ગાઉધી, આન્તોન્યો (જ. 26 જૂન, 1852, રેઉસ, સ્પેન; અ. 7 જૂન, 1926, બાર્સેલોના, સ્પેન) : સ્થપતિ, શિલ્પી અને માટીકામના કલાકાર. મૂળ નામ આન્તોન્યો ગાઉધી ઇ કોર્નેત. બાર્સેલોનાની સ્થાપત્યસંસ્થામાં અભ્યાસ. મુખ્યત્વે તરંગી કલ્પનાશીલતા પ્રયોજીને સ્થાપત્યકલામાં અનેક પ્રયોગો કરીને અવકાશી મોકળાશ (spacial) અને અંગસંયોજન માટે એ જાણીતા છે. સ્થાપત્યવિધાનમાં એમનું મહત્વનું પ્રદાન તે ખુલ્લી જગ્યાનો ઉપયોગ; એ માટે બાંધકામ સારુ જરૂરી અનેક સ્તંભોને સ્થાને થોડાક સ્તંભો ઢળતા મૂકીને એ દ્વારા ભારવહન સિદ્ધ કરી એમણે રેખા, સ્થળ અને કદને કલાત્મકતા અર્પી. ઈ. સ. 1905–07 વચ્ચે પાસ્કોગ્રેસિયા-કાસા બાટલો અને 1905–10 વચ્ચે કાસા મીલામાં નિર્મિત રહેઠાણો અને કચેરીઓના બાહ્ય મુખભાગ (facade) અને સ્થલની સંરચના ઉઠાવદાર બન્યાં છે. એમાંય ખાસ કરીને ધુમાડિયાં અને જાળિયાંના રેખાત્મક આકારો તેમજ ઝાંપા અને કઠેડાઓની લોખંડની કલાત્મક જાળીઓ તો એમની ઉત્તમ સૌંદર્યર્દષ્ટિનાં ઉદાહરણો ગણાય છે.

મન્વિતા બારાડી