ગાઇડુસેક, ડી. કાર્લેટન
January, 2010
ગાઇડુસેક, ડી. કાર્લેટન (જ. 9 સપ્ટેમ્બર 1923 યાંકર્ઝ, ન્યૂયૉર્ક, યુ.એસ.; અ. 12 ડિસેમ્બર 2008, નોર્વે) : 1976ના તબીબી અને શરીરક્રિયાશાસ્ત્રના નોબેલ પારિતોષિકના બ્લુમ્બર્ગ સાથેના સહવિજેતા. ચેપી રોગોની શરૂઆત
અને તેમના ફેલાવાની નવી પદ્ધતિઓની તેમણે શોધ કરી હતી. તેમણે પપુઆ ન્યૂગિનીની માનવમાંસભક્ષી પ્રજામાં કૂરૂ નામના ધીમે ધીમે વિકાસ પામતા રોગનો ફેલાવો દર્શાવ્યો. કૂરૂનો રોગ મૃત વ્યક્તિના મગજને ખાવાથી સામાન્ય રીતે સ્ત્રીઓમાં થાય છે. તેમણે તેનો વિષાણુ અલગ કરીને દર્શાવ્યો તથા તેના ચેપને ચિમ્પાન્ઝીમાં પણ પ્રવેશ કરાવી બતાવ્યો. ચિમ્પાન્ઝીમાં તેના ચેપનાં લક્ષણ 1 વર્ષ પછી જોવા મળે છે. આ ઉપરાંત તેમણે હર્પિસ, શીતવ્રણ (cold sore) વગેરે રોગોમાં ધીમા અને સતત થતા વિષાણુજન્ય ચેપ અંગે પણ સંશોધન કર્યાં હતાં.
તેમણે 1945માં મિનેસોટા(યુ.એસ.)ની રોચેસ્ટર યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસ કર્યો અને 1946માં હાર્વર્ડની યુનિવર્સિટી મેડિકલ સ્કૂલમાંથી એમ.ડી.ની ઉપાધિ મેળવી. તેઓ ત્યાર બાદ બાળરોગનિષ્ણાત બન્યા. 1948માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં જોડાયા અને વિષાણુલક્ષી (virological) સંશોધનક્ષેત્રે કાર્ય કર્યું.
શિલીન નં. શુક્લ