ગાઓ સિન્ગઝિયાન (Gao Xingjian)
January, 2010
ગાઓ સિન્ગઝિયાન (Gao Xingjian) (જ. 4 જાન્યુઆરી 1940, ગૅન્ઝૂ, જિઆંઝી પ્રાંત, ચાઇના) : ચાઇનીઝ નવલકથાકાર, નાટ્યકાર, દિગ્દર્શક અને વિવેચક. આજે ફ્રેન્ચ નાગરિક છે. સાર્વત્રિક માન્યતા, વેધક આંતરદૃષ્ટિ અને ભાષાકીય ચાતુર્ય દ્વારા ચાઇનીઝ નવલકથા અને નાટકને નવી દિશા આપવા માટે તેમને 2000ના વર્ષનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
ગાઓના પિતા બૅન્કમાં અધિકારી હતા અને માતા કલાપ્રેમી અભિનેત્રી હતાં. તેમણે ગાઓને થિયેટર અને સાહિત્યસર્જનની પ્રેરણા પૂરી પાડી હતી. ગાઓએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના રાજ્યની પીપલ્સ રિપ્બલિકની શાળાઓમાંથી પ્રાપ્ત કર્યું. 1957-1962 દરમિયાન તેમણે બેજિંગની વિદેશી-ભાષા સંસ્થામાં અભ્યાસ કર્યો. ફ્રેન્ચ ડિગ્રી મેળવી. સાંસ્કૃતિક ક્રાંતિ (1966-76) દરમિયાન તેમને ફરીથી શિક્ષણ શિબિરમાં મોકલવામાં આવ્યા. બૌદ્ધિક તરીકે તેમની સતામણી કરવામાં આવેલી. આથી તેમને તેમના પ્રારંભિક લખાણોનો નાશ કરવો પડેલો. 1979 સુધી તેઓ કશું પ્રકાશિત ન કરી શક્યા.
ગાઓને તેમની પ્રથમ લઘુનવલ ‘Stars on a Cold Night’ (1980) પ્રકાશિત થતાં જ એક વિશેષ ઓળખ પ્રાપ્ત થઈ. 1981માં તેઓ બેજિંગ પીપલ્સ આર્ટ થિયેટરમાં નિવાસી નાટ્યકાર બન્યા. 1982માં તેમનું પ્રથમ નાટક Alarm Signal જે લિયુ હિયુઆઉઆનની સાથે લખ્યું હતું તે ભજવ્યું. તેમનું બીજું પ્રખ્યાત નાટક Bus Stop (1983) જેમાં અવન્ત-ગાર્ડે યુરોપિયન થિયેટરની વિવિધ ટૅકનિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામ્યવાદી પક્ષના અધિકારીઓએ ખુલ્લેઆમ તેની ટીકા કરી હતી. ગાઓએ Wild Man (1986) જેવા નાટકો સાથે પ્રયોગશીલ નાટકોના નવા પ્રયોગો ચાલુ જ રાખ્યા હતા. તેમનું અત્યંત નોંધપાત્ર નાટક The Other Shore(1986) પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવેલો. ત્યારબાદ તેમનું કોઈ પણ નાટક ચીનમાં ભજવાયું નથી. આવી પરેશાનીથી બચવા તેમણે યાંગત્ઝે નદી – જે આધ્યાત્મિક યાત્રાધામ ગણાય છે, તેના જંગલ અને પર્વતોના પ્રદેશોમાં ચાલતાં ચાલતાં દશ મહિના સુધી પ્રવાસ કર્યો. જે તેમની પ્રખ્યાત નવલકથા Soul Mountain (1989) માટે પ્રેરણાસ્રોત બન્યો. 1987માં તેમણે ચીન છોડી દીધું. એક વર્ષ પછી પૅરિસમાં રાજકીય શરણાર્થી તરીકે સ્થાયી થયા. ત્યારબાદ ફ્રેન્ચ નાગરિક બન્યા.
ગાઓનું નાટક Fugitives (1989) પર પણ ચાઇનીઝ અધિકારીઓએ પ્રતિબંધ મૂકી તેમને Non-grata વ્યક્તિ જાહેર કર્યા હતા. One Man’s Bible એમની આત્મકથાત્મક કૃતિ છે.
ગાઓ સિન્ગઝિયાનની અનેક કૃતિઓ વિશ્વની વિવિધ ભાષાઓમાં અનુવાદિત થઈ છે. આજે તેમનાં ઘણાં નાટકો વિશ્વમાં અનેક દેશમાં ભજવાય છે. તેમનાં બે નાટકો – Summer Rain in Peking, Fugitivesના અનુવાદ કરીને રૉયલ, ડ્રામેટિક થિયેટર, સ્ટોકહોમમાં ભજવાયાં હતાં.
ગાઓ શાહીથી ચિત્રો પણ કરે છે. તેમના ત્રીસ જેટલાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો પણ થયા છે. તેઓ પોતાના પુસ્તકના કવર પરના ચિત્રો પોતે જ તૈયાર કરે છે.
ઊર્મિલા ઠાકર