્રહ્મણસ્પતિની અને બૃહસ્પતિની તેમજ ક્વચિત્ ઇન્દ્રની પણ, જે સ્તુતિ છે તે ગણપતિપરક સ્તુતિ છે એમ એક મત છે. ગણપતિની નિત્યનૈમિત્તિક પૂજા અન્ય વૈદિક દેવો જેટલી જ પુરાણી જણાય છે. શ્રૌતયાગોમાં દેવ તરીકે ગણપતિ નથી, નિઘંટુ નિરુક્તમાં ગણપતિનું નામ નથી એ ખરું, પણ કદાચ તે કાળમાં ગણપતિ નામનો વ્યવહાર નહિવત્ થતો હશે. બ્રહ્મણસ્પતિ અને બૃહસ્પતિ નામો વધારે પ્રચલિત હશે. અથર્વવેદમાં ગણપતિ દેવ છે અને તેમનું અથર્વશીર્ષ છે. અથર્વશીર્ષમાં વૈદિક ગણપતિનું સ્પષ્ટ સ્વરૂપ નિરૂપાયું છે. ત્યાર પછી તો ઉપનિષદોથી માંડી અત્યાર સુધી ગણપતિ-ઉપાસના અસ્ખલિત ચાલી આવે છે. પંચાયતન દેવોમાં ગણપતિ છે અને શૈવ, ભાગવત, શાક્ત, સૌર સંપ્રદાયોની જેમ ગાણપત્યોનો પણ સંપ્રદાય છે. તંત્રમાર્ગમાં ગણેશોપાસના છે. આમ આ સંપ્રદાય શૈવાદિ સંપ્રદાયો જેટલો પ્રાચીન જણાય છે.
ભારત બહાર તુર્કસ્તાન, મૉંગોલિયા, ચીન, જાપાન વગેરે પ્રદેશોમાં ગણપતિ-ઉપાસના અસ્તિત્વમાં હતી. ગણપતિનાં ગુફાશિલ્પો, ચિત્રો વગેરે આ પ્રદેશોમાં ઉપલબ્ધ થયાં છે. તિબેટમાં ગણપતિ-ઉપાસના અને ગણપતિનો વિરોધ – એ બેય વાતોનાં પ્રમાણો મળે છે. આ ઉપરથી કેટલાક વિદ્વાનોએ ગણપતિને વેદબાહ્ય લોકોના દેવ ગણ્યા અને પાછળના સમયમાં વૈદિકોએ તેમને સ્વીકાર્યા એવો પણ એક મત છે. વસ્તુત: વૈદિક અને પૌરાણિક સાહિત્યમાં ગણપતિ-પૂજા અસ્તિત્વમાં હતી.
ઋગ્વેદમાં મેધાતિથિ કાણ્વ, કણ્વ થૌર, ગૃત્સમદ, વસિષ્ઠ, શિરિમ્બિકિ ભારદ્વાજ, સનત્કુમાર અને કુસીદી કાણ્વ ઋષિઓએ બ્રહ્મણસ્પતિ, બૃહસ્પતિ અને ઇન્દ્ર સ્વરૂપે ગણપતિની સ્તુતિ કરેલી છે. અથર્વવેદમાં સ્પષ્ટ રૂપે ગણપતિ દેવ તરીકે સ્વીકારાયા છે અને ગણપતિ-અથર્વશીર્ષમાં તેમનું વ્યક્ત અને અવ્યક્ત સ્વરૂપ વર્ણવાયું છે, જે આકસ્મિક લાગતું નથી. અહીં ગણપતિ સાક્ષાત્ તત્વ છે, અન્ય દેવો કરતાં વધારે પ્રત્યક્ષ સ્વરૂપના છે. તે વાણીમાં વર્ણવી શકાય એવા મૂર્ત રૂપવાળા પણ છે, અને માત્ર ચિત્તમાં ગ્રહી શકાય એવા સૂક્ષ્મ સ્વરૂપના પણ છે. સર્વ દેવો ગણપતિનાં સ્વરૂપો છે. મૂર્તિરૂપે તે લંબોદર, ગજશીર્ષ, રક્તવર્ણ અને ચતુર્હસ્ત છે. પાશ, અંકુશ, રદ (પોતાનો જ દાંત) અને વરમુદ્રા એ તેમનાં આયુધો છે. મૂર્તિપૂજા અને ધ્યાન-સમાધિ એમ બેય પ્રકારે તેમની ઉપાસના થાય છે. પુરાણો અનુસાર તે શિવ-પાર્વતીના પુત્ર, કશ્યપ પ્રજાપતિના પુત્ર અને અયોનિજ વર્ણવાયા છે. ગાણપત્યોના ઉપસંપ્રદાયો પુરાણોત્તર કાલના લાગે છે. પુરાણોમાં ગણપતિ વિઘ્ન-નિવારક, ઇષ્ટ દેવ છે. તેમનાં વિભિન્ન સ્વરૂપોને આધારે ગાણપત્યોના જે ઉપસંપ્રદાયો થયા તેનો પ્રથમ ઉલ્લેખ આનન્દગિરિસ્વામીના શાંકર-દિગ્વિજય કાવ્યમાં મળે છે. શ્રી શંકરે આ ઉપસંપ્રદાયોના આચાર્યોનો પરાભવ કર્યાનું એ કાવ્યમાં વર્ણન છે. ગણપતિપરક અન્ય સાહિત્યમાં પણ એ ઉપસંપ્રદાયોનાં નામ મળે છે, જે આ પ્રમાણે છે :
(1) મહાગાણપત્ય સંપ્રદાય : એ સંપ્રદાયમાં ગણપતિને અનાદ્યનન્ત તત્વ માનવામાં આવ્યું છે. મહાગણપતિની મૂર્તિ રક્તવર્ણ અને દશભુજ છે.
(2) હરિદ્રા ગણપતિ સંપ્રદાય : એમાં ગણપતિ પરબ્રહ્મ મનાય છે. ગૃત્સમદ ઋષિનું સૂક્ત (ઋ. સં. 2.23) આ સંપ્રદાયનું પરમ પ્રમાણ છે. અહીં ઉપાસ્ય ગણપતિનું સ્વરૂપ પિંગલવર્ણનું અને ચતુર્ભુજ છે.
(3) ઉચ્છિષ્ટ ગણપતિ સંપ્રદાય : આ સંપ્રદાયના ઉપાસકો હેરમ્બ ગણપતિની ઉપાસના કરે છે. હેરમ્બ ડાબી સૂંઢના ગણપતિ છે. તેમની પૂજા પણ ડાબે હાથે થાય છે. આ સંપ્રદાયમાં દેવી ગણપતિની શક્તિ મનાય છે. તેમાં જાતિભેદ સ્વીકારાતો નથી અને સ્વૈરાચાર આચરાય છે, તેથી આનન્દગિરિએ તેમને વામાચારી કહ્યા છે. આ લોકો મુખે તોબરો બાંધી મંત્રજપ કરે છે. તેથી તેમના દેવતા ઉચ્છિષ્ટ ગણપતિ કહેવાય છે. ઉચ્છિષ્ટ ગણપતિ ચતુર્ભુજ અને રક્તવર્ણ હોય છે. આ સંપ્રદાય લુપ્તપ્રાય છે.
(4) નવનીત ગણપતિ સંપ્રદાય : આ વેદમાર્ગીઓનો સંપ્રદાય છે અને તેમાં દક્ષિણ પદ્ધતિથી ઇષ્ટપૂજા થાય છે.
(5) સ્વર્ણ ગણપતિ સંપ્રદાય : આ પણ વેદમાર્ગી સંપ્રદાય છે. તેમના ઉપાસ્યની મૂર્તિ સુવર્ણવર્ણની અને ષડ્ભુજ હોય છે. તેને પિંગલ ગણપતિ પણ કહે છે.
(6) સન્તાન ગણપતિ સંપ્રદાય : આને લક્ષ્મી ગણપતિ સંપ્રદાય પણ કહે છે. આ પણ વેદમાર્ગી સંપ્રદાય છે.
આ બધા સંપ્રદાયો હાલ પ્રવર્તમાન નથી. એકાક્ષર ગણપતિ, ષડક્ષર ગણપતિ એ બે વેદમાર્ગીઓની મુખ્ય ઉપાસનાઓ તથા મહાગણપતિની ઉપાસના પ્રચલિત છે. પ્રધાન દેવતા તરીકે ગણપતિની ઉપાસના ભારતમાં દક્ષિણાપથમાં વિશેષ પ્રચલિત છે. ઉત્તરાપથમાં ગણપતિનાં સ્વતંત્ર મંદિરો ક્વચિત્ છે, જ્યારે દક્ષિણાપથમાં ગણપતિનાં ઘણાં મંદિરો છે. કેરળપ્રદેશમાં સૌથી વધારે મંદિરો છે અને એ મંદિરોમાં નિત્ય હોમપૂર્વક વ્યવસ્થિત પૂજા પ્રવર્તમાન છે.
ગણપતિ વિશેના સાહિત્યમાં ઋગ્વેદનાં બ્રહ્મણસ્પતિ સૂક્તો, બૃહસ્પતિ સૂક્તો, એક ઇન્દ્રસૂક્ત એ બધાં ગણપતિ દેવતાનાં સૂક્તો ગણાય છે. અથર્વવેદમાંનું ગણપતિ અથર્વશીર્ષ ગાણપત્યોનું પ્રમુખ ઉપનિષદસૂક્ત છે. ગણપતિતાપનીય ઉપનિષદ, ગણપતિઉપનિષદ, પુરાણોમાં ગણેશસંહિતા, ગણેશપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણનો ગણપતિ ખંડ અને શિવપુરાણ સહિત અન્ય પુરાણોમાં ગણપતિ વિશેના ખંડો અને અધ્યાયો છે. ગણપતિ કવચ, ગણપતિ પંચરત્ન, પંચાવરણ સ્તોત્ર, પુરશ્ર્ચરણવિધિ, ગણપતિ મંત્રવિધાન, રત્નદીપ, ગણપતિરહસ્ય વગેરે અને વેદપાદ સ્તોત્ર, ગણપતિસહસ્રનામ, સ્તવરાજ આદિ સ્તોત્રો પ્રસિદ્ધ છે.
પ્રાચીન ગાણપત્યોમાં વૈદિક ગૃત્સમદ ઋષિ મુખ્ય છે. મેધાતિથિ કાણ્વ, કણ્વ થૌર વગેરેની પણ ગણના ગાણપત્યોમાં થઈ શકે. વરેણ્ય ભુશુંડી વગેરે પુરાણ-પ્રસિદ્ધ ગાણપત્યો છે. મહારાષ્ટ્રમાં અષ્ટવિનાયક તીર્થોના સ્થાપકો પ્રસિદ્ધ ગાણપત્યો હતા. ગુજરાતમાં સોમનાથ પાસે આંબી ગામના ગણેશયોગી ચારસો વર્ષ પહેલાં થઈ ગયા. સંન્યાસ લીધા પછી તે મહારાષ્ટ્રમાં મોરેશ્વર ગણપતિના સ્થાને સ્થિર થયેલા. તેમણે ગણેશપુરાણ વગેરે ગણપતિ અંગેના ઘણા સાહિત્યનો ઉદ્ધાર કરેલો. તે બસો-સોળ વર્ષ જીવ્યા. મોરેશ્વર મંદિર પાસે તેમની સમાધિ છે. આ સદીના આરંભે લૂણાવાડામાં વિનાયક યોગી થઈ ગયા. તે બ્રહ્મચારી હતા અને સમકાલીન શંકરાચાર્યના પ્રીતિપાત્ર હતા. લૂણાવાડામાં તેમણે લવણગણેશની મૂર્તિ સ્થાપી છે. તે ત્યાંની સ્કૂલમાં શિક્ષક હતા.
નટવરલાલ યાજ્ઞિક